ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૧: સંસ્થાગત ક્રીપ્ટોકરન્સી રોકાણકારોને લાંબાગાળાનાં વાયદા સોદા કરવાની સગવડતા કરી આપતા બક્ક્ત ફ્યુચર્સ કોન્ટ્રેક્ટનો ૨૩ સપ્ટેમ્બરે જન્મ થતા જ ૨૫ ટકાના ભાવ ઘટાડા સાથે બિત્કોઇન ઉંધેકાંધ પટકાયો હતો. ઇન્ટરકોન્ટીનેન્ટલ એક્સચેન્જ (આઈસીઈ)નાં વેરહાઉસ અને ફ્યુચર્સ કોન્ટ્રેક્ટનાં નિયમન અને સહયોગમાં બીત્કોઈન બક્ક્ત વાયદા બાબતે સતત ૧૩ મહિના સુધી પ્રશ્નોની જડી વર્ષ્યા બાદ, બે વખત મુલતવી રહેલા આ વાયદા આખરે ટીકર બોર્ડ (ભાવ ફલક) પર આવ્યા હતા. બક્ક્ત વાયદો ૩૦ દિવસની ડીલીવરી કરાર સાથે અવતર્યો છે. બક્ક્ત બિત્કોઇન વાયદાનું અવતરણ થતા જ મંદીવાળા તેને ઘેરી વળ્યા હતા. ૨૦૧૭મા જ્યારે સીએમઈ અને સીબીઓઈ (શિકાગો બોર્ડ ઓપ્શન એક્સચેન્જ)એ બિત્કોઇન વાયદા શરુ કર્યા ત્યારે પણ મંદીવાળાએ બિત્કોઇનની આવી જ વલે કરી હતી.
બક્ક્ત વાયદાનો ૨૩ સપ્ટેમ્બરે જન્મ થવા અગાઉ બિત્કોઇનનો હાજર ભાવ ૧૦,૦૦૦ ડોલર ઉપર હતો, પણ ૩૦ સપ્ટેમ્બર (સોમવાર)એ ૮,૦૦૦ ડોલરની અંદર ઉતરી ગયો હતો. જેપી મોર્ગન બેંક કહે છે કે સોમવારે એક જ દિવસમાં ભાવ ૩૫૦ તૂટ્યા હોઈ, આ સપ્તાહે ભાવ ઘટાડો અટકવાની સંભાવના ઓછી છે. સોમવારે બિત્કોઇનનો ભાવ ૭૭૭૨ અને ૮૧૬૩ ડોલરની વ્યાપક રેન્જમાં બોલાયો હતો. એક દિવસના ૪ ટકાના આ ભાવ ઘટાડા સાથે બિત્કોઇનની કુલ માર્કેટ કેપિટલ ઘટીને ૧૪૧ અબજ ડોલર રહી ગઈ છે. આગામી ત્રિમાસિકમાં પણ બજાર મોટી તેજી શક્ય નથી જણાતી.
ભાવ આટલા મોટાપાયે કેમ ઘટ્યા તેનું કોઈ સ્પષ્ટ કારણ નથી મળતું, તેથી એમ કહી શકાય કે મંદીવાળાઓએ હેમરીંગ કર્યું છે. ગત સપ્તાહે બક્ક્ત વાયદો ટીકર બોર્ડ પર આવતા જ રેડ ઝોનમાં જતો રહ્યો તે ૨૦૧૯ની કોમોડીટી બજારની મહત્વની ઘટના બની રહેશે. વાયદાના પ્લેટફોર્મ પર બહુ બધા સોદા ઉતર્યા ન હોવાથી ગંભીર રોકાણકારોને આકર્ષવામાં પણ નિષ્ફળ ગયો હતો. ૨૦૧૯મા અત્યાર સુધી ક્રીપ્ટો પંડિતોએ નવા વાયદાને ગેમચેન્જર ગણાવી ઊહાપો કર્યો હતો, સોદા વોલ્યુમે બધાને નિરાશ કર્યા હતા. ૨૩ સપ્ટેમ્બરે પહેલા જ દિવસે ૧૫૦ કોન્ટ્રેક્ટનાં સોદા થયા હતા, બીજા દીસે ૨૧૭ કોન્ટ્રેક્ટ નોંધાયા હતા. આથી વિપરીત સીએમઈ પર ૨૦૧૭મા વાયદો ટીકર બોર્ડ પર આવ્યો ત્યારે ૫૨૭૦ લોટના સોદા થયા હતા, આ જોતા પણ નવા વાયદા બાબતે બજારમાં ઘણી નિરાશા વ્યાપી હતી.
જેપી મોર્ગન માને છે કે વાયદાનું ફીઝીકલ સેટલમેન્ટ એ બજાર માટે ખુબ સારું ચિન્હ છે, પણ વાયદો ખુલતાજ તેના આવા હાલ થયા તે કોઈ રીતે વાજબી નથી. તાજેતરમાં ભાવ ઘટ્યા તેનું મૂળભૂત કારણ, ખાસ કરીને ફીઝીકલ બિત્કોઇન હોલ્ડર્સ અને માઈનર્સને હેજિંગ (સલામતી) પૂરી પાડવાના ઈરાદા સાથે ફિઝીકલી સેટલ્ડ વાયદાનું લીસ્ટીંગ કરાવવામાં આવ્યું, તે માનવામાં આવી રહ્યું છે, નહિ કે આરંભિક ઓછું વોલ્યુમ. વર્તમાન બિત્કોઇન ગાબડાએ અન્ય ક્રીપ્ટોકરન્સીઓને પણ નીચે જવાની ફરજ પડી છે. ૯૦૦૦ ડોલરનું સપોર્ટ લેવલ તૂટી ગયું છે, અને કેટલાંક પ્રાઈસ રેસીસટન્સ લેવલોમાં પીછેહઠ થઇ ગઈ હોવાથી, વર્તમાનમાં નવા રેસીસટન્સ લેવલ પણ અસ્તિત્વમાં આવી ગયા છે.
રીસર્ચ એનાલીસ્ટો સૂચવે છે કે ૭૯૦૦ ડોલરનાં ભાવે સપોર્ટ શોધ્યો છે, ત્યાર પછીનો ૫૫૭૧ ડોલર છે, જો તે તૂટે તો શક્ય છે કે ભાવ ૨૦૦૦ ડોલરના નવા તળિયે જાય. ક્રીપ્ટો બજારમાં તૂટતા ભાવની સવારી કરવાનું ટાળજો. હવે પછીના નવા ઊંચા ભાવ જોવાય તે અગાઉ બિત્કોઇનમાં તળિયું સ્થાપિત થાય ત્યાં સુધી તો નવા સોદા માટે રાહ જોવીજ રહી. જો ભાવ ૫૫૭૧ ડોલર કરતા નીચે જાય તો ટેકનીકલ ચાર્ટ કહે છે કે ત્યાર પછીનું ૨૧૦૦ ડોલરનું લક્ષ્યાંક પ્રાપ્ત કરવાના ઉતાવળા પ્રયાસ થશે. મેગ્નેટ ફીબોનાસી પ્રાઈસ તોડવા માટે સટ્ટોડીયા પુરતી ઉર્જા પ્રાપ્ત કરવામાં નિષ્ફળ જશે તો, આખરે સમય જ કહેશે કે ભાવની હવે પછીની ઉથલપાથલ રેંજ કેવી રહેશે.