ગુજરાતની શાળા – કોલેજ વિદ્યાર્થીઓ અને કોર્પોરેટ હાઉસમાં કામ કરતા લોકો દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ માટે રોબીન હૂડ આર્મી ગ્રૂપ શરૂ કરાયા છે. તેઓ માનવતા વાદી કામ કરીને જરૂરિયાત વાળા લોકોને મદદ કરે છે. શિયાળામાં ગરીબ લોકોને ઓઢવા કે પહેરવાના કપડાં આપવા, ભૂખ્યા લોકોને ખાવાનું આપવું જેવી પ્રવૃત્તિ રોબીન હૂડ આર્મી દ્વારા ગુજરાતમાં શરૂ થયું છે. જેમાં અમદાવાદ અને મોરબીમાં મજબૂત રીતે આ ગૃપ કામ કરી રહ્યું છે.
રોબીન હૂડ આર્મી સાથે જોડાયેલા યુવાનો લગ્ન પ્રસંગે કે હોટેલોમાં વધતો ખોરાક એકઠો કરે છે અને ઝુંપડ પટ્ટીમાં જઈને તે આપી આવે છે. મોરબીમાં રોબીન હૂડ આર્મી સૌથી વધું મજબૂત રીતે સેવા કરે છે, ત્યાર બાદ અમદાવાદ આવે છે.
ગુજરાતમાં ગરીબી વધી રહી હોવાથી લોકો ભૂખ્યા સુતા હોય છે, બીજી તરફ અન્નનો બગાડ કરવામાં આવે છે. અન્નનો બગાડ અટકાવવા અને ભૂખ્યા સુધી તે અન્ન પહોંચાડવા રોબીનહૂડ આર્મી સંસ્થા કામ કરે છે. અનાથ આશ્રમમાં બાળકોને અનેક પ્રકારની મદદ કરે છે.
મૂઠી અનાજ નામે ઝૂંબેશ ચલાવવામાં આવે છે જેમાં દરેક ઘરેથી એક મૂઠી અનાજ આપવાનું હોય છે. એક સ્થળે રાખવામાં આવેલા પાત્રમાં તે અનાજ આપવાનું હોય છે. ઘરે બાળકો રોજ એક મૂઠી અનાજ પોતાના ઘરે રાખેલા પાત્રમાં નાંખે છે જે ભરાય જાય પછી એક સ્થળે રાખેલા પાત્રમાં તે નાંખવામાં આવે છે. આવી પહેલી શરૂઆત અમદાવાદમાં સત્યાગ્રહ છાવણીમાં મુધુ શાહે કરી હતી. તેઓ એક મુઠ્ઠી અનાજ ઉપરાંત ગરીબ વિસ્તારમાં એક કીટનું વિતરણ કરતાં હતા.
ભોજનનો બગાડ અટકાવવા અને ભૂખ્યાને ભોજન આપવાના સિદ્ધાંતથી રોબીન હુડ આર્મી વિશ્વના 103 શહેરોમાં ચાલે છે. જેમાં 22 હજાર લોકો જોડાયેલા છે. હવે ગુજરાતમાં અનેક શહેરોમાં આ સંસ્થા કામ કરવા લાગી છે. મોરબીમાં પણ 2018થી આર્મી કામ કરવા લાગી છે.
રાજકોટ શહેરમાં પણ આ સંસ્થાએ કામ શરૂ કર્યું છે. જે બગડતું અન્ન એકઠું કરીને ભૂખ્યાને આપી આવે છે.