બનાવટી પ્રમાણપત્ર આપશો તો સાંસદ કે ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠરશો

ST/SC/OBC જાતિ અંગેના ખોટા પ્રમાણપત્રોના આધારે લાભ લેનારાઓને હવે કડકમાં કડક સજા કરવામાં આવશે. આ અંગેના કાયદાને ભારતના રાષ્ટ્રપતિશ્રીની મંજૂરીની મહોર મળી જતા હવે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા સામે આકરા પગલા ભરવામાં આવશે.

ગુજરાત વિધાનસભામાં આ અંગેનો કાયદો પસાર કરી રાજયપાલીની ભલામણથી રાષ્ટ્રપતિને મંજૂરી માટે મોકલી આપ્યો હતો. જેને તા. ૫મી ઓકટોબરના રોજ રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ખોટા જાતિના દાખલાઓ અંગેની ઘટનાઓ રાજ્ય સરકારના ધ્યાને આવેલ હતી. જાતિના ખોટા પ્રમાણપત્રોને આધારે અનામત પ્રથાને લાભ લઈ ગેરકાયદેસરની પ્રવૃત્તિને ગુના તરીકે ઠેરવી દેવામાં આવશે. ST/SC/OBC ઉમેદવારોની પસંદગી સરકારી નોકરીમાં થશે ત્યારે, શરૂઆતમાં જ તેના જાતિના પ્રમાણપત્રની ખરાઇ કરવામાં આવશે અને જો આવું જાતિ અંગેનું પ્રમાણપત્ર ખોટું સાબિત થશે તો તેણે નોકરી માટે નિમણુક માટેનો ઓર્ડર આપવામાં આવશે નહીં અને જેઓ નોકરી કરે છે તેઓનું જાતિ પ્રમાણપત્ર ખોટું સાબિત થશે તો તેને સરકારી નોકરીમાંથી બરતરફ કરવામાં આવશે.

જો કોઇ શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મેળવ્યો હશે તે પ્રવેશ રદ થશે અને તેની ડિગ્રી પણ કરી જપ્ત કરવામાં આવશે. જો કોઇ વ્યકિત આવા ખોટા જાતિના પ્રમાણપત્રને આધારે ચૂંટણી લડ્યો હશે તો તેનું ગ્રામ પંચાયતના સભ્ય, સરપંચ, ડેપ્યુટી સરપંચ, તાલુકા પંચાયતના સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય, ધારાસભ્ય અને સંસદસભ્ય તરીકેનું સભ્ય પદ પણ રદ કરવામાં આવશે.

જે વ્યકિતએ આવું ખોટું પ્રમાણપત્ર મેળવ્યું હશે તેને તેમજ તેવું ખોટુ પ્રમાણપત્ર આપનાર અને ખોટું પ્રમાણપત્ર મેળવવા માટે મદદ કરનારને ૩ વર્ષ સુધીની કેદની સજા તથા રૂા.૫૦,૦૦૦ સુધીનો નાણાકીય દંડ થશે. તથા આવા ખોટા પ્રમાણપત્રના આધારે તેમણે મેળવેલી શિષ્યવૃત્તિ, પગાર વગેરે જેવા લાભો પણ જમીન મહેસુલની બાકી તરીકે તેની પાસેથી વસુલવામાં આવશે.

આ પ્રમાણપત્રોની ખરાઇ ચકાસણી સમિતિ દ્વારા કરવામાં આવશે તથા તે અંગેના નિર્ણયને નામદાર હાઇકોર્ટમાં જ પડકારી શકાશે. આ કાર્યવાહીને સરળ વહીવટી સ્વરૂપ આપવામાં આવેલ છે.