સરહદી બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ગૌશાળાના સંચાલકો આંદોલન કરે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. જિલ્લામાં આ વર્ષે વરસાદ નહિવત છે. જેના કારણે ઘાસચારાની તંગી સર્જાઇ છે. ત્યારે ગૌશાળાના સંચાલકો જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે જોઈએ એવો વરસાદ પડ્યો નથી. જેના કારણે ચોમાસુ પુરૂં થયાને હજુ ગણતરીના દિવસો નથી થયા, ત્યાં જિલ્લામાં ઘાસચારો અને પાણીને લઈ પ્રશ્નો ઊભા થયા છે. બનાસકાંઠા જિલ્લામાં 140થી વધુ ગૌશાળા અને પાંજરાપોળમાં આશરે 70,000 હજારથી વધુ પશુઓ છે. જેના નિભાવને લઈ ગૌશાળાના સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ગૌશાળા સંચાલકોએ ઓછા વરસાદના કારણે જિલ્લાની તમામ ગૌશાળાઓને આવરી લઈ તેમને સહાય આપવાની માંગ કરી હતી. વધુમાં જિલ્લાને તાકીદે અછતગ્રસ્ત જાહેર કરવાની પણ માંગ દોહરાવી હતી. બનાસકાંઠા જિલ્લામાં પરિસ્થિતિ વિકટ છે. ગૌશાળાના સંચાલકો કપરી પરિસ્થિતિમાં છે. ત્યારે તંત્ર પણ આ સમગ્ર બાબતે ગંભીર છે. અને આ અંગે ગૌશાળાના સંચાલકોની લાગણી સરકાર સુધી પહોંચાડવાની ખાત્રી જિલ્લા કલેકટરે આપી હતી.
જોકે, સરકાર પોતાની માંગણીઓ નહીં સંતોષે તો પશુઓને સરકારી કચેરીમાં છોડી મુકવા સાથે આગામી સમયમાં ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ગૌશાળા સંચાલકોએ ઉચ્ચારી હતી. ત્યારે જોવાનું એ રહેશે કે, અબોલ પશુઓની સાથે પાંજરાપોળના સંચાલકોની પીડાને દૂર કરવામાં સરકાર કેટલી કારગર સાબિત થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડૂતોની સમસ્યા તેમ જ અપૂરતાં વરસાદને લઈને વિવિધ આંદોલનો થઈ રહ્યાં છે, પરંતુ રાજ્ય સરકારનાં પેટનું પાણી પણ હાલતું નથી ત્યારે આવનારા દિવસોમાં પાણીની પડનારી કારમી તંગીને લઈને પાણીપત થાય તો નવાઈ નહિ.