બનાસકાંઠામાં શાકભાજીના ભાવો ઘટતા ખેડૂતોને નુકસાન

બનાસકાંઠા જિલ્લામાં હવે શાકભાજીનું વાવેતર કરતા ખેડૂતોને પણ ભાવ ન મળવાના કારણે શાકભાજી કચરામાં ફેંકી દેવાનો વારો આવતા ખેડૂતો પાયમાલ થવાની કગાર પર આવી ગયા છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળવા અંગે સરકાર દ્વારા કોઈ યોગ્ય પગલા લેવાય તેમ ખેડૂતો ઇચ્છી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવાના દાવા કરી રહ્યા છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં ખેડૂતોને જે રીતે કૃષિ પેદાશોના ભાવો મળે છે. તે જોતા ખેડૂતોની હાલત કેવી હશે તેવા વિચારથી પણ દિલ દ્રવી ઉઠે છે. એક તરફ કુદરત રૂઠી છે અને વરસાદ ન થતા ખેડૂતોનું વર્ષ બગડયું છે. ત્યારે બીજી તરફ પાણીવાળા વિસ્તારોમાં પણ શાકભાજીની ખેતી કરતા ખેડૂતોની હાલત ખુબ જ કફોડી બની છે. ખેડૂતોને ફૂલાવર, દૂધી, લીલી ડુંગળી, કોબીજ, મરચા, લીલી ડુંગળી, ટામેટા સહિતના લીલા શાકભાજીમાં ભાવ તળીયે બેસી જતા શાકભાજી વીણવાની મજૂરી અને માર્કેટ સુધી પહોંચાડવાના ટ્રાન્સપોર્ટેશનનું ભાડું પણ મળતું નથી. આવી હાલતમાં ખેડૂતો સારા ભાવ મળવાની આશાએ શાકભાજી માર્કેટયાર્ડમાં તો લઈ જાય છે પણ ત્યાં સુધી પહોંચાડવા જેટલા પણ નાણાંના ઉપજતા આખરે ખેડૂતો શાકભાજી માર્કેટમાંજ મૂકીને જતા રહે છે.
ખેડૂતો પરંપરાગત ખેતી છોડી સારા ભાવની આશાએ શાકભાજીની ખેતી તરફ વળ્યા હતા પરંતુ તેમાં પણ ભાવ ન મળતાં ખેડૂતો હવે ચારે બાજુથી ઘેરાઈ ગયા છે. ત્યારે આવી પરિસ્થિતિમાંથી બહાર કાઢવા સરકાર હસ્તક્ષેપ કરી કોઈ માર્ગ કાઢી ખેડૂતોની સહાય કરે તેમ ઈચ્છી રહ્યા છે.