બનાસકાંઠા જિલ્લામાં અપૂરતા વરસાદ અને ભાવ વધારાનાં પગલે ખેડૂતોની હાલત કફોડી

સમગ્ર દેશમાં મોંઘવારીએ માંઝા મૂકી છે. દરેક ચીજવસ્તુઓ મોંઘી. સામાન્ય પ્રજાનાં ખિસ્સા પર તેની સીધી અસર પડી રહી છે. સામાન્ય પ્રજા મોંઘવારીનાં મારમાં પિસાઈ રહી છે. પરંતુ રાજ્યનાં ખેડૂતોની હાલત તો બદથી પણ બદતર થઈ ગઈ છે. કેમ કે જગતનાં તાતને પોતાનાં ખેતરમાં પાક માટે બિયારણ, ખાતરમાં પણ ભાવ વધારાનાં કારણે મોંઘા ભાવની ખરીદી કરવી પડે છે. તો પોતાનું ખેતર ખેડવા ટ્રેક્ટર કે સિંચાઈ માટે પાણી માટે મોટર ચલાવવા ડિઝલનો ઉપયોગ કરવો પડે છે તેમાં પણ રોજે રોજ કમરતોડ ભાવ વધારાએ ખેડૂતોની કમર સાવ ભાંગી નાંખી છે.
સરહદી જિલ્લા બનાસકાંઠામાં ચાલુ વર્ષે નહિવત વરસાદ વચ્ચે ખાતરમાં થયેલા ભાવ વધારાને પગલે ખેડૂતોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે જિલ્લાના ખેડૂતો સહિત કિસાન સંઘ પણ ખાતર અને ડિઝલના ભાવ વધારો પરત ખેંચવાની માંગ કરી રહ્યા છે. આ અંગે સ્થાનિક ખેડૂતો અને કિસાન સંઘ દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છતાં પણ કોઈ ઉકેલ આવતો નથી. આ જિલ્લામાં અપૂરતા વરસાદને પગલે જગતનો તાત બેહાલ બની ગયો છે, અને એક બાજુ સિંચાઈ માટે પાણી નથી મળી રહ્યું તો બીજી બાજુ ડિઝલ અને ખાતરનાં ભાવ વધી ગયાં છે તેનાં કારણે તાત વધુ કંગાળ બની ગયો છે. આને આ ભાવ વધારો ખેડૂતો માટે પડતા પર પાટું સમો બની રહ્યો છે. ભાવ વધારાને પગલે ઉત્પાદન પર અસર વર્તાઈ રહી છે. જેથી ખેડૂતોની હાલત વધુને વધુ કફોડી બની છે. ડિઝલનાં ધતા જતા ભાવને પગલે ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થયું છે. જેથી મોંઘવારી વધી છે. ત્યારે ખેડૂતોને ડિઝલમાં સબસિડી આપવા અને ખાતરના ભાવ ઘટાડા સહીતની માંગણી ખુદ ભારતીય કિસાન સંઘ પણ કરી રહ્યો છે.
કેન્દ્ર સરકાર દ્વારા 2022માં ખેડૂતોની આવક બમણી કરવાની વાત બુમરેંગ સાબિત થશે તેવો એકરાર ખુદ કિસાન સંઘ કરી રહ્યો છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને પડી રહેલી પારાવાર મુશ્કેલીઓ દૂર કરવાં કેવાં નિર્ણયો કરે છે.