* નિષ્ઠા હોય ત્યારે ‘શક્યતાનું શિલ્પ’ કંડારી શકાય છે. રણને લીલાછમ કરી શકાય છે, સપનાં વાસ્તવમાં તબદીલ થઈ શકે છે. માયૂસ ચહેરા પર સ્મિત પ્રસરી શકે છે. એક રીતે બનાસડેરી વહેતી શ્વેતગંગા છે, જેનાથી સૂકાંપ્રદેશના લોકોનું જીવન ધન્ય થયું. પહાડીપ્રદેશના રહેવાસીઓ માટે જીવનનિર્વાહના વિકલ્પ ઊભો થયો અને લીલાછમ વિસ્તારના લોકોની જિંદગી શ્રેષ્ઠત્તમ બની. શ્વેતગંગા સ્વરૂપે બનાસ ડેરીની ધારા વહેતી રહેશે, ત્યાં સુધી બનાસકાંઠાની ભાતીગળ સંસ્કૃતિ જીવંત રહેશે.
* બનાસકાંઠાના ખેડૂતોના આર્થિક ઉત્કર્ષ માટે ખેતીનો વ્યવસાય પુરતો ન હતો. એ સમયે ખેડૂતોને આર્થિક રીતે પગભર કરવા માટે પશુપાલન ઉદ્યોગનો વૈજ્ઞાનિક ઢબે વિકાસ થાય અને તે દ્વારા ખેડૂત સમુદાયને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવાનો ઉમદા આશય સ્વપ્નશીલ ગલબાભાઈ(ગલબાકાકા)નો રહ્યો. એટલે તેમણે 31 જાન્યુઆરી, 1969ના રોજ બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.(બનાસ ડેરી)ની સ્થાપના કરી.
* 3જી ઓક્ટોબર 1966ના રોજ વડગામ અને પાલનપુર તાલુકાના ગ્રામ્ય સ્તરની 8 દૂધ મંડળીનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું અને તે દ્વારા એકત્ર થયેલું દૂધ મહેસાણા સ્થિત દૂધસાગર ડેરીને મોકલવાનું શરુ કર્યું. આમ, દૂધસાગર સાથે બનાસ ડેરીનો કાયમી ઋણાનુબંધ રહેશે.
* બનાસ ડેરીના આદ્યસ્થાપક ગલબાભાઈ વિઝનરી લીડર હતાં. તેમની કાર્યશૈલી અંગે તેમના અનુગામી દલુભાઈ દેસાઈએ નોંધ્યું છે કે, ‘‘ગલબાભાઈએ બનાસ ડેરીની સ્થાપના કરી, એટલું જ નહીં પરંતુ ડેરીના વિકાસમાં તેમણે જિલ્લાના ખૂણે-ખૂણે ફરીને ખેડૂતોને દૂધ ઉત્પાદન મંડળી રચવા પ્રેરણા આપી અને એના પરિશ્રમના ફળસ્વરુપે આજે જોઈ રહ્યાં છીએ કે બનાસ ડેરીના પાયાના સાધન વિકસી રહ્યાં છે.’’
* બનાસકાંઠાના જગાણા ગામ નજીક બનાસ ડેરી માટે 122 એકર જમીન સંપાદિત કરવામાં આવી. જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના આદ્યસ્થાપક ગલબાભાઈના હસ્તે 14 જાન્યુઆરી 1971ના રોજ બનાસ ડેરીના પ્લાન્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. 7મે, 1971ના રોજ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ(NDDB)ના ઓપરેશન ફ્લડ પ્રોગ્રામ અંતર્ગત બનાસ ડેરીનો પાયલોટ ચિલિંગ પ્લાન્ટ કાર્યરત થયો. પ્રથમ પ્લાન્ટની મિલ્ક પ્રોસેસિંગ કેપેસિટી 4 લાખ લીટર પ્રતિદિનની હતી. આમ, ગલબભાઈના અથાગ પ્રયાસ, પરિશ્રમ, ખેડૂતો પ્રત્યેની નિષ્ઠા, ડેરીના વિકાસ માટે સમર્પણ અને પ્રતિબદ્ધ નેતૃત્વને કારણે બનાસ ડેરીની શ્વેતધારા વહેતી થઈ. તેમણે ખેડૂતોનો વિશ્વાસ જીત્યો હતો. એટલે જ આજે બનાસ ડેરી ભારતની સૌથી અગ્રસ્થાન ધરાવતી સંસ્થા બની છે.
* બનાસ ડેરી સ્ટેપ-બાય-સ્ટેપ જરૂરી સંસાધન વિકસાવી રહી હતી. જેમ કે 17 જૂન 1972ના રોજ ખીમાણા ખાતે તેમજ 17 ઓક્ટોબર, 1972ના રોજ ધાનેરા ખાતે મિલ્ક ચિલિંગ સેન્ટર કાર્યરત થયા. બાદમાં થરાદ અને રાધનપુર ખાતે ચિલિંગ સેન્ટર શરુ કરવામાં આવ્યા. એ જ રીતે 14 એપ્રિલ, 1974ના રોજ પશુપાલન સેવાનો પ્રારંભ થયો. 1975માં સ્કીમ મિલ્ક પાવડરનું ઉત્પાદન શરુ કર્યું. અને શ્રેતક્રાંતિના જનક વર્ગિસ કુરિયનના હસ્તે બનાસ ડેરીના પ્લાન્ટનું વિસ્તરણ કરવામાં આવ્યું. આ જ વર્ષમાં કેન્દ્રીય કેબિનેટ એગ્રિકલ્ચર મિનિસ્ટર સુરજિતસિંહ બરનાલાના હસ્તે ફીડ ચિલિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું.
* આમ, રાષ્ટ્રીય સ્તરે બનાસ ડેરીની અનોખી ઓળખ ઊભી કરવામાં સ્થાપક ચેરમેન ગલબાભાઈ સફળ રહ્યાં. જોકે, આંખમાં અઢળક સપનાં હતાં, એ સમયે જ ગલબાભાઈના હૃદયના ધબકારા શાંત પડ્યા ! તેમના મહાન સંકલ્પના પરિણામ સ્વરુપ આજે છેલ્લા 7 વર્ષથી એશિયા ખંડમાં સૌથી વધુ દૂધ સંપાદન કરતી સંસ્થા તરીકે બનાસ ડેરીએ ઓળખ મેળવી છે.
* બનાસ ડેરી થકી 3,00,000(ત્રણ લાખ)થી વધુ પરિવારો સ્વમાનભેર જીવી રહ્યાં છે. ત્યારે એમ કહી શકાય કે ગલબાભાઈનો પુરુષાર્થ સાચા અર્થ યથાર્થ સાબિત થયો છે. ડો.વર્સિસ કુરિયનનું લક્ષ્ય સિદ્ધ થયું છે.
* બનાસ ડેરી 7 મહિના પછી સ્થાપનાની ગોલ્ડન જ્યુબિલી(સુવર્ણજ્યંતિ) ઉજવશે. ત્યારે મને 2003માં રુબરુ મુલાકાત દરમિયાન ડો.વર્ગિસ કુરિયને એક સવાલના પ્રત્યુત્તરમાં એમ કહ્યું હતું કે, ‘‘જિલ્લા દૂધ સંઘોએ ફક્ત દૂધઉત્પાદન પ્રવૃતિ પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, નહીં કે અન્ય પ્રવૃતિ પર ! કેમ કે ડેરી અન્ય પ્રવૃતિ પર ફોક્સ કરે છે, ત્યારે તેનું આર્થિક ભારણ દૂધ ઉત્પાદકોને બિનાકારણ ભોગવવું પડે છે.’’
* ગલબાકાકા હંમેશાં એમ કહેતાં કે, ‘‘ખેડૂતોનું હિત ધ્યાને રાખીને નિર્ણય લેવા જોઈએ. ખેડૂત સુખી તો સૌ સુખી.’’
* બનાસ ડેરી 50 વર્ષની(જાન્યુઆરી, 2019) ઉજવણી પ્રસંગે ખેડૂતોને શું સોગાદ આપે છે ? આ એક પ્રશ્ન છે અને હંમેશાં ખેડૂતોની વાત આવે ત્યારે પ્રશ્ન નિરુત્તર રહી જાય છે. બાકી, પાણીનો ફિનોમીના સમજાય એવો નથી, પણ દૂધનો ફિનોમીના(Phenomena) સમજવો સરળ છે. કેમ કે દૂધ ઘણીવાર ફાટી જાય છે અને ગુજરાતમાં દૂધ સાથે ‘ખેલ’ કર્યો છે, એમને સમયદેવતા(God of Time)એ ભાન પણ કરાવ્યું જ છે.
* પારદર્શિતા, પ્રમાણિકતા, નિષ્ઠા, કટિબદ્ધતા અને સજ્જનતાની વાત આવે છે, ત્યારે ગલબાકાકાના નામથી હું આગળ વધી શકતો નથી અને હા, જ્યારે એક નામ પછી ઉમેરવા માટે બીજી નામ જડતું નથી ! ત્યારે દૂર ક્ષિતિજ તરફ નિરખવા સિવાય કોઈ જ વિકલ્પ રહેતો નથી.
* અફસોસ એટલે જ છે કે 5000 કરોડ ટર્નઓવર છે, છતાં ગુજરાતની તમામ ડેરીઓમાં સૌથી નબળી વેબસાઈટ બનાસ ડેરીની છે અને બનાસ ડેરી વિશેની કોઈ જ નક્કર માહિતી ઉપલબ્ધ નથી. (નોધ – સત્તાધીશોએ સુમુલ ડેરીની વેબસાઈટ જોવી રહી.)
* શ્વેતગંગા સમાન બનાસ ડેરીની વહેતીધારાને કારણે બનાસકાંઠામાં કાયમ સુખનો અવસર નિરખવા મળે છે. બનાસ ડેરી એક સંગઠિત શક્તિનું નામ છે, ભરોસાનું પ્રતિક છે. સપનાં સાકાર કરવાનું સાધન છે. આત્મબળનું સિંચન કરતો અમૂલ્ય સ્ત્રો છે. માતાઓનું સ્મિત છે, બાળકોનું પોષણ છે અને આવનારી પેઢીનું ધ્યેય છે. વારાણસીમાં બનાસ શ્વેતગંગાનું સ્વરૂપ ધારણ કરે છે. બનાસ સર્વત્ર સમૃદ્ધિનું સર્જન કરે છે. હા, ‘‘હું બનાસ છું. સૌની તારણહાર છું. કેમ કે હું માતા છું.’’
* બનાસ ડેરીના જન્મદાતા ગલબાકાકાની સ્મૃતિ અકબંધ રહેશે. દાતરડાંથી રજકો કાપી, ગાય-ભેંસનું પાલન કરી અને અમૃત સમાન દૂધ ભરાવીને બનાસ ડેરીની 50 વર્ષની ગોલ્ડન સફરમાં સંગાથી બનાનાર સૌ માતાઓ-બહેનોને હૃદયપૂર્વક પ્રમાણ કરું છું.