દેશનાં રાજકીય નેતાઓ વાણી વિલાસ કરવા માટે ખૂબ જ પ્રખ્યાત છે. રોજે રોજ નીત નવા નિવેદનો કરીને આ તમામ રાજકીય નેતાઓને પ્રસિદ્ધિ મેળવવામાં રસ હોય છે. આવાં જ એક નેતા છે ગુજરાતનાં કોંગ્રેસનાં ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર. જે હંમેશા વિવાદાસ્પદ નિવેદન કરીને ચર્ચામાં રહે છે. આજે ફરી ગેનીબહેનનો વિવાદાસ્પદ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં હિંમતનગરનાં ઢૂંઢર ગામનાં દુષ્કર્મની ઘટના બાદ આ નિવેદન કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે.
દેશમાં બળાત્કારની ઘટનાઓ રોજે રોજ બનતી હોય છે. ત્યારે આ ઘટનાઓથી રાજકીય નેતાઓ પોતાનો રાજકીય રોટલો શેકવા કે પછી ચર્ચામાં રહેવા માટે હંમેશા વિવાદાસ્પદ નિવેદનો કરતાં રહે છે. ઢૂંઢરમાં માસૂમ બાળકી સાથે થયેલાં દુષ્કર્મની ઘટના બાદ કોંગ્રેસનાં વાવનાં ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર સમક્ષ કેટલીક મહિલાઓ આ પ્રકારની ઘટના મામલે રજૂઆત કરવા આવી હતી. ત્યારે ગેનીબહેન ઠાકોરે એવું નિવેદન કર્યું કે, આવી ઘટનાઓ બને ત્યારે જ આરોપીને સળગાવી દેવો જોઈએ. આટલેથી ન અટકતાં તેમણે એવું પણ નિવેદન કર્યું કે, 500-1000 લોકોનાં ટોળાંએ આરોપીને સળગાવી દેવો જોઈએ. આરોપીને પોલીસનાં હવાલે ન કરી તેને પકડીને સ્થળ પર જ પૂરો કરી નાંખવો જોઈએ.
ગેનીબહેન ઠાકોરનાં આ પ્રકારનાં વિવાદાસ્પદ નિવેદનનાં કારણે રાજકીય ગરમાવો પણ વધી ગયો છે. ભાજપનાં નેતાઓએ જવાબદાર ધારાસભ્ય દ્વારા કરાયેલાં આ પ્રકારનાં નિવેદનની આકરી ટીકા કરીને કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યાં હતાં. કોંગ્રેસનાં નેતાઓમાં પણ ક્યાંક કચવાટ જોવા મળ્યો છે. કોંગ્રેસનાં નેતાઓ દ્વારા આ પ્રકારનાં અશોભનીય નિવેદનો કરવામાં આવે છે તેમ છતાં કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી આ મામલે કોઈ પ્રતિક્રિયા આપતું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, વાવનાં ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર અગાઉ પણ વિવાદાસ્પદ નિવેદનો કરી ચૂક્યાં છે. ત્યારે કોંગ્રેસનાં નેતાઓ દ્વારા બેલગામ થઈને કરવામાં આવતાં નિવેદનો મામલે પ્રદેશ નેતાગીરી આવનારા દિવસોમાં કેવાં પગલાં લે છે તે જોવું રહ્યું
ગુજરાતી
English




