બહુચરાજીની માઈનોર કેનાલ ખાલીખમ, સીએમનાં તપાસના આદેશના 15 દિવસો થયા પરિણામ શૂન્ય

ખેડૂતો દ્વારા કરવામાં આવતી વારંવાર રજુઆતને લઈને મુખ્યમંત્રીએ કોરી કેનાલોને મામલે તપાસના આદેશ આપ્યા છે. પણ મુખ્યમંત્રીએ આપેલા આદેશને પંદર પંદર દિવસો વિતી ગયા હોવા છતા પણ કોઈ અધિકારીઓએ કોઈ કાર્યવાહી કરી નથી. મહેસાણા જિલ્લાના બહુચરાજી વિસ્તારમાં આવેલી માઈનોર કેનાલમાં પાણી નહિ હોવાથી ખેડૂતો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી. અને અંતે છેલ્લે ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી. જેને લઈને સીએમ રૂપાણીએ કેનાલમાં તપાસના આદેશ આપ્યા તો ખરાં પણ પંદર દિવસથી વધુ સમય થઈ ગયો હોવા છતાં કોઈ અધિકારીએ તપાસ શરૂ કરી નથી. આવો જાણીએ શું છે મામલો.
મહેસાણા જિલ્લાના બહુચરાજી વિસ્તાર વર્ષોથી ખાખરીયા ટપ્પા તરીકે જાણીતો છે. કારણ કે આ વિસ્તારમાં પીવાના અને સિંચાઈ માટેના પાણીની સમસ્યા કાયમી બની રહી છે. જોકે બહુચરાજી તાલુકામાંથી નર્મદાની મુખ્ય કેનાલ પણ પસાર થતી હોવાથી મુખ્ય કેનાલની આસપાસના ખેડૂતોને રાહત છે. પરંતુ બહુચરાજી તાલુકામાં અંતરિયાળ વિસ્તારમાં આવેલા ચાંદરડા, સાપાવાડા, સુરપુરા, ખાંભેલ જેવા અનેક ગામોને માઈનોર કેનાલનું પાણી પહોંચતું નથી. કરોડોનાં ખર્ચે આ વિસ્તારમાં ગામેગામ માઈનોર કેનાલો બનાવવામાં આવી છે. તેમ છતાં કરોડોના ખર્ચે બનેલી કેનાલો પાણીના અભાવે કોરીકટ અને ખાલીખમ પડી છે. આથી આ વિસ્તારના અગ્રણીઓ માઈનોર કેનાલમાં પાણી છોડવા અને ખેતી વધુ સારી થાય એ માટે પ્રયાસો કરી રહ્યાં છે, તો સાથોસાથ ખેડૂતોએ પણ સરકારને આ અંગે વાંરવાર રજુવાત કરી છે.
જોવા જઈએ તો, એક તરફ નર્મદાની મુખ્ય કેનાલોમાં ભરપૂર પાણી છે. તો બીજી તરફ ખેડૂતોના સિંચાઈ માટે બનાવેલી માઈનોર કેનાલમાં પાણીનું એક ટીપુંય છોડાતું નથી. આથી ખેડૂતો સિંચાઈ માટે પાણીથી વંચિત બન્યા છે. તો બીજી તરફ કરોડોની કેનાલો વપરાશ વિના બિસ્માર બનવા લાગી છે. બહુચરાજીના ખાંભેલ ગામના ખેડૂતની રજુઆતના પગલે નર્મદા જળ સંપત્તિ વિભાગના સચિવને કાર્યવાહી કરવા, મુખ્યમંત્રી કાર્યાલયથી આદેશ આપવામાં આવ્યો છે. તો નોંધ લેવા જેવી બાબત એ છે કે, લેખિતમાં આપેલી સૂચનાને પણ હવે પંદર દિવસ વીતવા છતાં હજુ સુધી કોઈ જ પગલાં સરકારી તંત્ર તરફથી ભરાયાં નથી. ત્યારે જોવું એ રહ્યું છે. મુખ્યમંત્રી દ્વારા અપાયેલ આદેશ માત્ર કાગળ પૂરતો છે કે, ખરેખર તેનુ પાલન થાય છે કે નહિ?