બાજપેયીના અસ્થિ વિસર્જીત સ્થળનું નામ અટલ ઘાટ

પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીની અસ્થિ કળશ યાત્રા ખાડિયાના ગોલવાડ થી સાબરમતી રિવરફ્રન્ટ સુધી યોજાઈ હતી. જનમેદનીએ ભારે હૈયે ગુલાબની પાંદડીઓની વર્ષા વચ્ચે અટલજીને અશ્રૃભરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. સંતો- મહંતોની હાજરીમાં અસ્થિને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વિસર્જિત કર્યાં હતા.

અટલ બિહારી વાજપેયીની સ્મૃતિમાં જે ઘાટ પર અટલજીના અસ્થિ વિસર્જન કરવામાં આવ્યા હતા તે ઘાટને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહકારથી ‘અટલઘાટ’ તરીકે જાહેર કરાયો હતો. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ સમગ્ર અસ્થિ કળશ યાત્રામાં અસ્થિ કળશ સાથે રહ્યા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, અટલ જનમાનસમાં કેટલાં લોકપ્રિય હતા તેની પ્રતીતિ આજે સમગ્ર અમદાવાદ શહેરે જાતિ-સંપ્રદાયના વાડા તોડી અટલજીને અર્પેલી સ્નેહપૂર્ણ શ્રદ્ધાંજલિથી થાય છે. તેમના અસ્થિમાંથી પણ ‘ભારત માતા કી જય’નો નાદ સંભળાતો રહેશે તેવાં પ્રચંડ વ્યક્તિત્વની આપણને સદાય ખોટ રહેશે.

આ અસ્થિ વિસર્જન યાત્રામાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, પુરૂષોતમભાઈ રૂપાલા, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં, મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ, ભીખુભાઈ દલસાણીયા, હરિનભાઈ પાઠક, સંસદસભ્યો, અમદાવાદના ધારાસભ્યો તથા અમદાવાદના નગરજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સજળ નેત્રે ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.