બારદાન ખરીદીમાં ‘બુદ્ધિનું બારદાન’ પુરવાર થતી સરકાર

નવા બારદાનનો ભાવ આપીને જૂના બારદાન ખરીદીનું રાજ્યવ્યાપી કૌભાંડ બહાર આવ્યું છે. રૂ. 50થી 60 સુધીની કિંમતનું એક નવું બારદાન બતાવીને ખરીદવામાં આવે છે પણ કલકત્તાથી આવી રહેલા બારદાન વપરાયેલા જૂના બારદાન છે. ભાવનગરમાં આવી જૂના બારદાન અંગે અધિકારીઓએ પોતે ગુજરાત સરકારને ફરિયાદ કરી છે. મોટા ભાગે તમામ સ્થળે આવા હલકી ગુણવત્તાના બારદાન આવી રહ્યાં છે. પૂરવઠા પ્રધાન જયેશ રાદડીયાના જેતપુર વિસ્તારમાં બારદાન ખરીદીમાં ભ્રષ્ટાચારની ફરિયાદ ઊઠી છે. રાદડીયાએ કહ્યું જાહેર કર્યું છે કે, બારદાનમાં કોઈ ભ્રષ્ટાચાર થયો નથી. ઠેકેદારો પાસેથી પ્રક્રિયા કરીને જ ખરીદી થઈ રહી છે.

પ્રધાન રાદડીયા જે કહેતાં હોય તે પણ અનેક સેન્ટરોમાં હલકી ગુણવત્તાના બારદાન આવી રહ્યાં છે. ભાવનગરમાં ગોડાઉન મેનેજરે સરકારને ફરિયાદ કરી છે. અનેક સ્થળે ખરીદકેન્દ્રો પર તેનો વિરોધ થયો છે. ગયા વર્ષે 25 લાખ બારદાનો સળગાવી દેવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. બજારમાં બારદાન વેચી દેવા માટે થોડા બારદાન સળગાવી દેવામાં આવ્યા હતા. હવે હલકી ગુણવત્તાના બારદાન આવી રહ્યાં છે, જેની સિલાઈ કરતી વખતે તૂટી જાય છે. સરકારની મગફળી બારદાનમાંથી ઢોળાઈ જતી હોવાથી કરોડો રૂપિયાનું નુકસાન પ્રજાને થઈ રહ્યું છે.

8 લાખ ટન મગફળી ખરીદીને કોથળામાં ભરવી હોય તો 2.66 કરોડ બારદાનની જરૂર પડે તેમ છે. રૂ. 133 કરોડ તેની ખરીદી પછળ ખર્ચ કરવું પડે છે.

બારદાનની કહેવતો સરકારને ભારે પડી

ખેડૂતો કહે છે કે, ગુજરાતી ભાષામાં બારદાન પરની ચાર કહેવતો છે. જે સરકારને બારદાન ખરીદીમાં બારાબર લાગુ પડી છે. જે કહેવત અને તેનો અર્થ આજના રાજનેતાઓ માટે છેલ્લા બે વર્ષથી યોગ્ય ઠરે એવો છે. તેથી ખેડૂતોએ સરકારના બુદ્ધિનું બારદાન સામે વારંવાર દેખાવો કર્યા છે.

1 બુદ્ધિનું બારદાન = મૂર્ખ, બેવકૂફ
2 અક્કલનું બારદાન = બુદ્ધિહીન, મૂર્ખ, અક્કલ વગરનું
3 બારદાન ભારે થવું = મિજાજ વધવો
4 બારદાન ભારે થવાં = મિજાજનો ઉશ્કેરાટ વધવો

કાંકરેજમાં ફાટેલા બારદાન

ગુજરાતભરમાં ટેકાના ભાવે 15 નવેમ્બર 2018થી મગફળી ખરીદવા માટે મગાવાયેલા બારદાન ખરાબ નીકળી રહ્યાં છે. કાંકરેજ તાલુકાના થરા માર્કેટયાર્ડમાં તથા કાંકરેજ દિયોદર તાલુકામાં બારદાન ફાટેલા અને તમાકુમાં વપરાયેલા તકલાદી બારદાન આવી રહ્યાં છે. થરા માર્કેટયાર્ડમાં ટ્રક ભરીને બારદાન ફાટેલા તૂટેલા આવ્યા હતા, જેમાં મોટું કૌભાંડ થયું છે. મગફળી ભરવા માટે કોથળા યોગ્ય નથી. તેને લઈ જવાની જવાબદારી સ્વીકારતા કોન્ટ્રાક્ટરની ધાલમેલ પણ સ્પષ્ટ જાવા મળી રહી છે. થરામાં મગફળી કૌભાંડ માટે અનેક પેતરા રચાઈ રહ્યા છે.

પૂરવઠા પ્રધાનના વિસ્તારમાં જ ગોલમાલ

રાજકોટના જેતપુર માર્કેટ યાર્ડમાં બારદાનના ગોડાઉનમાં આગ લાગતા એક હજાર જેટલા બારદાન શોર્ટ સર્કિટથી આગ લાગી જતાં સળગી ગયા છે. જેતપુરમાં બારદાનના ગોડાઉનમાં આગ લાગતા ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત થઈ રહી છે.

જૂનાગઢમાં જૂના બારદાન

જૂનાગઢમાં બારદાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયોમાં હલકી ગુણવત્તાના બારદાન હોવાનો દાવો થઈ રહ્યો છે. મગફળી ભરવા ખરીદાયેલા બારદાન નબળી ગુણવત્તાના હોવાનું તે વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે. મગફળીની ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે. ત્યારે યાર્ડમાંથી નબળી ગુણવત્તાના બારદાન મળી રહ્યાં હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

અરવલ્લી જિલ્લામાં ગડબડ

અરવલ્લી જિલ્લામાં બારદાન હલકી ગુણવત્તાવાળા હોવાની ખેડૂતોએ ફરિયાદ કરીને ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરી છે. ડીસાના દિયોદરમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીની બોરીઓમાંથી માટી મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. આ બનાવને ગંભીરતાથી લઈને બે અધિકારીઓની તાત્કાલિક બદલી પણ કરી દેવામાં આવી હતી.

તમાકુ ભરીને વાપરેલા બારદાનથી છીંકા-છીંક

ભાવનગરના તળાજા યાર્ડમાં જૂના બારદાન અને ફાટેલા બારદાન આવતા સરકારી અધિકારીઓ દ્વારા નવા માગવામાં આવ્યા હતા. નવા બારદાન આવ્યા તો તે પણ પહેલાં કરતાં વધુ ખરાબ આવ્યા છે. ફરી એક વખત બારદાન ખરીદી કૌભાંડ સરકારના અધિકારીઓ અને રાજકારણીઓની મીલીભગતથી શરૂ થયું છે. મોકલવામાં આવેલા બારદાન ફરીને હલકી ગુણવત્તા અને જૂના આવ્યા હતા. એટલું જ નહિ જે બારદાનમાં બજર તમાકુની વાસ આવતી હોવાથી આ બારદાન વાપરવાથી છીંકો આવે છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. મગફળી ભરીને મોકલવાની જવાબદારી સંભાળતા મનહરસિંહ ગોહિલે ઉચ્ચ અધિકારીને હલકી ગુણવત્તાના બારદાન અંગે ધ્યાન દોર્યું હતું. તેમણે ભાવનગર GSCSCL વોટ્સએપ ગ્રુપમાં હલકી ગુણવત્તાના બારદાન આવ્યાનો રિપોર્ટ આપ્યો હતો.

બારદાન કૌભાંડ અને મજૂરી ઘટાડી દેવાઈ

તળાજા માર્કેટિંગ યાર્ડના મજૂરના મુકાદમ સુરેશભાઈએ સરકારને જણાવ્યું હતું કે, ગેસ, પેટ્રોલ, ખાવાની વસ્તુમાં મોંઘવારી સતત વધી છે. તેમ છતાં બારદાન ભરવાની મજૂરી ગયા વર્ષે રૂ. 15 આપવામાં આવતી હતી. 15 નવેમ્બર 2018થી રૂ. 15 ઘટાડીને રૂ. 13 કરી દેવામાં આવ્યો હતો. એક તો બારદાન ભરવા, ઉતારવા અને ચઢાવવામાં છીંક આવી રહી છે. જેમાં તમાકુ ભરેલા કલકત્તાના શણના બારદાન છે. આમ છતાં બે રૂપિયાનો સરકાર એ ઘટાડો કર્યો છે. જે ખરેખર રૂ. 20 હોવો જોઈએ.

અરવલ્લીમાં ખુલ્લામાં બોરી પડી રહી

અરવલ્લી જિલ્લાના છ ખરીદ કેન્દ્રો ઉપર ખેડૂતોના હોબાળાના પગલે 42 હજાર બારદાન ઠલવાયા પછી પણ ખેડૂતોની સંખ્યા નહીંવત રહેતાં ખરીદ કેન્દ્રો સુમસામ ભાસી રહ્યા હતા. માલપુર મગફળી કેન્દ્રમાં 4000 કરતાં વધુ મગફળીની બોરીઓ ખુલ્લામાં પડી રહી હતી. બારદાન હલકી ગુણવત્તાને લઈને મગફળીનો બોરીમાંથી વ્યય થઈ રહ્યો છે.

ગયા વર્ષે શું થયું હતું?

ગયા વર્ષે કલકત્તા ખાતેથી રૂ. 13 કરોડના ખર્ચે 13ર ટ્રકો ભરીને 25 લાખથી વધુ બારદાનનો જથ્થો રાજકોટ આવ્યો હતો અને 13 માર્ચ 2018ના રોજ બારદાનના જથ્થામાં આગ લાગતા જંગી જથ્થો સળગી ગયો હતો. બારદાન કૌભાંડ કરવા માટે કેટલાંક સળગાવી દેવાયા હતા અને મોટાભાગના બજારમાં વેચી દેવાયા હોવાનું બહાર આવતાં તેમને જેલમાં મોકલાયા હતા. બારદાનમાં લગાડાયેલી આગનાં કાવત્રામાં પકડાયેલા ગુજકોટના પૂર્વ જીએમ (ઓપરેશન) મનોજ બ્રહ્મભટ્ટને ક્રાઈમ બ્રાંચે રિમાન્ડ પર લઈ પૂછપરછ કરતા તેણે બારદાનના આપેલા ટેન્ડરમાં ગોટાળા કર્યાનું કબુલી લીધું હતું. સરકારે રૂ. 52નું એક બારદાન ખરીદ કર્યું હતું. જે બજારમાં રૂ. 30માં મળતું હતું. ગુજકોટ દ્વારા બારદાન ખરીદવા માટે જે ટેન્ડરો બહાર પડાયા હતા તેમાં મોટા પાયે ગરબડ થયાનું અને માનીતી પાર્ટીઓને નિયમો નેવે મૂકી મનોજ બ્રહ્મભટ્ટે બારદાન ખરીદીના ઓર્ડરો આપ્યા હતા. જેના થકી તેને રૂ. 31 લાખનો આર્થિક લાભ થયાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

(દિલીપ પટેલ)