બાળકોને ચાણક્ય બનાવતી અમદાવાદની શાળા

ધોરણ ૮ માં ભણતા અશ્વિન દંતાણી તથા અંજલિ વિશ્વકર્માએ પુનાની ફાસ્ટેટ ગ્રોઈંગ કંપનીના એમ.ડી  જલય પંડ્યાને પુછ્યુ કે…” આવડી મોટી કંપનીના એમ.ડી બનવા માટે ક્યાં ભણવું જોઈએ…?” જલય પંડ્યાએ ત્વરિત ઉત્તર આપ્યો કે… “ હું ધોળકા તાલુકાની ચલોડા પ્રાથમિક શાળામાં ભણ્યો છુ…”
ધોરણ ૮ માં ભણતી અન્ય બે વિધ્યાર્થિનિઓ પ્રિતી ખોરવાલ અને પ્રિયંકા મેણાએ રાજ્ય પરીક્ષા બોર્ડના ચેરમેન શ્રી પ્રફુલ જલુને સીધો જ પ્રશ્ન કર્યો કે..” વિજયનગરની હાઈસ્કુલના શિક્ષકમાંથી આપ, જિલ્લા શિક્ષણાધિકારી બન્યા અને ત્યાર બાદ રાજ્ય પરીક્ષા બોર્ડના ચેરમેન પણ બન્યા… સૌથી વધુ કયું કામ ગમે છે…? શ્રી જલુએ ઉત્તર વાળ્યો કે …” ગમતું કામ તો સૌ કોઈ કરે, પણ જે કામ મળ્યું છે તેને ગમતું કરીએ તે જ સાચુ…”
પ્રશ્ન અને ઉત્તરની આ આપ લે અમદાવાદની એક નાની સરકારી શાળાના વિદ્યાર્થીઓ અને વિવિધ ક્ષેત્રે મહારત હાંસલ કરનારા મહાનુભાવો વચ્ચે પ્રતિ માસ યોજાય છે અને તેમાંથી વિદ્યાર્થીઓ ઘણું બધુ હાંસલ કરે છે… આમ તો ઈન્ટર્વ્યુ કરવો એ એક કળા છે… તેમાં સામે વાળા કરતા પણ તમારામાં વિષય અને તેના સંપુર્ણ જ્ઞાનની સજ્જતા હોવી જોઈએ…બસ આ બાબતને ધ્યાનમાં રાખીને બાળકોને તે દિશામાં તાલીમબધ્ધ કરવાનું આયોજન છે.
આ શાળા છે, અમદાવાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતી સંચાલિત “ચાણક્ય પ્રાથમિક શાળા…” અમદાવદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી શાળામાં આમ તો ખુબ ગરીબ પરિવારના બાળકો ભણે છે….પરંતુ તેના વિદ્યાર્થીઓમાં આસમાનને આંબવાનો બુલંદ વિશ્વાસ ઝળહળે છે..
એટલે જ તો આવેલ મહેમાનોને આ બાળકો એકદમ નિર્ભય બનીને કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે… ના કોઈ હિચકિચાટ કે ના કોઈ ડર..ના કોઈ લઘુતાગ્રંથિ કે ના કોઈ ચિંતા…
શાળાના આચાર્ય  સંજય રાવલ કહે છે કે, “ અમે છેલ્લા દોઢેક વર્ષથી “પ્રેરણા” નામનો કાર્યક્ર્મ ચલાવીએ છીએ… આ કાર્યક્રમ અંતર્ગત અમે આમંત્રિત કરેલ મહાનુભાવોનો અમારા બાળકો ખુલ્લા મનથી ઈન્ટર્વ્યુ કરે છે… આમંત્રિત મહાનુભાવના હોદ્દા, સ્ટેટસ, રસ, કયા ક્ષેત્રે તેમણે શું પ્રદાન કર્યું છે..? જેવી તમામ પ્રાથમિક માહિતી આપીએ છીએ.. બાળકો જાતે જ તે સબંધિત પ્રશ્નો તૈયાર કરીને મહાનુભાવોને સીધા જ પ્રશ્નો પુછે છે…”
આ પ્રશ્નો સંભળો તો મોટેરાઓ પણ આશ્ચર્ય ચકિત થઈ જાય તેવા પ્રશ્નો હોય છે…. તમારું બાળપણ ક્યાં ઘડાયું…?, ક્યાં ઉછેર થયો…? કેવા વાતાવરણમાં ઉછેર થયો…? કેટલું શિક્ષણ મેળવ્યું…? ક્યાં શિક્ષણ મેળવ્યું..? આ ક્ષેત્ર જ કેમ પસંદ કર્યું…? આ ક્ષેત્રમાં આપને આનંદ આવે છે કે કેમ…? અમારે આ ક્ષેત્રમાં જવું હોય તો શું કરવું જોઈએ…? આવા તો કેટ કેટલા પ્રશ્નોની હારમાળા સર્જે છે બાળકો, અને આમંત્રિત મહાનુભાવોને પણ ખુબ રસ પડે છે આ પ્રશ્નોત્તરીમાં…
જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુ કહે છે કે, ઈન્ટર્વ્યું કળા કે ઈન્ટર્વ્યું કંઈ સહેલી વાત તો નથી જ પરંતુ અમારો મુળ આશય છે બાળકોમાં આત્મવિશ્વાસ વધારવાનો….તેઓ મહાનુભાવો વિષે જાણે-સમજે-વિચારે.. તેમના જેવા અથવા તેમનાથી વધારે આગળ જવા પ્રેરાય…અને સાથે સાથે ઈન્ટર્વ્યું કેવી રીતે કરાય, તેમાં શું તૈયારી કરવી પડે…? તેવી સર્વગ્રાહી બાબતોને આવરી લેવાનો ધ્યેય છે… અમે જિલ્લાની શાળાઓમાં કંઈક નવું કરવાનો પ્રયાસ કરીએ છીએ જેથી સરકારી શાળામાં ભણતા બાળકો પણ ખાનગી શાળાના વિદ્યાર્થીઓથી પાછળ ના રહી જાય…”
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મહેશ મહેતા કહે છે કે.. “ અમે એવો વિચાર કર્યો કે સરકારી શાળાના બાળકો કોઈ પણ ભોગે પાછળ ના રહી જવા જોઈએ… એટલે અમે બધી શાળાઓમાં જુદી જુદી પ્રવૃત્તિઓ કરીએ છે કે જેથી બાળકોમાં કંઈક નવું કરવાની તમન્ના જાગે… ચાણક્ય શાળાના બાળકોએ અમારી આ પહેલ ને ઉપાડી લીધી છે…”
અત્યાર સુધી ૧૨ જેટલા મહાનુભાવોના ઈન્ટર્વ્યું આ બાળકોએ કર્યા છે. વૈજ્ઞાનિક ઉત્કર્ષ પટેલ, યોગચાર્ય સ્વામી નિખિલદેવ, કવિ કૃષ્ણ દવે, પત્રકાર રવિ ભટ્ટ, રાજ્ય પરીક્ષા બોર્ડના ચેરમેન પ્રફુલ જલુ, ગણિત-વિજ્ઞાનના તજજ્ઞ ડો. મિત્તલ પંડ્યા, જાણીતા ટ્રેઈનર  દિપક તેરૈયા, ફેબર ઈન્ફ્રાઈનાઈટ કન્સલન્ટિંગ કંપનીના એમ.ડી  જલય પંડ્યા.. એમ અનેક મહાનુભાવોના ઈન્ટર્વ્યું આ બાળકોએ અત્યંત સાહજિકતાથી કર્યા છે.
આ બાળકોમાં અજબનો આત્મવિશ્વાસ જાગ્યો છે.. હવે તો અમારે કોઈ મહાનુભાવને આમંત્રિત કરવામાં બે-ત્રણ દિવસ મોડુ થઈ જાય તો બાળકો જ ઉતાવળ કરે છે કે હવે કોને બોલાવો છો…? અને ક્યારે બોલાવો છો…?
આચાર્ય સંજય રાવલ કહે છે કે, “ અમારી આ પ્રવૃત્તિ જોઈને અનેક મહાનુભાવોએ સામેથી બાળકો સાથે સંવાદ કરવાની તૈયારી દર્શાવી છે. આઈ.પી.એસ ઓફીસર  હસમુખ પટેલે આ કાર્યક્રમ વિષે જાણી-સાંભળીને તૈયારી બતાવી છે.. બાળકોમાં પણ ઉચ્ચ પોલીસ અધિકારી સાથે ઈન્ટર્વ્યું દરમ્યાન વિવિધ પ્રશ્નો કરવાની તાલાવેલી જાગી છે…” એમ તેઓ ઉમેરે છે.
આ શાળામાં અન્ય પણ કેટલીક પ્રવૃત્તિઓ પથ દર્શક છે. બાળકોને જ્ઞાન સાથે મનોરંજન મળે તે માટે વય, કક્ષા અને રસ રુચિને ધ્યાનમાં લઈને એક ફિલ્મ થિયેટરરૂમમાં બતાવાય છે. “મેકર્સ અડ્ડા” કાર્યક્રમ અંતર્ગત બાળકોએ નિયમિત રીતે મોડેલ બનાવવાના હોય છે. પ્રતિ વર્ષ ૩૦મી ડિસેમ્બરે યોજાતા ફનફેરમાં બાળકો પોતાના જ સ્ટોલ બનાવે છે. અહીં ફોટોગ્રાફીને એક વિષય તરીકે શીખવવામાં આવે છે.
બાળકો આધુનિક જમાના અને અધ્યતન ટેકનોલોજી સાથે તાલ મિલાવી શકે તે માટે ક્રેયા લર્નિંગ ક્લાસમાં એન્જિનિયરીંગ, મલ્ટિ મિડીયા, ટેકનોલોજી, રોબોટીક્સ તથા મેથ્સ શિખવવામાં આવે છે. આ શાળાની તમામ પ્રવૃત્તિઓ ફેસબુક પેજ પર જોઈ શકાય તેવી વ્યવ્સ્થા પણ કરાઈ છે. ચાણક્ય શાળાનું એક આગવું બંધારણ છે. જેમાં નિયમોનું પાલન બધાએ સમાન રીતે કરવું પડે છે. દર વર્ષે સ્ટૂડન્ટ ઓફ ધ યર અને ટીચર ઓફ ધ યર એવોર્ડ પણ અપાય છે. ઈકો ક્લબ, ચબૂતરો, ક્વીઝ, ચિત્ર, સંગીત, ક્રાફ્ટ, સંસ્કૃત શ્લોક ગાન, આર્ટ મેળા, ઉપરાંત સ્કુલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત વિધ્યાર્થિઓને બીજી શાળામાં ૩-૪ દિવસ અનુભવ માટે મોકલવામાં આવે છે.
“ એપ્રિલ’ ૨૦૧૭માં ઈન્ટેલ દ્વારા આયોજિત ઈગ્નાઈટેડ માઈન્ડ્સ ચેલેન્જર-૨૦૧૭માં હૈદરાબાદ ખાતે અદ પર્ફોર્મન્સ કરીને નેશનલ લેવલે વિજેતા થયા હતા. અમારી શાળાના શિક્ષકો સમાજને શ્રેષ્ઠ નાગરિકો આપવા કટિબધ્ધ છે..” એમ સંજય રાવલ ઉમેરે છે.

Bottom ad