રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે આવા ગુનાઓ ન બને તે રોકવા માટે રાજ્યનાં ગૃહ વિભાગ દ્વારા કોઈ આકરાં પગલાં લેવામાં આવતાં નથી. ત્યારે રાજ્યનાં શિક્ષણ વિભાગે એક ફતવો જારી કર્યો છે જેનાં કારણે ભારે વિવાદનો મધપૂડો છંછેડાયો છે. શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલાં પરિપત્રનો કોંગ્રેસ દ્વારા પણ ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.
જેમાં ખાનગી અને પ્રાથમિક શાળાના શિક્ષકોને એક આદેશ કરવામાં આવ્યો છે. જેમાં શિક્ષકોને ૨૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામું લખાવની વાત કરવામાં આવી છે શિક્ષકો જાતીય ગુન્હા, પોસ્કો અને બાળકો ઉપરના અત્યાચારના હિંસક ગુન્હામાં દોષિત નથી એ પ્રકારનું સોગંદનામું લખાવનો પરીપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર બહાર પા઼ડતાં શિક્ષણ જગતમાં તેનાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. શિક્ષણ જગત સાથે સંકળાયેલાં લોકોનું માનવું છે કે, રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલો આ પરિપત્ર તદ્દન ગેરવાજબી છે અને આ પ્રકારનાં સોગંદનામાને કારણે આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવશે. આ પ્રકારનાં સોગંદનામાથી શિક્ષકની છાપ ખરાબ થશે અને તેનાં કારણે શિક્ષણ આપવા આવતાં શિક્ષકો મળવા મુશ્કેલ થઈ જશે.
તો બીજી બાજુ કોંગ્રેસે પણ આ ઘટનાનો ભારે વિરોધ કોંગ્રેસ પક્ષ દ્વારા પણ કરવામાં આવ્યો છે. કોંગ્રેસનાં પ્રદેશ રાજ્ય સરકાર છેલ્લાં કેટલાંક વર્ષોથી તઘલખી નિર્ણયો કરવામાં માહેર છે અને આજે શિક્ષણ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલો પરિપત્ર શિક્ષણ જગત ઉપર કુઠરાઘાત સમાન છે. શિક્ષકોને ગુરૂ તરીકે જોવાની આપણાં દેશની પરંપરાને તોડવાનો આ પ્રયાસ છે. તેમણે એવો આરોપ કર્યો કે, રાજ્ય સરકાર દુષ્કર્મની ઘટનાઓ રોકવામાં સદંતર નિષ્ફળ રહી છે ત્યારે આ પ્રકારનાં પરિપત્ર એ શિક્ષકો ઉપર સીધાં આક્ષેપ સમાન છે. ત્યારે રાજ્ય સરકારે આ પરિપત્ર તાકિદે પાછો ખેંચી લેવો જોઈએ. જો આ પરિપત્ર પાછો ખેંચવામાં નહિ આવે તો આવનારા દિવસોમાં કોંગ્રેસ સમગ્ર રાજ્યમાં આ પરિપત્રની હોળી કરીને ઉગ્ર વિરોધ નોંધાવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વધી રહેલી દુષ્કર્મની ઘટનાઓ રોકવામાં રાજ્ય સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે ત્યારે આ પ્રકારનાં પરિપત્ર દ્વારા રાજ્યનું શિક્ષણ વિભાગ શું સાબિત કરવા માંગે છે એ સ્પષ્ટ થતું નથી