જસદણની પેટા ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે બન્ને પાર્ટી પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. એક બાજુ કોંગ્રેસનાં ઉમેદવાર અવચર નાકિયા છકડામાં બેસીને પ્રચાર કરી રહ્યાં છે તો બીજી બાજુ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈને કેબિનેટ મંત્રી બનનારા અને ભાજપનાં ઉમેદવાર કુંવરજી બાવળિયા શનિવારે જસદણમાં ડી.જે.ના સંગે પ્રચાર અર્થે નિકળ્યા હતા. ત્યારે બાવળિયા લોક સંપર્ક દરમિયાન રીતસર ડાન્સ કર્યો હતો. બાવળિયાની સાથે રાજકોટના સાંસદ મોહન કુંડારિયા, કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરી સહિતના નેતાઓ પણ ડાન્સ કરતા નજરે પડ્યા હતાં.
જસદણ બેઠક પર હજુ તો મતદાન પણ નથી થયું. તે પહેલાં જ જાણે ભાજપનો વિજય થયો હોય તેમ કુંવરજી બાવળિયા ઉંચા હાથ કરી ડી.જે.ના તાલે ઝૂમી ઉઠ્યા હતાં. આ બેઠકને કબ્જે કરવા માટે બન્ને પક્ષના નેતાઓ રાત-દિવસ પ્રચારમાં લાગી પડ્યા છે. ત્યારે બાવળિયાએ એડવાન્સ જીતની ખુશી મનાવતા રાજકારણ ગરમાયું છે.