વાસણા પોલીસે અઢી મહિનામાં બીજી વખત દેવાંગ શાહની ધરપકડ કરી
અમદાવાદ : વાસણા વિસ્તારમાં રહેતી છૂટાછેડા લીધેળી મહિલાએ બિભત્સ મેસેજ કરનારા આધેડના ઘરે જઈ ઠપકો આપતા આરોપીએ લોખંડની પાઈપ વડે મહિલા પર હુમલો કરી ઘાયલ કરી દીધા હતા. આ મામલે વાસણા પોલીસે છેડતીબાજ દેવાંગ શાહ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. દેવાંગ સામે વાસણા પોલીસે અઢી મહિનામાં છેડતીનો બીજો ગુનો નોંધ્યો છે.
45 વર્ષીય મીનાબહેન (નામ બદલ્યું છે) તેમના પતિ સાથે છૂટાછેડા લીધા બાદ પિતા સાથે વાસણા વિસ્તારમાં રહે છે. ચારેક મહિના અગાઉ દેવાંગ શાહ નામનો શખ્સ ડાયવોર્સી મહિલાના પિતાના ઘરે કામથી ગયો હતો. દેવાંગ શાહે મીનાબહેનને નોકરી અપાવવાની વાત કરી તેમનો મોબાઈલ ફોન નંબર મેળવી લીધો હતો. મીનાબહેનનો મોબાઈલ ફોન નંબર મેળવ્યા બાદ દેવાંગ શાહ મીનાબહેનને અવારનવાર ફોન અને મેસેજ કરવા લાગ્યો હતો. જેથી કંટાળી ગયેલા મીનાબહેને દેવાંગને ફોન-મેસેજ કરવાની ના પાડતા દેવાંગ શાહ બિભતિસ મેસેજ મોકલવા લાગ્યો હતો. મીનાબહેને દેવાંગ શાહનો ફોન નંબર બ્લોક કરી દીધો હતો. ફોન નંબર બ્લોક કર્યો હોવા છતાં દેવાંગ શાહે ફોન કરતા તેનો મેસેજ ગઈકાલે બુધવારના બપોરે ચારેક વાગે મીનાબહેનના ફોનમાં આવ્યો હતો.
દેવાંગ શાહની હરકતોથી કંટાળી ગયેલા મીનાબહેન નારાયણનગર વિસ્તારમાં ચિત્રભાનુ એપાર્ટમેન્ટ મકાન નંબર 11માં રહેતા છેડતીબાજના ઘરે પહોંચી ગયા હતા. મીનાબહેને ફોન અને મેસેજના મુદ્દે દેવાંગ શાહને ઠપકો આપતા તે અચાનક ઉશ્કેરાઈ ગયો હતો અને ઘરમાંથી લોખંડની પાઈપ લાવી મીનાબહેન પર હુમલો કરી દીધો હતો. બૂમાબૂમ થતા આસપાસમાંથી લોકો એકઠાં થઈ જતા દેવાંગ શાહે ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. મીનાબહેને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા સ્થળ પર દોડી આવેલી વાસણા પોલીસે દેવાંગ શાહ વિરૂદ્ધ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી છે.
વિકૃત દેવાંગ સામે અગાઉ પણ ગુનાઓ નોંધાયા છે
અપરિણીત અને એકલા રહેતા દેવાંગ અરવિંદભાઈ શાહ (ઉ.56) સામે ભૂતકાળમાં છેડતીના બે અને મારા મારી-ધમકીનો એક એમ કુલ ત્રણ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. ગત ઓગસ્ટ મહિનામાં દેવાંગ શાહની પાડોશમાં રહેતી પરિણીતાએ છેડતી અને બિભત્સ માંગણી કરતા દેવાંગ સામે વાસણા પોલીસને ફરિયાદ આપતા તેની પોલીસે ધરપકડ કરી હતી. વર્ષ 2000 અને 2001માં દેવાંગ શાહ સામે છેડતી તેમજ ધમકી આપી માર મારવાનો તથા ધમકી-મારા મારીનો ગુનો વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂક્યો છે.