8 JANUARY 2013
પૈસા સાચવવા બેંકો છે, લોહી સાચવવા બ્લડ બેંક છે, આંખો સાચવવા આઈ બેંક છે… તો પછી જેનાથી આખા જગતનું પેટ ભરાય છે, એ બિયારણ સાચવવા શું છે? ૨૦૦૫ના વર્ષ સુધી કંઈ ન હતું એટલે જગતભરના કૃષિ વિજ્ઞાનીઓએ એકઠા થઈને નામશેષ થતા કૃષિ બિયારણ માટે અનોખી સીડ બેન્ક બનાવી છે.
કોઈને પણ એવો સવાલ થઈ શકે કે જગતભરમાં ખાદ્યાન્ન તો પેદા થાય જ છે, તો પછી તેના બિયારણની જાળવણી માટે બેંકની શી જરૃર? પણ જરૃર છે. આજથી લગભગ દસેક હજાર વર્ષ પહેલા પૃથ્વી પર આદીમાનવોએ ખેતીનો આરંભ કર્યો. ત્યારે મનુષ્યોએ કેટલીક વનસ્પતીઓને ખોરાક તરીકે પસંદ કરી તેની માવજત કરવાની શરૃઆત કરી. સમય જતાં ૩ હજાર જાતના છોડ-વેલા એવા નક્કી થયા કે જે ખાઈ શકાય. એમાંથીય વળી ૯૫ ટકા ખોરાક તો ઘઉં, ચોખા, બાજરી, મકાઈ, સોયાબિન જેવી ૩૦ જાતોમાંથી મળતો હતો. પરિણામે અનાજ, ખોરાક, પાકોની કેટલીક જાતો વપરાશના અભાવે લુપ્ત થતી ગઈ.
આમ તો હરિયાળી ક્રાંતિ ખેડૂતો માટે ઉપયોગી સાબિત થઈ પણ બિયારણ માટે ક્રાંતિ જરા નુકસાનકારક સાબિત થઈ. થયું એવું કે હરિયાળી ક્રાંતિ વખતે વિવિધ બિયારણોની વધુ ઉત્પાદન આપતી સંકર જાતો વિકસાવાઈ. નવી જાતો ટુંકા ગાળા માટે પુષ્કળ ઉત્પાદન આપતી હતી પણ તેનામાં અસલ જાત જેવી ખડતલતા ન હતી. અસલ જાતો હજારો વર્ષોથી રોગ, હવામાન વગેરે સામે અડિખમ રહીને વિકસી હતી માટે એ લાંબી રેસના ઘોડા જેવી હતી. જ્યારે સંકર જાતો ટુંકા ગાળા માટે ઉપયોગી હતી. પરિણામ એ આવ્યું કે વિવિધ પાકોની મૂળ જાતવાન જાતો ગૂમ થવા લાગી. જેમ કે આજે ઘઉંની ૪૦,૦૦૦ અને ચોખાની વિવિધ ૭૦ હજાર જાતો હોવા છતાં અસલ જાત કઈ એ શોધવું પડે એમ છે. જુવારમાં એવું થઈ ચુક્યુ છે. ૧૯૭૦ના દાયકામાં અમેરિકન કૃષિ નિષ્ણાતો જુવારની અસલ જાત શોધવા નીકળ્યા. વિવિધ ૯ હજાર જાતો તપાસી ત્યારે આફ્રિકિ દેશ ઇથિયોપિયાના ખેતરોમાં અસલ જુવારની જાત મળી આવી. જેમાં કુદરતી મિઠાશ સહિતના મૂળભૂત ગુણો અકબંધ હતા. જુવારમાં બન્યો એવો કિસ્સો બીજા પાકોમાં ન બને એ માટે સ્વાલબાર ખાતે સીડ બેંક બની છે. ભૂતકાળમાં કેટલાક કિસ્સામાં બિયારણ મોટાપાયે નાશ પામ્યાના દાખલા પણ નોંધાયા છે. ૧૮૪૦ના ગાળામાં આર્યલેન્ડમાં બટેટાને ફુગનો રોગ લાગુ પડયો ત્યારે તમામ પાક નષ્ટ થયેલો. વધુમાં દુષ્કાળને કારણે આયરિશ પ્રજા જ દેશ છોડી અમેરિકા રહેવા જતી રહેતી હતી (બાદમાં અમેરિકાના પ્રમુખ બનેલા જહોન એફ. કેનેડીનું કુટુંબ પણ એ જ સ્થળાંતર વખતે અમેરિકા પહોંચેલું). દુષ્કાળ સહિતની સ્થિત ખતમ થઈ ત્યારે કુષિ વિજ્ઞાાનીઓ બટેટાની મૂળ જાત શોધવાનો પ્રયાસ કરી જોયો, પણ ક્યાંય અસલ બટેટા હાથ લાગ્યા નહીં. એ સંજોગમાં જો અસલ જાતનું બિયારણ બેંકમાં સચવાયેલું હોય તો તેનો ઉપયોગ કરી ફરીથી મૂળ જાતનો પાક લઈ શકાય. આર્યલેન્ડમાં ગૂમ થયેલા બટેટાની જાત આખરે ૮૦ વર્ષ પછી મેક્સિકોમાંથી મળી. શોધખોળમાં આઠ દાયકા લાગ્યા કેમ કે ત્યારે બિયારણની બેંકો ન હતી. આજે કોઈ કૃષિ પેદાશની અસલ જાત જોઈતી હોય તો બેંક હાજર છે.
ક્યારે બની
૨૦૦૬ની ૧૯મી જુને બેંકના બાંધકામનું ખાતમુહુર્ત કરવામાં આવેલું. બાંધકામની જવાબદારી નોર્વે, સ્વિડન, ફિનલેન્ડ, ડેન્માર્ક અને આઈસલેન્ડ એમ પાંચ દેશોએ ઉપાડી હતી. કુલ ૧૧૮ દેશો કૃષિ કરાર હેઠળ જોડાયેલા છે. એ બધા દેશોના સંશોધકો, બિયારણ ઉત્પાદકો અને બીજા સંગઠનો પરવાનગી બાદ બિયારણ સુધી પહોંચી શકે છે. જે દેશોએ બિયારણ જમા કરાવ્યું હોય એ પણ મેળવી શકે છે. બેકમાં સેફ વોલ્ટ હોય એ રીતે જ અહીં બિયારણ વોલ્ટ છે.
હિમાલયમાં છે, ભારતની બિયારણ બેંક
લેહ-લદ્દાખ પાસે ભારત સરકારે ચાંગ લા ખાતે એક નાનકડી બિયારણ બેંક બનાવી છે. આ બેંક પણ સ્વાલબારની સીડ બેંક જેવી જ સુવિધાઓ ધરાવે છે. અહીં પાંચ હજાર જાતના બિયારણને સાચવવાની સુવિધા છે. ૫૩૬૦ મીટર ઊંચી એ બેંક લદ્દાખથી ૩ કલાકના અંતરે આવેલી છે.
બેંકના સ્ટોરેજ વિભાગનું તાપમાન કાયમ માઈનસ ૧૮થી માઈનસ ૨૦ ડીગ્રી જાળવી રાખવામાં આવે છે
જ્યાં બેંક બની સ્પિટસબર્જેન ટાપુ પર ભુકંપ થવાનું પ્રમાણ નહિવત છે. પહાડ બરફઆચ્છાદિત રહે છે. એટલે સામાન્ય તાપમાન પણ શૂન્ય કરતાં ૧૮ ડિગ્રી ઓછું હોય છે. મતલબ કે સ્થિતિ કુદરતી ફ્રિજ જેવી હોય છે. પરિણામે તંત્રએ બિયારણ સાચવવા ઠંડકનું પ્રમાણ જાળવવાની જરૃરિયાત રહેતી નથી.
બિયારણને એલ્યુમિનિયમ ફોઈલના પેકિંમાં ગરમ કરી પેક કરી દેવામાં આવે છે. સ્ટોરેજ બોક્સના દરેક કન્ટેનરમાં આવા બિયારણના ૪૦૦-૫૦૦ પેકેટ સાચવામાં આવે છે.
કન્ટ્રોલ રૃમ અને રેફ્રિજરેટરસીડ્સ બેન્કની ઓફિસ જ્યાં બિયારણની ગુણવત્તાની ચકાસણી થાય છે
સ્પિટસબર્જેન ટાપુ પરના ર્બિફલા પર્વતમાં ખાંચો કરી બેંક બનાવવનો પ્લાન ઈજનેરોએ ઘડી કાઢયો. બીજા ઘણા દેશોમાં સિડ્સ બેંક છે, પણ આ બેંક તેનાથી અહીં જ અલગ પડે છે. પર્વતમાં ૩૯૦ ફીટ લાંબુ બોગદુ બનાવી તેમાં બેક બનાવાઈ છે. જે અદ્ભૂત છે.
બેંક વિશે થોડી વિગતો..
બેંકમાં બિયારણના ૧૫ લાખ નમૂના સેંકડો – હજારો વર્ષો સુધી સચવાઈ રહેશે.
બેકનું સંચાલન નોર્વે સરકાર અને ગ્લોબલ ક્રોપ ડાયર્વિસટી ટ્રસ્ટ સાથે મળીને કરે છે.
બેંકનો મૂળ વિચાર હજુ ર્નોિડક જીન બેંકને આવ્યો હતો. આ બેંક પાસે વિવિધ દસેક હજાર જાતના બિયારણનો સંગ્રહ હતો. બિયારણની વધતી સંખ્યા જોઈ આખરે એક નવી જ બેંક બનાવવાનું નક્કી થયું અને એમાંથી સ્વાલબાર ખાતે સર્જાઈ આ બિયારણ બેંક.
માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સની સંસ્થા બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઊન્ડેશન બેંકને જરૃરી નાણાકિય મદદ પુરી પાડે છે.
સ્પિટસબર્જેન ટાપુ પરના ર્બિફલા પર્વતમાં ખાંચો કરી બેંક બનાવવનો પ્લાન ઈજનેરોએ ઘડી કાઢયો. બીજા ઘણા દેશોમાં સિડ્સ બેંક છે, પણ આ બેંક તેનાથી અહીં જ અલગ પડે છે. પર્વતમાં ૩૯૦ ફીટ લાંબુ બોગદુ બનાવી તેમાં બેક બનાવાઈ છે.
બેંકની રોજબરોજની વ્યવસ્થા જાળવવા માટે માણસોને બદલે રોબોટ્સ રાખવામાં આવ્યા છે. સ્વિડનમાંથી આ બેંકની સુરક્ષા વ્યવસ્થા, રોબોટ્સ વગેરેનું રિમોટ કન્ટ્રોલ વડે સંચાલન થાય છે. મતલબ કે બેંકની સારસંભાલ માટે ૨૪ કલાક કર્મચારીઓની હાજરી જરૃરી નથી.- ૨૦૦૮ના આંતરારાષ્ટ્રીય ઉત્તમોતમ સંશોધનમાં આ બિયારણ બેંકનો સમાવેશ થાય છે.
બેંકની પહેલી વર્ષગાંઠે ત્યાં બિયારણની સંખ્યા ૪ લાખ સુધી પહોેંચી ગઈ હતી. બર્થડેના દિવસને યાદગાર બનાવવા આર્યલેન્ડે બટાટાની ૩૨ જાતો ત્યાં મોકલેલી.
ભારતે કુલ વિવિધ પ્રકારના ૨૦ હજાર બિયારણાના સેમ્પલ બેંકમાં જમા કરાવ્યા છે. – ભારત તરફથી પહેલું સંપેતરું પહેલી જુલાઈએ મોકલવામાં આવેલું. સાયન્સ અને ટેકનોલોજી મંત્રી કપિલ સિબ્બલ ભારત તરફથી ઘઉં, ચોખા સહિતના પાકોનું બિયારણ લઈને ગયેલા. એ બિયારણ આજે ત્યાં સચવાયેલું છે.
આ પહેલી બેંક નથી!
વિવિધ દેશોમાં નાની-મોટી મળીને ૧૪૦૦ બિયારણ બેંકો છે. પણ એ દેશોમાંથી કેટલાક દેશો એવા છે, કે જેમની પોતાની હાલત જ સુરક્ષિત નથી ત્યાં બેંકો કઈ રીતે સુરક્ષિત રહી શકશે? વળી આતંકવાદી હુમલા, ભુકંપ, પુર, કુદરતિ આપતીઓ વગેરે પણ બેંકને નુકસાન પહોંચાડી શકે છે. પરિણામે વર્લ્ડ બેન્કમાં બિયારણો સાચવી શકાય.બિયારણ યોદ્ધાઓ
ગ્લોબલ ર્વોમગ) કારણોસર પૃથ્વી પર જોખમ આવી પડે તો પ્રજાને ખાવા માટે આ સીડ (બિયારણ) બેંક કામ લાગી શકે છે. એ મતલબની એક ‘સીડ વોરિયર (બિયારણ યોદ્ધાઓ)’ નામે ફિલ્મ પણ બની છે. આ ફિલ્મમાં ૨૦૫૦નો માહોલ બતાવાયો છે. જેમાં નોર્વેમાં બંધાયેલી આ આફત સમયની બેંક કામ લાગે છે.
પહેલે આપ.. પહેલે આપ..
બેંક સત્તાવાર રીતે ૨૦૦૮ની ૨૬મી ફ્રેબુઆરીએ ખુલ્લી મુકાઈ છે. જોકે બેંકમાં ે બિયારણની આવક તો જાન્યુઆરીથી જ શરૃ થઈ ગયેલી. પહેલે દિવસે જ બેંકમાં પોતાનું બિયારણ રશિયા, તાઈવાન, પેરુ, અમેરિકા, ફિલિપાઈન્સ, જર્મની, પાકિસ્તાન વગેરે દેશોએ જમા કરાવેલા. જોકે પહેલા દિવસના જમાકર્તાઓમાં ભારતનું નામ ન હતું.
૪૨૫ અબજ રૃપિયા ખર્ચ થયો
સમગ્ર બેંક પાછળ ૯ અબજ અમેરિકી ડોલર (અંદાજે રૃપિયા ૪૨૫ અબજ રૃપિયા)નો ખર્ચ થયો છે, જે નોર્વે સરકારે ભોગવ્યો છે. જોકે તો પણ કોઈ પણ દેશ વિનામૂલ્યે એ બેંકમાં પોતાના બિયારણ સાચવવા આપી શકે છે.
બેન્કનું સરનામું
યુરોપિયન દેશ નોર્વેથી ૯૩૦ કિલોમીટર ઉત્તરે અને ઉત્તર ધ્રુવથી ૧,૧૦૦ કિલોમીટર દક્ષિણે આવેલા સ્વાલબાર નામના ટાપુ ખાતે આ બેંક બની છે. આ ટાપુનું જર્મનોએ સ્પિટસબર્જેન નામ પાડેલું એટલે ટાપુ એ નામે પણ ઓળખાય છે. – કરણ રાજપુત