મકાન ન બનાવી આપનારા બિલ્ડરની 10 મહિના પછી પોલીસે ધરપકડ કરી છે. જીવન મૂડીની રકમ ગરીબ વ્યક્તિએ બિલ્ડરને આપી પણ મકાન ન આપતાં તેણે આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ પાસે મજબૂત પૂરાવા હોવા છતાં બિલ્ડરને બચાવવામાં આવતો હતો.
રૂ.2.30 લાખમાં રૂમ, રસોડુ, સંડાસ-બાથરૂમ એક મહિનામાં બાંધી આપવાનો વાયદો કરી રૂ.3.60 લાખ પડાવી લઈ મકાન નહીં બનાવી આપતા મોચી કામ કરનારા વ્યક્તિએ દસ મહિના અગાઉ નદીમાં પડી આત્મહત્યા કરી હતી. મૃતક પાસેથી મળેલી સ્યૂસાઈડ નોટનો હસ્તાક્ષર નિષ્ણાતે રિર્પોટ આપતા કોન્ટ્રાકટર કિરીટ ખીમજીભાઈ ગોહેલ (રહે. સુખીપુરાના છાપરા, પાલડી) વિરૂધ્ધ રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે ગુનો નોંધ્યો છે.
જુના વાડજ સુભાષનગના છાપરામાં રહેતા અને મોચી કામ કરતા શંકરભાઈ માલાભાઈ દાફડા (ઉ.57)એ ગત જુલાઈ મહિનામાં રૂપિયા 2.30 લાખમાં એક રૂમ, રસોડુ અને સંડાસ-બાથરૂમ બનાવી આપવાનું કામ કિરીટ ગોહેલને આપ્યું હતું. એક લાખ રૂપિયા એડવાન્સ આપ્યા હતા. એક મહિનામાં મકાન બનાવી આપવાનું કહી કિરીટ ગોહેલ કામ શરૂ કર્યું હતું. મહિના બાદ માત્ર પિલ્લર ભરીને કામ આગળ વધારવા માટે કિરીટે રૂપિયા માંગતા 30 હજાર ચૂકવ્યા હતા. ત્યારબાદ ટુકટે ટુકડે કુલ રૂપિયા 3.60 લાખ કિરીટ ગોહેલ મેળવી લીધા હોવા છતાં તે મકાન બાંધવા માટે વધુ રૂપિયા માંગી કામ રોકીને બેઠો હતો. વધુ દેવું કરીને રૂપિયા લાવવાની ક્ષમતા નહી હોવાથી શંકરભાઈ દાફડાએ વર્ષ 2018ના સપ્ટેમ્બર મહિનાની 17 તારીખે નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. શંકરભાઈ પાસેથી મળેલી સ્યૂસાઈડ નોટના આધારે તેમની સહીના નમૂના મેળવી પોલીસે હસ્તાક્ષર નિષ્ણાત પાસે ચકાસણી માટે મોકલ્યા હતા. જેનો રિર્પોટ આવી જતા મૃતકના પુત્ર ધીરજ દાફડાની ફરિયાદ નોંધી કિરીટ ગોહેલ સામે રિવરફ્ર્ન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે.