બિલ્ડીંગોની પાર્કિંગ પ્લેસના ભાજપના અબજોના કૌભાંડથી વાહન પાર્કિંગ સમસ્યા

પોલીસતંત્રનો ભય, દબાણખાતાનો ડર, હપ્તા રાજનો ભોગ બની રહેલા મહેનત કરીને જીવન નિર્વાહ કરતાં લોકોની રોજગારી છીનવાઈ રહી છે. ત્યારે ટ્રાફિકની સમસ્યા માટે ભાજપ સરકારનો ભ્રષ્ટાચાર સીધો જવાબદાર હોવાનો પત્રકાર પરિષદમાં આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, લારી-ગલ્લાં-પાથરણાં-ખુમચાના માધ્યમથી લાખો નાગરિકો મહેનતથી ધંધા રોજગાર મેળવીને લાખો પરિવાર સન્માનભેર રોજગારી મેળવવા માટે સંઘર્ષ કરતાં હોય છે. આ સંજોગોમાં કેન્દ્રની તત્કાલીન કોંગ્રેસ નેતૃત્વવાળી સરકારે વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહ, યુપીએ ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષશ્રી રાહુલ ગાંધીએ વિશેષ રસ લઈને “લારી-ગલ્લાં-પાથરણાં-ખુમચાવાળા લાખો નાગરિકો ભય વિના માન-સન્માન સાથે પોતાના રોજગાર કરી શકે તે માટે “ધ સ્ટ્રીટ વેન્ડિંગ (પ્રોટેક્શન સ્ટેટ લાઈવીહુડ એન્ડ રેગ્યુલેશન ઓફ સ્ટ્રીટ વેન્ડિંગ) – ૨૦૧૪” ઘડવામાં આવ્યો. રાજ્યની ૨૩ વર્ષથી શાસન કરતી ભાજપ સરકાર અને કેન્દ્રમાં ૪ વર્ષથી શાસન કરતી મોદી સરકારને ગરીબ-સામાન્ય નાગરિક પોતાના પરિવારનું જીવન નિર્વાહ ગુજરાન મહેનત કરીને કરી શકે તે માટે નીતિ નિર્ધારણ અને અમલીકરણથી ભાગી રહ્યા છે. મહેનત કરતાં લોકો સાથે ઉદ્ધત અને અમાનવીય વ્યવહાર થઈ રહ્યો છે. શહેરી નાગરિકોને સુચારૂ, સુનિયોજિત પાયાની સુવિધા આપવામાં નિષ્ફળ ભાજપ શાસકોને નામદાર વડી અદાલતની લપડાક પછી ભ્રષ્ટાચારી શાસકો જાગ્યા છે.

રાજ્યના આઠ મહાનગરોમાં જીવન જીવવા સાથે રોજગારીના હક્કો કોઈ પણ પ્રકારના અડચણ વિના રોજગાર કરી શકે તે માટે ૧૦ વર્ષ કરતાં વધુ સમયથી કોર્પોરેશનમાં શાસન કરતાં ભાજપ શાસકો પારદર્શક નીતિ-નિયમો ઘડતા નથી. આઠ મહાનગરો ૧૫૩ નગરપાલિકા વિસ્તારોમાં લારી-ગલ્લાં-પાથરણાં-ખુમચાવાળા હપ્તારાજ અને અપમાનજનક સ્થિતિના સામના સાથે ભય-ડરના માહોલમાં ધંધો-રોજગાર કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, ટ્રાફિક નિયમન માટે નામદાર વડી અદાલતની લપડાક બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. શહેરી નાગરિકો માટે ટ્રાફિક નિયમન અને ટ્રાફિક નિયમોનું પાલન થાય તે દિશાની કામગીરીને કોંગ્રેસ પક્ષ આવકારે છે અને તેમાં જ્યાં જરૂર જણાય ત્યાં નાગરિક હિતમાં કોંગ્રેસ પક્ષ મદદકર્તા બનશે. હપ્તારાજમાંથી મુક્તિ મળે, પોલીસતંત્ર, દબાણ ખાતા, શહેરી સત્તાધીશોના ડર-ભયનો માહોલ ખતમ કરે તે જોવાની જવાબદારી રાજ્ય સરકારની છે. ગેરકાયદેસર બાંધકામ, આડેધડ બાંધકામમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરીને ચૂંટણી ફંડ ભેગું કરનાર ભાજપ શાસકોને ગરીબ-સામાન્ય નાગરિકોની રોજી-રોટી છીનવાનો અધિકાર નથી. ગેરકાયદેસર ઉભા થયેલા બિલ્ડીંગો અને સ્થાનિકતંત્રના આશીર્વાદથી ગેરકાયદેસર દબાણ માટે ભાજપ સરકાર સીધી જવાબદાર છે. મોટા મોટા બિલ્ડીંગોની પાર્કિંગ પ્લેસના “વહીવટ” થી સ્થાનિક નાગરિકોની પરેશાની માટે ભાજપ સરકાર જવાબ આપે.

લાઈવી હુડ એન્ડ રેગ્યુલેશન ઓફ સ્ટ્રીટ વેન્ડિંગ અનુસાર કાયદાનું પાલન સાથે સામાન્ય નાગરિકો મહેનત સાથે પોતાનું ધંધો-રોજગાર કરી શકે તે જરૂરી છે. રાજ્યમાં ટ્રાફિક મેનેજમેન્ટ કરવામાં નિષ્ફળ ભાજપ શાસકો હકીકત છુપાવી રહ્યાનો આક્ષેપ સાથે પત્રકાર પરિષદને સંબોધન કરતાં ધારાસભ્ય અને અમદાવાદ શહેરના પૂર્વ મેયર હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે, સ્વરોજગાર, મહેનત કરીને કમાનાર લારી-ગલ્લાં-પાથરણાંના જીવન જીવવાનો અધિકાર છે. રોજગારી માટે લારી-ગલ્લાં-પાથરણાં માટે જુદા જુદા વિસ્તારોમાં જગ્યા સુનિશ્ચિત કરવી, ટાઉન વેડિંગ કમિટી બનાવવી જેમાં લારી-ગલ્લાં-પાથરણાંવાળાઓની નોંધણી કરવી અને નોંધણી પ્રમાણપત્ર આપવું. શહેરી આયોજન સત્તાધીશો સાથે સ્થાનિક સત્તાધીશોએ ચર્ચા વિચારણા કરીને રાજ્ય સરકારે નીતિ ઘડતર કરવું જોઈએ. સ્થાનિક સત્તામંડળ, આયોજન વિભાગે શહેરમાં આ માટે સૂચિત સ્થળો નક્કી કરવા, જેથી તકલીફ વિના લારી-ગલ્લાં-પાથરણાં-ખુમચાવાળા તેમનો રોજગાર સન્માન સાથે ભય વિના કરી શકે. ગરીબ-સામાન્ય નાગરિકોને વિવિધ તંત્રોની હેરાનગતિમાંથી મુક્તિ થાય તે જરૂરી છે. કાયદાકીય આંટીઘૂંટીમાં ગરીબ-સામાન્ય નાગરિકો કે જે પોતાના પરસેવાથી પરિવારનો જીવન નિર્વાહ કરે છે તે માટે વ્યવસ્થા કરવી જરૂરી છે. ભાજપ સરકાર રોજી-રોટી આપવામાં નિષ્ફળ ગઈ છે. તંત્ર નિષ્ફળતા છુપાવવા માટે નિર્દોષ લોકો પર ત્રાસ કરે તે વ્યાજબી નથી.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને અસંગઠિત કામદાર સેલના અધ્યક્ષ અશોક પંજાબીએ જણાવ્યું હતું કે, મુઠ્ઠીભર લોકોના વિકાસના નામે ગુમરાહ કરતી ભાજપ સરકાર નાના લોકોની રોજી-રોટી છીનવી રહી છે. અમદાવાદ શહેરમાં ૨ લાખ રીક્ષાની પરમીટ રાજ્ય સરકારે આપી છે, જેની સામે ૨૧૦૦ રીક્ષા ઉભી રહી શકે તેટલી જ વ્યવસ્થા સાથેના રીક્ષા સ્ટેન્ડ છે. ગેર વહીવટ, ગેર આયોજનના કારણે શહેરમાં આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હજારો લોકોની રોજી-રોટી છીનવાય તે ચલાવી શકાય નહિ. વિકાસ સૌ ઈચ્છે છે પણ તે માનવીય ચહેરા સાથે હોવો જોઈએ. અમદાવાદ મ્યુનીસીપલ કમિશ્નર અને પોલીસ કમિશ્નર સાથે વિસ્તૃતમાં ચર્ચા કરી છે અને અમે પ્રશ્ન કર્યો છે કે ગરીબો શા માટે દંડાઈ રહ્યા છે. શહેરના સુનિયોજિત અને જાહેર હિતમાં જરૂરી પરિસ્થિતિ ઉભી થાય તો જ્યાંથી લારી-ગલ્લાં-પાથરણાં-ખુમચાવાળાઓને ખસેડવાની ફરજ પડે તો ધંધા-રોજગારનું પુનઃવસન અને જીવન નિર્વાહમાં વ્યવસ્થા કરવાની જવાબદારી સ્થાનિક શહેરી સત્તામંડળની છે.