બુધવારે ચન્દ્રયાન-2, ચંદ્ર તરફ ફંગોળાશે અને 7મીએ ચંદ્ર પર ઊતરશે

ભારતના અવકાશ વિજ્ઞાન ના સિમાચિહ્નરૂપ ચન્દ્રયાન ૨ની અગ્નિપરિક્ષા બુધવારે થવાની છે જ્યારે તે પૃથ્વીની ભ્રમણકક્ષા છોડીને ચન્દ્ર તરફ પ્રયાણ કરશે. ઈસરોના જણાવ્યા પ્રમાણે તે એક અતિ નાજુક પળ હશે. ચન્દ્રયાન ૨, ૨૦મી ઓગસ્ટના રોજ ચન્દ્રની ભ્રમણકક્ષામાં દાખલ થશે અને ૭મી સપ્ટેમ્બરના રોજ ચન્દ્રની સપાટી ઉપર ઉતરાણ કરશે. બુધવારે સવારે ૩:૩૦ કલાકે પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર કાઢીને ચન્દ્ર તરફ છોડવામાં આવશે,  એમ ઈસરોના ચેરમેન ડો. બી સિવાને જણાવ્યું હતું. આ કોશિશને ઈસરોએ ટ્રાન્સલ્યુનર ઇન્જેક્શન નામ આપ્યું છે.

૩૮૭૭ કિલોગ્રામ વજનના ત્રિખંડી કોમ્પોઝીટ મોડ્યુલ, ચન્દ્રયાન ૨ને ૨૨મી જુલાઈના રોજ પૃથ્વી પરથી શ્રીહરિકોટા સ્થિત સતિષ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતુ. અત્યાર સુધીમાં યાનમાં રહેલા પ્રોપલ્શન રોકેટ વડે તેને જુદી જુદી ભ્રમણકક્ષામાં ગોઠવીને પૃથ્વીથી દૂરને દૂર ધકેલવામાં આવી રહ્યું છે.

“જુદા જુદા પાંચ મનુવર્સ (ચાલ) દ્વ્રારા અમે ચન્દ્રયાન ૨ને સૌથી છેટેની ભ્રમણકક્ષામાં ગોઠવી દીધું છે.  હાલમાં ચંદ્રયાન ૨, પૃથ્વીની આસપાસ, ૬૦ કલાકનું એક ચક્કર એવી પ્રદક્ષિણા કરી રહ્યું છે, જેમાં તે નજીકમાં નજીક ૨૫૦ કિ.મી. પૃથ્વીથી દૂર અને વધુમાં વધુ ૧,૪૦, ૦૪૦ કિ.મી દૂર ફરી રહ્યું છે. ચન્દ્રયાનની સ્થિતિ અને સંચાલન ખૂબ જ સુંદર રહ્યું છે.

“૨૦મી ઓગસ્ટના રોજ તેને ચન્દ્રની ભ્રમણકક્ષામાં દાખલ કરવામાં આવશે જેને લ્યુનર ઓર્બીટ ઈન્સર્શન પ્રોસેસ કહેવાય છે. ૭મી સપ્ટેમ્બરના રોજ યાનના ત્રીજા ખંડ લેન્ડર વિક્રમને ચન્દ્રના દક્ષિણ ધ્રુવ ઉપર સફળતાપૂર્વક ઉતારાશે, ડો. સિવાને વધુમાં જણાવ્યું હતું.

ડો. સિવાન, ઈસરો, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અને ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી દ્વારા આયોજિત ડો. વિક્રમ સારાભાઈની ૧૦૦મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે વર્ષભર ચાલનારા કાર્યક્રમના ઉદઘાટન કાર્યક્રમમાં ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહ્યાં હતાં.

નોંધનીય છે કે ચન્દ્રયાનના ત્રીજા ખંડને નામ ડો. વિક્રમ સારાભાઇ પરથી લેન્ડર વિક્રમ નામ આપવામાં આવ્યું છે. યાનના ત્રણ ખંડ છે, પહેલું ઓર્બીટર, જે પ્રદક્ષિણા કરે છે, બીજું લેન્ડર, જે ઉતરાણ કરશે અને ત્રીજું રોવર જે ચંદ્ર ની સપાટી પર ફરીને નમુના એકત્ર કરશે.

વિજ્ઞાનને ખુબ જ મહત્વ આપતા ડો. સિવાને જણાવ્યું હતું કે,”વિદ્યાર્થીઓ માટે ખુબ જ મહત્વનું છે કે તેઓ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ રાખે. દેશમાં વધી રહેલી સમસ્યાઓનું નિરાકરણ માત્ર સાયન્સ અને ટેકનોલોજી થકી જ આવશે.”

સિવાને વધુમાં જણાવ્યું હતું કે આગામી ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર સ્પેસ કાર્યક્રમોથી ભરપૂર રહેશે જેમાં ડિસેમ્બરમાં ભારતમાં ડેવલપ કરવામાં આવેલા એક સ્મોલ સેટેલાઈટ લોનચરનુ પરિક્ષણ કરવામાં આવશે.

ઇસરોના સંસ્થાપક – ડૉ વિક્રમ સારાભાઇની જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી ઇસરો, અવકાશ વિભાગ, અણું ઉર્જા વિભાગના મહાનુભાવો અને સારાભાઇ પરિવારના સભ્યોની હાજરીમાં અમદાવાદમાં શરૂ થઇ હતી.

ઇસરોના અધ્યક્ષ ડૉ. કે સિવને ડૉ. વિક્રમ સારાભાઇને મહાન સંસ્થાના નિર્માણકર્તા ગણાવ્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે વિક્રમ સારાભાઇએ આધુનિક વિજ્ઞાન, ભૌતિક સંશોધન અને અણુ ઉર્જાના ક્ષેત્રમાં સંસ્થાઓની સ્થાપના કરીને આધુનિક ભારતના નિર્માણમાં ખૂબ જ મોટું યોગદાન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે વિક્રમ સારાભાઇએ સ્થાપેલી સંસ્થાઓ આજે સેન્ટર ફોર એક્સલન્સ બની ગઇ છે. આ અર્થમાં ડોક્ટર વિક્રમ સારાભાઈ ભારતના સાચા સપૂત છે.

ઉદઘાટન કાર્યક્રમ દરમિયાન ડૉ. વિક્રમ સારાભાઇના જીવનગાથા દર્શાવતો એક આલ્બમ, ઇસરો અંગે કોફી ટેબલ બૂક અને અણું ઉર્જા વિભાગનો સ્મારક સિક્કો બહાર પડાયો હતો. આ પ્રસંગે બસની અંદર ‘સ્પેસ ઓન વ્હીલ’ પ્રદર્શનનું પણ ઉદઘાટન કરાયું હતું.

સમગ્ર વર્ષ સુધી ચાલનારા ડૉ. વિક્રમ સારાભાઇ શતાબ્દી કાર્યક્રમમાં પ્રદર્શનો, સ્કૂલોના બાળકોમાં સ્પર્ધાઓ, પત્રકારત્વ પુરસ્કાર અને ખ્યાતનામ પ્રતિભાઓ દ્વારા વ્યક્તવ્યનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ આજથી શરૂ કરીને ભારતભરના 100 પસંદ કરાયેલા શહેરોમાં હાથ ધરવામાં આવશે જે 12મી ઓગસ્ટ, 2020ના રોજ થિરુવનંતપુરમ ખાતે સમાપન કાર્યક્રમ સાથે સમાપ્ત થશે.

આ પ્રસંગે ડૉ. વિક્રમ સારાભાઇ અવકાશ કેન્દ્રના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. બી એન સુરેશ, સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ભૂતપૂર્વ ડિરેક્ટર અને ડૉ. સારાભાઇના નજીકના સાથી પ્રમોદ કાલે, ઇસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉ.કસ્તૂરીરંગન, અણુ ઉર્જા આયોગના અધ્યક્ષ શ્રી કે એન વ્યાસ, અણુ ઉર્જા વિભાગના ભૂતપૂર્વ અધ્યક્ષ શ્રી એમ આર શ્રીનિવાસન અને ડૉ. વિક્રમ સારાભાઇના પુત્ર ડૉ. કાર્તિકેય સારાભાઇ પણ હાજર રહ્યાં હતા.