બૂથ જીતીશું તો ચૂંટણીઓ જીતીશું નાં મંત્ર સાથે ભાજપની વિશ્લેષણ બેઠક યોજાઈ

ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓનો આરંભ કરી દેવાયો છે. ગુજરાતની લોકસભાની ૨૬ બેઠકો પર ફરી વિજયી બનવા તમામ બેઠકોનું વિશ્લેષણ પાર્ટી દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે. જેનાં ભાગરૂપે આજે ભાવનગર ખાતે ભાવનગર અને અમરેલી લોકસભા બેઠક અંગેની એક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.
આગામી લોકસભા ચુંટણી પૂર્વે ગુજરાતની તમામ બેઠકો પર ચૂંટણીની તૈયારીઓ ભાજપ દ્વારા શરૂ કરી દેવાઈ છે. જેમાં તમામ બેઠકો માટે ભાજપના દિગ્ગજ નેતાઓએ રાષ્ટ્રીય સ્તરેથી પ્રશિક્ષણ પ્રાપ્ત કરી નગરપાલિકા અને ત્યારબાદ જિલ્લા અને તાલુકા કક્ષાએ કરવામાં આવનાર છે. ત્યારે આજે ભાવનગરનાં ઝવેરચંદ મેઘાણી હોલ ખાતે વિશ્લેષણ બેઠક યોજાઈ હતી. ભાવનગર અને અમરેલી લોકસભા બેઠક માટેની યોજાયેલી ચિંતન-મંથન શિબિર ગુજરાત ભાજપનાં પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ, કેન્દ્રીયમંત્રી પરસોત્તમ રૂપાલા, મનસુખભાઈ માંડવિયા, આર. સી. ફળદુ અને ભીખુભાઈ દલસાણિયા, મંત્રી ઈશ્વરસિંહ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. તેમજ ભાવનગર અને અમરેલીમાં સાંસદ તેમજ પ્રમુખ-મંત્રી સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ છેલ્લા ૨૨ વર્ષથી ગુજરાતમાં સત્તાની બહાર છે. તેની કમર સાવ ભાંગી ગઈ છે અને ગુજરાતની પ્રજા તેને ઓળખી ગઈ છે જેથી ફરી આવનારી લોકસભા ચૂંટણીમાં તમામ બેઠકો પર ફરી વિજય પ્રાપ્ત કરીશું તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી.
આ વિશ્લેષણ બેઠકમાં લોકસભા ચૂંટણી અંગે સંગઠનાત્મક અને બૂથ લેવલના આયોજન કરી બૂથમાંથી જ કોંગ્રેસને ઉખાડી ફેંકવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં હાલ નગરપાલિકાના ૩૭૦૦ જેટલા સભ્યોને પ્રશિક્ષિણ શિબિરમાં શિક્ષિત કરી અને સરકારની વિવિધ યોજના અંગેની જાણકારી લોકો સુધી પહોચાડવાની કામગીરી કરવામાં આવશે અને ત્યારબાદ જિલ્લા અને તાલુકા લેવલે આ પ્રશિક્ષણ શિબિર યોજવામાં આવશે.
બૂથ જીતીશું તો વોર્ડ જીતીશું, વોર્ડ જીતીશું તો વિધાનસભા જીતીશું અને વિધાનસભા જીતીશું તો લોકસભા જીતીશુંના મંત્ર સાથે એકમ બૂથ અને પેઈજ પ્રમુખ બનાવવા અંગેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.