બેંગલુરૂમાં સારવાર કરાવી,ઓક્ટોબરથી આંદોલનનાં મંડાણ કરશે હાર્દિક પટેલ

પાસનાં કન્વીનર અને પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ આજે બેંગલુરુથી અમદાવાદ આવી પહોંચ્યો છે. ગુજરાતમાં ખેડૂતોનાં દેવા માફી અને પાટીદારોને અનામતનાં મામલે 25મી ઓગસ્ટથી આમરણાંત ઉપવાસ પર ઉતર્યા બાદ 19મા દિવસે પોતાનાં આમરણાંત ઉપવાસનો અંત લાવી દીધો હતો. આ સમય દરમિયાન તેનું સ્વાસ્થ્ય ખરાબ થતાં તે વધુ સારવાર માટે બેંગલુરુની જિંદાલ નેચરક્યોર ઈન્સ્ટિટ્યૂટમાં સારવાર માટે ગયો હતો. જ્યાં તેની સારવાર પૂર્ણ થતાં તે આજે સવારે દસ વાગ્યાની ફ્લાઈટ મારફતે બપોર થતાં અમદાવાદ આવી પહોંચ્યો હતો.
અત્રે નોંધનીય છે કે, તે પોતાની સારવાર દરમિયાન બેંગલુરુથી પણ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતો હતો. અને ત્યાંથી રોજ ટ્વિટ કરીને રાજ્ય સરકારની ટિકા કરતો હતો. સાથે સાથે આગામી બીજી ઓક્ટોબરથી મોરબી ખાતેથી પોતાનાં આંદોલનનાં ફરી એકવાર શ્રીગણેશ કરશે અને પ્રતીક ઉપવાસ આંદોલન કરીને રાજ્ય સરકારને જગાડવાનો પ્રયાસ કરશે.
આપને જણાવી દઈએ કે ઓગસ્ટ 2015માં પાટીદારોને અનામત આપવાની માંગણી સાથે અમદાવાદનાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આંદોલનનાં મંડાણ કર્યાં હતાં. અને તે સમયે તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલની સરકાર સામે પાટીદાર સમાજમાં ભારે વિરોધનો વંટોળ ફેલાયો હતો. અને આ આંદોલનનાં ભાગરૂપે હાર્દિક પટેલ અને તેનાં કેટલાંક સાથીદારો સામે રાજ્ય સરકારે રાજદ્રોહનો કેસ દાખલ કર્યો હતો. અને રાજદ્રોહનાં કેસ હેઠળ હાર્દિક પટેલને ગુજરાતમાંથી તડીપાર કરવામાં આવ્યો હતો. અને તડીપારની અવધિ પૂર્ણ થયા બાદ પરત ગુજરાતમાં આવીને હાર્દિક પટેલે પોતાનાં આંદોલનને વધુ વેગ આપ્યો હતો અને સાથે સાથે 2017ની ચૂંટણીમાં પાટીદારની વસતિ ધરાવતાં સૌરાષ્ટ્રમાં ભાજપને બેઠકો ગુમાવવાનો વારો આવ્યો હતો.
હવે જ્યારે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે હાર્દિક પટેલ આણિ કંપની કેવાં પ્રકારનાં આંદોલન કરશે તે જોવું રહ્યું.