બેન્કોનું મર્જર કરી નાખવાથી એનપીએ ઘટશે? જાહેર સાહસોના ખાનગીકરણથી દેશના ભવિષ્યને બહુ મોટો ફટકો !!!

દેશમાં નોટ બંધી કર્યા બાદ દેશભરમાં જે પરિસ્થિતિ ઉદભવવા પામી તેની ગણતરી કેન્દ્ર સરકારે કદાપી કરી હશે નહીં. પરંતુ જીએસટીનો વિચાર્યા વગર ના અમલે ભારતભરના તમામ બજારોને હલબલાવી નાખ્યા. તેના પરિણામો ધીમી પણ મક્કમ ગતિએ દેશભરમાં ફરી વળ્યા છે. નોટબંધીની અસરોની કિંમત આમ પ્રજાને આજે પણ ચૂકવવી પડી રહી છે. દેશનો જીડીપી દર ઘટતા સરકારમાં ચિંતા પેઠી છે અને તે કારણે આરબીઆઇએ રેપો રેટ ઘટાડ્યો પરંતુ તેનું પરિણામ શૂન્ય રહ્યું.! વિશ્વભરમા મંદીની સામાન્ય અસર  થઈ પરંતુ ભારતમાં સૌથી વધુ એટલે કે મોટા પ્રમાણમાં મંદીની અસર થઈ અને તેના કારણમાં મુખ્ય તો નોટબંધી અને અર્થશાસ્ત્રીઓની સલાહની અવગણના છે.! દેશમાં સૌપ્રથમ મંદીની અસર ઓટો ક્ષેત્રને થઈ પછીથી અન્ય ઉત્પાદક માર્કેટોને થઈ. જે તે ઉદ્યોગોએ પોતાના જૂના કર્મચારીઓને છૂટા કરી દેવાની ફરજ પડી.! મંદીની ધીરે ધીરે એટલી બધી અસર વ્યાપક રૂપે થઈ કે દેશભરમાં ૪ કરોડથી વધુ લોકો બેરોજગાર બની ગયા. અનેક નાના-મોટા ઉદ્યોગો બંધ થઈ ગયા. લોકોની ખરીદશક્તિ તળિયે પહોંચી ગઈ. દરમિયાન ઉઘાડ પગા અર્થશાસ્ત્રીઓની સલાહને કારણે કે અન્ય કોઈ ઊંડાણપૂર્વકના વિચાર કર્યા વગર ઔદ્યોગિક ક્ષેત્ર સહિત મોટા માર્કેટોને આપવામાં આવેલી બેન્ક લોન કે જેમાં મોટા ભાગે બેડ લોન નક્કી કરી નાખેલી તે માટે એનપીએ માફ કરવા સાથે દેશની આર્થિક સ્થિતિ પાટે ચડાવવા લોન સહાય સહિતના લાભો તમામ મોટા ઉદ્યોગ ધંધાને આપ્યા. પરંતુ તેનુ એવું કોઈ પરિણામ સરકારને જોવા ન મળ્યું કે જેનાથી દેશની આર્થિક મંદી દૂર થાય તેમ જ જીડીપી દર વધે. પરંતુ બન્યું તેનાથી બધું જ ઊલટું.

સરકારની ગણતરી હશે કે કોઈની સલાહ મળી હશે કે સરકારે જાહેર ક્ષેત્રની બેન્કોનું મર્જર કરી નાખવાથી એનપીએ ઘટશે અને થોડો ખર્ચ વધશે. પરંતુ બન્યું ઉલટુ. બેન્કોના મર્જર કરવાથી જાહેર ક્ષેત્રની બેન્કો માથે પડી અને એનપીએ વધી ગઈ. છેલ્લા છ માસમાં ૯૫,૮૦,૦૦૦ હજાર કરોડની એનપીએ થઈ ગઈ. તે સાથે દેશની આમ પ્રજાનો વિશ્વાસ પણ બેન્કોએ ગુમાવ્યો તે નફામાં. મતલબ કે આ સરકારને દેશને આર્થિક સંકટમાંથી બહાર કાઢવા માટેની કોઈ કોઠાસૂઝ નથી અને દેશનું અર્થતંત્ર દિન-બ-દિન ઊંડી ખાઈમાં ધકેલાઈ રહ્યું છે. જો કે કોઈની સલાહથી કે પછી અમેરિકાની ખાનગીકરણની નીતિને રસ્તે ચાલતા દેશના નામી અને આગવી ઓળખ ધરાવતા પ્રજાના પૈસાથી ઊભા કરવામાં આવે જાહેર સાહસો વેચવાની શરૂઆત સરકારે કરી દીધી. પણ તેમાં તો લાખના બાર હજાર કરવાની વાત થઇ. તેના કારણે સરકારને કોઈ જ ફાયદો થવાનો નથી થયો નથી. કારણ કે સરકારી જાહેર સાહસ ખરીદનારાને તો તૈયાર જમવાના ભાણેજ બેસવાનું છે. ઇન્સ્ટ્રક્ટર સાથે માલસામાન બધું જ તૈયાર તેને તો માત્ર મજબૂત અનુભવી મેનેજમેન્ટ ગોઠવવાનું અને પછી નફો જ નફો ઘરભેગો કરવાનો. સરકારને કોઈ જ લેવા દેવા નહી. હા, જે ભારણ પડ્‌શે તે આમ પ્રજા પર પડશે. એટલે ભોગવવાનું તો પ્રજાને ભાગે જ છે.

જાહેર સાહસોના ખાનગીકરણથી દેશના ભવિષ્યને બહુ મોટો ફટકો પડશે, ભારે મોટું નુકસાન જશે. કારણ ભણતર પાછળ લાખો રૂપિયા ખર્ચ્યા પછી ભારતના ભવિષ્યને માટે સરકારી નોકરી તો બચી જ નહીં હોય એટલે તેનું શોષણ જાહેર સાહસોનું ખાનગીકરણ કરી નાખતા થશે, થશે અને થશે જ. આ સરકારમાં દેશને કઈ રીતે ચલાવવો તે માટેની કોઇ સ્પષ્ટ નીતિ જ નથી. તો સરકાર પાસે સારા- સાચા આર્થિક સલાહકારો પણ નથી. પરિણામે દેશને મંદીમાંથી બહાર નીકળતા ૧૦ વર્ષ વીતી જશે તો આર્થિક ગાડી ક્યારે પાટા પર ચડશે તેની કોઈ સમય સીમા પણ કહી શકે તેમ નથી….!?