9 મે 2019માં ખેડૂતો અને ગુજરાત કિસાન કોંગ્રેસ, ગુજરાત ખેડુત સમાજે રૂપાણી સરકારનું ખાતર કૌભાંડ પકડી પાડ્યું હતું. સરકારે નિવેદન કર્યું હતું કે, ચમરબંધીને પકડવામાં આવશે. ખેડૂતોને વળતર આપવાની માંગણી હતી.
આજે કૃષિ પ્રધાનએ નિર્ણય જાહેર કર્યો છે કે, જે ડેપોમાં વજન બરાબર છે, ત્યાં વેચાણ ચાલું કરી દેવામાં આવશે.
2 દિવસમાં યોગ્ય તપાસ કરવાની સરકારે જાહેરાત કરી હતી. તે અંગે ખેડૂત આગેવાન પાલભાઈએ જણાવ્યું હતું કે, કેટલા ડેપોમાં અને ક્યા ક્યા ડેપોમાં તપાસ હાથ ધરવામાં આવી તેની વિગતો સરકારે તુરંત જાહેર કરવી જોઈએ.
કૌભાંડ થવા પાછળનું મુખ્ય કારણ, બેચ નંબર, વર્ષ, ગોડાઉનોની સંખ્યા અંગે સરકાર હજુ અનુત્તર છે. કોઈની ધરપકડ કરવામાં આવી નથી. વેચાણની છૂટ આપી દઈ બધા પ્રશ્નો દબાવી દેવાનો પરોક્ષ રીતે પ્રયાસ છે. જીએસએફસીના અધિકારીઓનું કહેવું હતું કે ફેકટરીમાં ઉત્પાદન થયા બાદ માલના પેકીંગ, વજનમાં કોઈ તકલીફ નથી આમાં વચેટીયાઓ ગોલમાલ કરે છે. જીએસએફસીના અધિકારીઓએ સપ્લાયર પર કોઈ કાયદાકીય પગલાં અત્યાર સુધી શા માટે નથી લીધા એ જ શંકાની સોય પોતાના પર અને સરકાર પર દોરે છે.
તેમણે કહ્યું કે, અમારી માંગ છે કે સરકાર અને જીએસએફસી નિવેદનો નહિ પણ તપાસ કરી નક્કર પરિણામ આપે. જે જવાબદાર હોય તેની સામે પગલાં ભરવામાં આવે.
ખાતરમાં ઓછા વજન મામલે 2 દિવસમાં થયેલી તપાસનો રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. મુખ્ય સચિવ જે. એન સિંહ આજે સાંજે GSFCનાં MDની મુખ્યસચિવ સાથે બેઠક થશે. GSFCના MD આ અંગેનો વિસ્તૃત અહેવાલ રજૂ કરશે.
મુખ્ય સચિવ ડો. જે.એન. સિંહે રાજ્યમાં જીએનએફસી અને જીએસએફસીનાં મેનેજિંગ ડિરેક્ટરને ખાતર વેચાણ બે દિવસ એટલે કે શનિવાર અને રવિવાર સુધી બંધ રાખવા સુચના આપી હતી. જો કે સરકાર દ્વારા કરાયેલા વજનમાં પણ ઓછું વજન આવતા બજારમાં વેચાણ માટે મુકાયેલા જથ્થાને પાછો ખેંચવાનું નક્કી કર્યું હતું. જયાં સુધી નવો જથ્થો બજારમાં મૂકી ન શકાય ત્યાં સુધી અચોક્કસ સમય મર્યાદા માટે ખાતરનું વેચાણ બંધ રહેશે તેવું પણ નક્કી કરવામાં આવ્યું હતું.
રાજકોટનાં ડેપો મેનેજરે આ અંગે કહ્યું કે, ‘રાજકોટ બેડી યાર્ડમાં ખાતરનું વેચાણ આજે પણ બંધ રહેશે. વેચાણ કેન્દ્ર ખુલ્લા છે પણ વેચાણ બંધ છે. મગફળી, તુવેરકાંડ અને હવે ખાતરની બેગમાં વજન ઓછું આપવાનું કૌભાંડ બહાર આવતા તપાસ કરવાની માંગણી ખેડૂતોએ કરી હતી.
દરમ્યાન, આજે વડોદરામાં આ અંગે વિરોધ કરતાં કોંગ્રેસનાં 40 કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. ખેડૂતોને વળતર આપોના નારા સાથે કોંગ્રેસનાં ધારાસભ્ય હર્ષદ રિબડિયાને સચિવાલયમાં પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
તેઓ દોઢ વર્ષ પહેલાની ડીએપી ખાતરની થેલી લઇને આવ્યા હતા તેમાં 600 ગ્રામ વજન ઓછું છે. જ્યારે દોઢ વર્ષ પહેલાની થેલીમાં પણ વજન ઓછું છે તો આ વજન ઘટ્ટનું કૌભાંડ કેટલાય વર્ષોથી ચાલતું હશે. છેલ્લા પાંચ વર્ષથી જે ખાતરની થેલીઓમાં કૌભાંડ છે તેમાં ખેડૂતોને વળતર આપવાની તેમણે માંગણી કરી હતી.