બે મહિલા પોલીસ અધિકારીઓએ સંયમ કેમ ગુમાવ્યો

મોડાસા તાલુકાના ખંભીસર ગામે રવિવારે સાંજે નીકળેલ દલિત યુવક જયેશ ડાહ્યાભાઈ રાઠોડના પુત્રના વરઘોડામાં ગામના અસામાજિક તત્વો વિઘ્ન ન સર્જે તે માટે પોલીસ રક્ષણ ની માંગ કરતા જીલ્લા પોલીસવડા મયુર પાટીલે ફાળવેલ પોલીસ કાફલામાં મહિલા ડીવાયએસપી સહીત ૨ મહિલા પીએસઆઈ સમાવેશ થતો હતો વરઘોડામાં ગામની મહિલાઓએ જાહેરમાર્ગ પર ભજન-કીર્તન કરી વરઘોડો અટકાવતા સર્જાયેલા ઘર્ષણમાં દલિત સમાજે રક્ષણ માટે માંગેલ પોલીસ બંદોબસ્ત તેમના માટેજ આફતરૂપ બની હોય તેવા દ્રશ્યો થી દલિત સમાજના લોકો અચંબિત બન્યા હતા મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ ચાવડાએ પણ દલિત સમાજના યુવકો સામે બળ પ્રયોગ કરી ધમકાવતો વિડિઓ વાઈરલ થતા પોલીસતંત્રની કામગીરી ખુદ શંકાના દાયરામાં આવી ગઈ છે.
ખંભીસર દલિત યુવકના વરઘોડામાં ડીવાયએસપી ફાલ્ગુની પટેલનો દલિત સમાજના લોકોને અપશબ્દો બોલતો અને ધમકાવતો વિડિઓ વાઈરલ થયા પછી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ચાવડા (મહિલા) નો દલિત સમાજના યુવકો અને અગ્રણીઓ સામે વાત કરતા અચાનક ઉશ્કેરાઈ જઈ ફેટ પકડી ધમકાવતા અને ફેટ પકડવાનો પ્રયત્ન કરતા પોલીસકર્મીઓ અને દલિત અગ્રણીઓએ વચ્ચે પડી યુવકને બચાવ્યો હતો આ ઘટનાનો વિડિઓ વાઈરલ થતા દલિત સમાજમાં પોલીસતંત્રની દમનકારી નીતિ સામે રોષ ભભૂકી ઉઠ્યો હતો.
દલિત સમાજના યુવકોના જણાવ્યા અનુસાર કાયદાનું રક્ષણ કરવાના બદલે ડીવાયએસપી ફાલ્ગુની પટેલ અને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ચાવડા વરઘોડો શરુ થયા પહેલા પણ દલિત સમાજના યુવકોને ધમકાવ્યા હતા અને છેલ્લે તો દલિત સમાજના લોકો સાથે ગરદન પકડી જમીન પર પટક્યા હોવાનો આક્ષેપ કરી બંને મહિલા અધિકારીઓ જાતિવાદી માનસિકતા ધરાવતા હોવાનો આક્ષેપ કરી બંને મહિલા અધિકારી અને જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવેની માંગ કરી હતી.