ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૨૬: જો અમેરિકન કૃષિ મંત્રાલયના મકાઈ ઉત્પાદનના આંકડા સાચા પડશે, તો વૈશ્વિક બજારમાં મોટો માલભરાવો થશે, આવી ચેતવણી યુનોની કૃષિ સંસ્થા ફાઓનાં ઈકોનોમિસ્ટ અબ્દુલરઝા અબ્બાસીને આપી છે. તેમણે કહ્યું કે વિશ્વના સૌથી મોટા મકાઈ ઉત્પાદક અમેરિકામાં વાવણી સમય અગાઉ પુષ્કળ વરસાદ પડ્યો હતો, વાવણી પણ દિવસો સુધી મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી, પણ હવે તમારી પાસે ભરપુર પુરવઠો હશે. આ બધું છતાં ઉત્પાદન ૨૦૧૮ની મોસમ કરતા માત્ર ૪ ટકા જ ઘટીને આવશે. બ્રાઝીલ અને યુક્રેન જેવા અન્ય નિકાસકાર દેશોમાં પણ વિપુલ મકાઈ ઉત્પાદનના સંકેત આવી રહ્યા છે.
મકાઈ માટે આ એક અસામાન્ય વર્ષ છે, જો યુએસડીએનાં અહેવાલને જોઈએ તો ટ્રેડરોએ પોતાની જાતને સમજાવવી પડશે કે અમેરિકા, બ્રાઝીલ, યુક્રેનમાં વ્યાપક વાવણી થઇ છે અને વિપુલ યીલ્ડ (ઉપજ) એક તરફી દિશામાં આગળ વધશે. અમેરિકન કૃષિ મંત્રાલયે ૧૨ ઓગસ્ટે આંચકાજનક સમાચાર આપ્યા અને સીબીઓટી મકાઈ વાયદાને નીચે જવાની ફરજ પાડી. ૧૩ ઓગસ્ટે સપ્ટેમ્બર વાયદો એક જ દિવસમાં ૬ ટકાની ડૂબકી લગાવીને ૪.૦૯ ડોલર પ્રતિ બુશેલ (૨૫.૨૧૬ કિલો)થી ઘટીને ૧૩ મે ૨૦૧૯ની ૩.૬૭ ડોલરની બોટમે બેસી ગયો. છેલ્લા ૪ વર્ષમાં એક જ દિવસમાં વાયદામાં આટલી મોટી વેચવાલી આવ્યાની આ પહેલી ઘટના હતી. યુએસડીએનો અંદાજ છે કે ૮૨૦ લાખ એકરમાં મકાઈ લણણી થશે અને ઉત્પાદન ૨૦૧૮ના ૧૪.૪૨ અબજ બુશેલથી ઘટીને ૧૩.૯૦ અબજ બુશેલ આવશે.
એક્યુવેધર એજન્સીએ ૭૯૫ લાખ એકર વાવેતરમાંથી ૨૦૧૯નો મકાઈ ઉતારો ૧૩.૨૮ અબજ બુશેલ અંદાજ્યો છે. એનાલીસ્ટો હજુ પણ એ માનવા તૈયાર નથી કે વાવણી સમયે અમેરિકામાં ધરખમ વરસાદ પડ્યો હોઈ, લાંબા સમય સુધી વાવેતર માટે વાતાવરણ સમાન્ય થયું ન હતું. ખેડૂતો આટલા મોટાપાયે વાવેતર કરવામાં સફળ રહ્યા હોય તે પણ એક પ્રશ્ન છે. વાસ્તવિકતા એ છે કે લોકો વિચારે છે તેના કરતા વાવેતર ખુબ વધુ થયું છે. આ વર્ષે અમેરિકામાં ધરખમ મકાઈ ઉત્પાદન આવવાની શક્યતા છે, એ માન્યતાનો જો ટ્રેડરો સ્વીકાર નહી કરે તો બજાર સતત મંદીના કળણ ખુપતી જશે અને નુકશાની ગાંઠે બાંધવાનો વારો આવશે.
મકાઈ સપ્ટેમ્બર વાયદો શુક્રવારે ૩.૬૫ ડોલરનું બોટમે બન્યું. આ ભાવ ૧૨ ઓગસ્ટે અમેરિકન મકાઈના ડેટા પ્રસિદ્ધ થયા ત્યાર પછી ૧૪.૮ ટકાનો ઘટાડો દાખવે છે. ૨૩ ઓગસ્ટે ચીને અમેરિકાની ૭૫ અબજ ડોલરની આયાત પર વધારાની અને નવેસરની આયાત જકાત લાદવાનો નિર્ણય જાહેર કર્યો અને ભાવને ફરીથી નકારાત્મક ઝોનમાં જવાની મદદ કરી. ચીન અને અમેરિકાએ ટ્રેડ વોરના વળતા હુમલા એક બીજા સામે કરીને બજારને સમજાવી દીધું કે અમે ઝઘડાખોર છીએ અને વિવાદનો વહેલો ઉકેલ સંભવિત નથી. વધુમાં ચીન સાથેનો વેપાર ઝઘડો એટલે અમેરિકાની સૌથી મોટી મકાઈ બજારમાં નિકાસમાં વધુ ગાબડા પડવાની પૂરી શક્યતા ઉજાગર થઇ ગઈ છે.
યુએસડીએના ઓગસ્ટ આંકડા એવું પણ કહે છે કે બજારની અપેક્ષા કરતા મકાઈ ઉત્પાદન અને પુરાંત સ્ટોક ખુબ વધુ રહેશે, જે મંદીવાળાને મોકળું મેદાન પૂરું પાડશે. છેલ્લા બેત્રણ સપ્તાહમાં બનેલી અને હવે ઘટનાર ઘટનાઓ આગામી મહિનાઓમાં મકાઈના ભાવમાં ભારે ઉથલપાથલ સર્જશે. અત્યારે તો સ્થિતિ ગંભીર રૂપ ધારણ કરી બેઠી છે. જો ટ્રેડરો અમેરિકાની આવી અસામાન્ય મોસમમાં ખાસ કરીને મોટા ઉત્પાદન આવવાની શક્યતા બાબતે તેમનો અભિગમ નહિ બદલે અને તેમના સોદા ખોટી રીતે ઉભા રાખશે તો, નુકશાની સહન કરવાની પણ તૈયારી રાખવી પડશે. હવે પછીના અમેરિકન કૃષિ મંત્રાલયના આંકડા સુપર મંદીના આવવાની શક્યતા છે, જે મકાઈ વાયદાને સતત દબાણમાં રાખશે.
(અસ્વીકાર સુચના: www.commoditydna.com દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન ઉભી કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.) તા. ૨૬-૮-૨૦૧૯