બોગસ દસ્તાવેજોથી બરોડા ગ્રામીણ બેન્ક સાથે 35.60 લાખની છેતરપિંડી

વિજાપુર તાલુકાના પામોલ સ્થિત બરોડા ગ્રામિણ બેંકમાંથી ખેતીની જમીનના બોગસ દસ્તાવેજો રજૂ કરી લોન ધિરાણ મેળવવાનું કૌભાંડ બહાર આવ્યું છે. તાલુકાના ગેરીતાના ત્રણ અને હસ્નાપુર ગામના પાંચ મળી 9 શખ્સોએ નવેક વર્ષ પહેલાં રૂ.35.60 લાખની લોન લીધા બાદ ભરપાઇ કરી ન હતી. જે અંગે વારંવાર નોટિસો આપવા છતાં ભરપાઇ ન કરતાં બેંક દ્વારા વિજાપુર મામલતદાર કચેરીમાં દસ્તાવેજોની ખરાઇ કરાવતાં રજૂ કરેલા દસ્તાવેજો ખોટા હોવાનો ભાંડો ફૂટ્યો હતો. જેને આધારે બેંક મેનેજરે આ 9 શખ્સો સામે બેંક સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત અંગેની ફરિયાદ વિજાપુર પોલીસમાં નોંધાવી હતી.

પામોલ સ્થિત બરોડા ગ્રામીણ બેંકમાંથી 31 માર્ચ, 2011થી 2 જુલાઇ, 2013 સુધીમાં 9 શખ્સોએ બનાવટી હક્કપત્રક રજૂ કરી કુલ રૂ.35,60,125ની કૃષિ લોન લીધી હતી. સમયસર લોનની ભરપાઇ ન થતાં બેંક દ્વારા ઉઘરાણી શરૂ કરાઇ હતી અને વારંવાર નોટિસો પણ ફટકારાઇ હતી. તેમ છતાં લોન ભરપાઇ ન થતાં બેંક મેનેજર જગતસિંહ પહાડજી ચૌહાણે કાયદેસરની કાર્યવાહી કરવા લોન માટે રજૂ કરાયેલા દસ્તાવેજોની ખરાઇ વિજાપુર મામલતદાર કચેરીએ કરાવી હતી. જેમાં તમામ દસ્તાવેજો બોગસ હોવાનું સામે આવતાં બેંક મેનેજરે વિજાપુર પોલીસ મથકમાં 9 શખ્સો વિરુદ્ધ છેતરપિંડી, વિશ્વાસઘાત અને કાવતરા સહિતની કલમો અંતર્ગત ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ એસ.જે. ગોસ્વામીએ તપાસ હાથ ધરી છે.

આ નવશખ્સોમાં પટેલ વિષ્ણુ મણિલાલ(રહે.ગેરીતા), પટેલ ચંદ્રિકાબેન વિષ્ણુ(રહે.ગેરીતા), પટેલ જગદીશ ચતુરભાઇ(રહે.હસ્નાપુર), પટેલ સંજય રામાભાઇ(રહે.હસ્નાપુર), પટેલ ભાવેશ બાબુલાલ(રહે.હસ્નાપુર), પટેલ મહેશ કેશાભાઇ(રહે.હસ્નાપુર), પટેલ નટવર શીવરામ(રહે.ગેરીતા), પટેલ મહેન્દ્ર ઉમેદ(રહે.હસ્નાપુર), પટેલ પ્રવિણ ઉમેદ(રહે.હસ્નાપુર)નો સમાવેશ થાય છે.