ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની સિસ્ટમનો પહેલી જુલાઈ 2017થી અમલ થયા બાદ વેપાર ઉદ્યોગના ટર્નઓવરમાં ઘટાડો થયા હોવાની બૂમ ચોમેરથી ઊઠી છે. પરંતુ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટે 20 ટકાથી વધુ ટર્નઓવર ઘટ્યું હોય તેવા વેપારીઓને નોટિસ આપીને તેમના ટર્નઓવરમાં થયેલા ઘટાડાના કારણો અંગે ખુલાસો માગ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો વેપારીઓને ઇશ્યૂ કરવામાં આવેલી નોટિસોમાં પહેલા નાણાંકીય વર્ષના ટર્નઓવરની તુલનાએ બીજા નાણાંકીય વર્ષના ટર્નઓવરમાં 20 ટકાથી વધુનો ઘટાડો કયા કારણોસર થયો છે તેના દસ્તાવેજી પુરાવાઓ ડિપાર્ટમેન્ટ સમક્ષ રજૂ કરવા આદેશ કરાયો છે.
જીએસટીએન નેટવર્ક પરથી તેમને મળેલા ડેટાને આધારે આ નોટિસો ઇશ્યૂ કરવામાં આવી છે. કસ્ટમ્સ અને આવકવેરા ખાતા તરફથી કરદાતાઓ અંગેની મળેલી માહિતી અને તેમણે જીએસટીના રિટર્નમાં દર્શાવેલી માહિતી વચ્ચે મેળ ન ખાતો હોવાથી તેમને આ નોટિસો પાઠવવામાં આવી છે. જીએસટીના રિટર્ન થકી બતાવેલી આવક અને આવકવેરાના રિટર્નમાં બતાવેલી આવક વચ્ચેના ફેરફારને કારણે આ નોટિસો ઇશ્યૂ કરવામાં આવી છે. તેમાં કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટ પાસે ઉપલબ્ધ ડેટાનો પણ મેળવી લઈને તેનું એનાલિસિસ કરીને નોટિસો ઇશ્યૂ કરવામાં આવી છે. જીએસટીના નેટવર્ક પર આ પ્રકારની અનિયમિતતા જણાય તેવા તમામ કેસોમાં રેડફ્લેગ પોપ અપ થાય છે અને વેપારીઓની ગેરરીતિઓ પરત્વે સંબંધિત અધિકારીઓનું ધ્યાન ખેંચાય છે. ત્યારબાદ અધિકારી તેનો અભ્યાસ કરીને ઉપરી અધિકારીની અનુમતી મેળવીને નોટિસો ઇશ્યૂ કરે છે.
જોકે જીએસટીના અધિકારીઓનું માનવું છે કે વેપારીઓની ટેક્સ લાયેબિલીટી ઓછી થાય તે માટે તેમણે તેમના ટર્નઓવર 20 ટકા જેટલા ઓછા બતાવ્યા છે. અગાઉ તેઓ ટેક્સની ચોરી કરવા માટે ઓછા ટર્નઓવર બતાવતા હોવાના કિસ્સાઓ હજારોની સંખ્યામાં બની ચૂકેલા છે. આ પ્રકારના કિસ્સાઓ ઉપરાંત ખરીદ વેચાણની વિગતો આપીને ટેક્સ લાયેબિલીટીનો અંદાજ આપતા જીએસટીઆર 3બી રિટર્ન અને વેચાણની વિગતો આપતા જીએસટીઆર-1માં આપવામાં આવેલી વિગતોમાં મેળ ન દેખાતો હોય તેવા કિસ્સાઓમાં પણ નોટિસો આપવામાં આવી હોવાનું બહાર આવી રહ્યું છે.
વેપાર ઉદ્યોગોનું કહેવું છે કે દેશનું અર્થતંત્ર મંદ પડ્યું હોવાથી તેમના વેપારો ઘટ્યા છે. મંદીને કારણે વેપાર ઘટ્યા હોવાની વાત કરનારા વેપાર-ઉદ્યોગોને પણ નોટિસો પાઠવવામાં આવી છે. તેમના ધંધા ઘટ્યા હોવા છતાંય તેમણે ઇનપુટ ટેક્સ ક્રેડિટ કયા કારણોસર કેટલા પ્રમાણમાં લીધી છે તેનો ડેટા પણ અધિકારી સમક્ષ રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. આ વિગતો માગવા પાછળનો મૂળભૂત હેતુ બોગસ બિલિંગના માધ્યમથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેવાની યુક્તિને એક્સપોઝ કરવાનો છે, એમ એસજીએસટીના અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં પકડવામાં આવેલા અંદાજે રૂા. 10,000 કરોડના બોગસ બિલિંગના કૌભાંડના ડેટા પણ ઓનલાઈન સિસ્ટમમાંથી જ કાઢવામાં આવ્યા છે. હજી ગઈકાલે જ સુરતમાં રૂા. 1000 કરોડના બોગસ બિલિંગના માધ્યમથી રૂા. 100 કરોડની ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ લઈ લેવાના કેસમાં બે વ્યક્તિઓની ધરપકડ કરીને તેમને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે. બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ ક્લેઈમ કરીને વેપારીઓ તેમની જીએસટી ભરવાની જવાબદારી ઘટાડી રહ્યા હોવાનું અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે. જોકે બોગસ બિલિંગ કરનારા વેપારીઓ પાસેથી રિકવરી માંડ રૂા. 75થી 100 કરોડની આસપાસની જ થઈ છે. આ રિકવરીની તુલનાઓ દસથી પંદર ગણી ઇનપુટ ટેક્સ ક્રેડિટ તેઓ ઉપાડી ગયા છે. અંદાજે 25થી વધુ વેપારીઓની ધરપકડ કરી છે, પરંતુ તેમની પાસેથી રિકવરી બહુ જ ઓછી આવી છે.
જીએસટીની સિસ્ટમમાં ઇન્વોઈસ મેચિંગની સિસ્ટમ હજી સુધી આવી નથી. ઇન્વોઈસ મેચિંગની સિસ્ટમ આવી જતાં આ પ્રકારની ગેરરીતિઓ અટકી જવાની સંભાવના હોવાનું જાણકારોનું કહેવું છે. જીએસટીની ઇન્વોઇસ મેચિંગની સિસ્ટમ માટે જીએસટીઆર-2 અને જીએસટીઆર-3 તૈયાર કરાઈ રહ્યા છે. જીએસટીઆર-2 અને જીએસટીઆર-3માં એક વેપારી બીજા વેપારીના નામનું બિલ તૈયાર કરીને સિસ્ટમમાં અપલોડ કરશે ત્યારે જે વેપારીના નામનું ઇન્વોઈસ ઇશ્યૂ કર્યું હશે તેના એકાઉન્ટમાં તે તરત જ રિફ્લેક્ટ થશે. તેમ થતાં બોગસ બિલિંગની સિસ્ટમ પર પણ નિયંત્રણ આવી જવાની સંભાવના છે. આ સિસ્ટમ અમલમાં આવી જતાં ડિપાર્ટમેન્ટની વાર્ષિક આવકમાં અદાજે રૂા. 1.5થી 2 લાખ કરોડનો વધારો થઈ જવાની સંભાવના છે. આ સિસ્ટમ કદાચ 2020-21ના નાણાંકીય વર્ષથી અમલમાં આવી જવાની ધારણા છે. તે માટે સોફ્ટવેર તૈયાર કરવાની કામગીર ચાલી રહી છે.