બોગસ રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવેલી કાર પોલીસે કબ્જે કરી

અમદાવાદ, સાબરમતી પોલીસે બોગસ રજીસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવેલી એક બિનવારસી કાર કબ્જે લીધી છે. મિત્રના કોમ્પલેક્ષના પાર્કિંગમાં બે-ત્રણ દિવસ માટે પ્રકાશ શાહ નામનો શખ્સ કાર પાર્ક કરીને ગયો હતો. સાબરમતી પોલીસ હાલ આ ફરાર આરોપીને શોધી રહી છે.

સાબરમતી ટોલનાકા પાસે બેરોનેટ કોમ્પલેક્ષની પાછળ પાર્કિંગમાં પાર્ક કરેલી અને આગળ પાછળ અલગ અલગ નંબર પ્લેટ લગાવેલી એક અર્ટિગા કારને કોન્સ્ટેબલ જગદીશકુમાર વિનોદચંદ્ર જોઈ ગયા હતા. પાર્કિંગમાં પડેલી અર્ટીગા કાર અંગે તપાસ કરતા બેરોનેટ કોમ્પલેક્ષમાં જમીન-મકાનની દલાલીનું કામ કરતા ગેમરભાઈ પરમારે કાર તેમના મિત્રની હોવાનું જણાવ્યું હતું. પ્રકાશ રમેશચંદ્ર શાહ (રહે. પાર્શ્વનાથ ફલેટ, અગોરા મોલ સામે, એસ.પી. રીંગ રોડ)એ વડોદરા જવાનું હોવાથી બે-ત્રણ દિવસ માટે કાર પાર્કિંગમાં મુકવાનું કહીને ગયા છે. પોલીસ કોન્સ્ટેબલ જગદીશકુમારે એકલવ્ય સોફટવેરના આધારે કારના એન્જીન-ચેસીસ નંબરથી તપાસ કરતા કાર નિમિષા પ્રકાશકુમાર શિકારી (રહે. કોરલ પાર્શ્વનાથ એટલાન્ટીસ, તપોવન સર્કલ પાસે, સુઘડ)ના નામે હોવાનું સામે આવ્યું હતું. ગેમરભાઈ પાસેથી પ્રકાશ શાહનો મોબાઈલ ફોન નંબર લઈને સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેમનો ફોન બંધ આવી રહ્યો છે. સાબરમતી પોલીસે કાર કબ્જે લઈ ગુનો નોંધી પ્રકાશ શાહની શોધખોળ આરંભી છે.