રાજ્યની જીવાદોરી સમાન નર્મદા યોજનામાં એટલો બધો ભ્રષ્ટાચાર ફેલાયો છે કે રોજે રોજ નર્મદાની કેનાલમાં ગાબડાં પડવાનાં કિસ્સાઓ સામે આવે છે. આ સંજોગોમાં રાજ્ય સરકાર જે તે કોન્ટ્રાક્ટર કે એજન્સીઓ સામે પગલાં લેવાનું કષ્ટ પણ ન લેતી હોવાનું ફલિત થઈ રહ્યું છે. થોડાં દિવસો પહેલાં સુરેન્દ્રનગર નજીક બળોલ અને દેવપરા ગામ વચ્ચેથી પસાર થતી નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું હતું અને તેની આસપાસનાં વિસ્તારોનાં ખેતરોમાં તેનાં પાણી ફરી વળ્યાં હતાં. હજુ આ કેનાલના આ ગાબડાંને પૂરવામાં આવ્યું નથી ત્યાં ફરી આવો જ એક બનાવ બનવા પામ્યો છે. છેલ્લાં કેટલાંક દિવસોમાં નર્મદા કેનાલમાં પડી રહેલાં ગાબડાં જોતા વિકાસમાં ગાબડાં પડ્યાં હોય એવું લાગી રહ્યું છે.
મળતી માહિતી પ્રમાણે નર્મદા કેનાલમાં ગાબડું પગવાનાં બનવો હવે રોજ બને છે. ત્યારે બોટાદના રાણપુર વિસ્તારમાં મુખ્ય કેનાલમાં ગાબડું પડ્યું હતું. સુંદરિયાણા અને ઝાળીયા વચ્ચેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ગાબડું પડતાં મોટી માત્રામાં પાણીનો વ્યય થયો હતો. વહી ગયેલા પાણી આજુ બાજુના ખેતરોમાં ફરી વળતાં ખેડૂતોનાં કપાસ સહિતનાં પાકને વ્યાપક નુકસાન થયું હતું. જેથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. હલકી ગુણવત્તાવાળા કામને લઈ આ પ્રકારે કેનાલમાં ગાબડાં પડતાં હોવાનું સ્થાનિકોનું માનવું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ઘણાં વિસ્તારોમાં અપૂરતાં વરસાદના કારણે પાણીના ધાંધિયા જોવા મળી રહ્યાં છે. જગતના તાતને સિંચાઈ માટે પૂરતાં પ્રમાણમાં પાણી નથી મળી રહ્યું અને તેના વિરોધમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ખેડૂતો પાણીનો પોકાર કરી રહ્યાં છે, પરંતુ બહેરી સરકારના કાને આ વાત અથડાતી નથી. આવી સ્થિતિનું નિર્માણ થયું હોવા છતાં સરકાર ખેડૂતોના દર્દને સમજી નથી શકી. ત્યારે આ પ્રકારે નર્મદાની કેનાલમાં ગાબડાં પડવાનાં કારણે જે લાખો લિટર પાણી વેડફાઈ રહ્યું છે તેનાં માટે જવાબદાર કોણ એ સવાલ સૌને સતાવી રહ્યો છે.