સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈમાં ચાલી રહેલાં ઘમાસાણ મામલે ભાજપનાં નેતા અને સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ નિશાન સાધતાં કહ્યું કે, સીબીઆઈનાં સ્પેશ્યલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના ભ્રષ્ટાચારી છે, પણ ડાયરેક્ટર આલોક વર્મા ઓનેસ્ટ અધિકારી છે.
એક દિવસની અમદાવાદની મુલાકાતે આવેલાં સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું કે, સીબીઆઈ અને ઈડીમાં જે ઘટનાક્રમ ચાલી રહ્યો છે તે અત્યંત દુઃખદ બાબત છે. યુપીએ સરકારનાં સમયથી હું ભ્રષ્ટાચારની લડત લડી રહ્યો છું. અને દેશ માટે ખુશીની વાત એ છે કે, ભ્રષ્ટાચારને જડમૂળમાંથી દૂર કરવા માટે નરેન્દ્ર મોદી જેવા વડાપ્રધાન મળ્યાં છે. તેમણે પણ ભ્રષ્ટાચાર સામે જંગ માંડ્યો છે અને તેનું જ આ પરિણામ છે.
અમદાવાદની નિરમા યુનિવર્સિટી ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા સ્વામીએ કહ્યું કે, યુપીએ સરકારનાં કાર્યકાળ દરમિયાન બેન્કોનાં અધિકારીઓ સાથેનાં મેળાપીપણાંનાં કારણે નિરવ મોદી, વિજય માલ્યા અને મેહુલ ચોક્સી જેવા ઉદ્યોગપતિઓ દેશની બેન્કોને કરોડોનો ચૂનો લગાવીને દેશ છોડીને ભાગી છૂટ્યાં છે ત્યારે તેમને ભારતમાં પરત લાવવા માટે કેન્દ્રની મોદી સરકાર કામ કરી રહી છે. અને આશા છે કે, આવનારા દિવસોમાં આ કામગીરી પણ સફળતાપૂર્વક પૂર્ણ થશે. તેમણે વડાપ્રધાન મોદીને એક સારા નેતા અને વડાપ્રધાન તરીકે ગણાવતાં કહ્યું કે, 2019ની ચૂંટણીમાં ભાજપ પૂનઃ સત્તા પર આવશે કેમ કે, ભાજપની વર્તમાન સરકારે પ્રજાલક્ષી કાર્યો કર્યાં છે અને ખાસ કરીને ભ્રષ્ટાચારીઓ સામે જે રીતે લાલ આંખ કરી છે તેને જોતાં આવનારી સરકાર પણ ભાજપની જ બનશે.