ભજન ગાયક અજય પાઠકની ઉત્તર પ્રદેશમાં પરિવાર સાથે હત્યા

ફેમસ ભજન ગાયક અજય પાઠક સહિત પરિવારની હત્યા, કીડનેપ કરેલા દીકરાનું શવ મળ્યુ

ઉત્તર પ્રદેશના શામલીમાં 2019ના છેલ્લા દિવસે જાણીતા ભજન સિંગર અજય પાઠકની હત્યા કરી દેવામાં આવી છે. સાથે જ તેમની પત્ની અને દીકરીની પણ હત્યા કરવામાં આવી છે. ત્રણેયની હત્યા ધારદાર શસ્ત્ર વડે તેમના જ ઘરમાં કરવામાં આવી છે. એટલું જ નહિ તેમનો 10 વર્ષનો દીકરો પણ ગાયબ હતો. પોલીસે તેમના દીકરાનુ અર્ધ બળેલું શવ હરિયાણાના પાનીપતથી પ્રાપ્ત થયું. અજય પાઠક, તેમની પત્ની અને દીકરીની હત્યા કરીને હત્યારાઓ તેમની જ કારમાં તેમના પુત્રને ઉપાડી ગયા હતા.

એક જ પરિવારના 4 સભ્યોની નિર્મમ હત્યાઃ

જાણકારી અનુસાર, અજય પાઠક(42) તેમની પત્ની સ્નેહલતા(38), દીકરી વસુંધરા(15) અને પુત્ર ભાગવત(10) સાથે રહેતા હતા. મંગળવારે પાઠક પરિવારના એકપણ સભ્ય ઘરની બહાર નીકળ્યા નહોતા. તે જ દિવસે સાંજે લગભગ 4 વાગ્યાની પાસે તેમના ભાઈ તેમને મોબાઈલ પર કોલ કરી રહ્યા હતા, પણ તે ફોન ઉપાડી રહ્યા નહોતા.

દીકરાને ઉપાડી ગયા, કરી હત્યાઃ

ફોન નહિ ઉપાડતા, તેમના પાડોશી અને પરિવારના સભ્યો તેમના ઘરે પહોંચી ગયા. ત્યાં જોયુ તો તેમના ઘરનો ગેટ ખુલ્લો હતો. જ્યારે તેઓ ઉપર પહોંચ્યા તો ગેટ પર તાળુ હતું. તાળુ તોડતા જ અંદર અજય પાઠક, તેમની પત્ની અને દીકરીનું શવ પડ્યું હતું. હત્યારાઓ ઘરના સીસીટીવી કેમેરાના ડીવીઆર પણ ઉપાડીને લઈ ગયા હતા.

અજય પાઠકનો પુત્ર ભાગવત અને તેમની કાર ગાયબ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી. પોલીસ અજય પાઠકના દીકરા અને તેમની કારની તપાસ કરી રહી હતી. ત્યારે તેમને જાણકારી મળી કે પાનીપતમાં એક ઈકો કારમાં બાળકનું અર્ધ બળેલુ શવ મળ્યું છે. પોલીસ પાઠકના પરિવારના સભ્યો સાથે પહોંચી તો મૃતક બાળક ભાગવત છે તેની જાણ થઈ.