અમદાવાદ,પહેલા લગ્નનો ભાંડો ફૂટી જતા પત્નીની ગેરહાજરીમાં ઘરમાંથી સોનાના દાગીના અને બેંક એકાઉન્ટમાંથી 60 હજાર રૂપિયા ઉપાડી
લઈ પતિ પલાયન થઈ ગયો છે. નિકોલ પોલીસે આ મામલે ફરાર રાકેશસિંહ ભીમસિંહ બિહોલા વિરૂધ્ધ ગુનો નોંધી તેની તલાશ
આરંભી છે.
કઠવાડા જીઆઈડીસીમાં આવેલી એસીપી કોલ્ડ કંપનીમાં નોકરી કરતા ચેતનાબહેને (ઉ.38) વર્ષ 2018ના એપ્રિલ મહિનાની 21
તારીખે રાકેશસિંહ ભીમસિંહ બિહોલા સાથે ઘીકાંટા કોર્ટમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ દંપતિ નરોડા પાટીયા અને ત્યારબાદ વડોદરા
ખાતે રહેવા ગયા હતા. વડોદરા ખાતેથી છોડાક મહિના અગાઉ અમદાવાદ આવેલું દંપતિ નિકોલ લાલકૃષ્ણનગર અડવાણી
એપાર્ટમેન્ટમાં રહેતું હતું. રાકેશ બિહોલા તેની પત્નીની માલિકીની ઈન્ડીકા કાર ઉબેરમાં ચલાવતો હતો.
ગત જૂન મહિનાની પાંચમી તારીખે રાકેશ બિહોલાને મયુરભાઈ વકીલે ફોન કર્યો હતો. જે ફોન ચેતનાબહેને ઉપાડતા પતિ રાકેશે
અગાઉ નટવરસિંહ ગોહીલની પુત્રી રીટા સાથે લગ્ન કર્યા હોવાનો ભાંડો ફૂટયો હતો. ગત રવિવારે સવારે 10 વાગે ચેતનાબહેન નોકરી
ઉપર હતા ત્યારે રાકેશ બિહોલાએ ફોન કરી ઘરે આરામ કરવા જઉં છું તેમ જણાવ્યું હતું. ત્યારબાદ ચેતનાબહેને પતિ રાકેશને ફોન
કરતા તેનો ફોન સ્વીચ ઓફ આવતા તેઓ ઘરે દોડી ગયા હતા. પાડોશી પાસેથી જાણવા મળ્યું હતું કે, પતિ રાકેશ થેલો લઈને ગયો છે.
જેથી ચેતનાબહેને ઘરમાં તપાસ કરતા સોનાની છ તોલાની ચાર બંગડીઓ અને અઢી તોલા વજનનો સેટ તેમજ બેંકમાંથી 60 હજાર
રૂપિયા રાકેશ ઉપાડી લઈ ફરાર થઈ ગયો છે.