ભાજપનાં પ્રધાન વિભાવરી દવે અંબાજી ગબ્બર પર દર્શને જતાં માતાજીની મૂર્તિ હટાવાતાં વિવાદ

અંબાજી, તા. 16

અંબાજીમાં માત્ર ગુજરાતની જ નહીં પણ દેશભરની આસ્થા છે, કારણ કે 51 શકિતપીઠ પૈકીની તે એક છે. 15મી ઓગષ્ટની ઉજવણી નિમિત્તે રાજયના પ્રધાન મંડળના સભ્યો વિવિધ જિલ્લામાં ગયા હતા, જેમાં રાજયકક્ષાના પ્રધાન વિભાવરી દવે દાંતામાં ધ્વજવંદન કરવાના હતા, પણ તે અગાઉ તેઓ અંબાજી મંદિર અને ગબ્બર ઉપર દર્શન કરવા જવાના હતા. ગબ્બર ઉપર અખંડ જયોતની આગળ મૂકવામાં આવેલી મૂર્તિને કારણે પ્રધાન અખંડ જયોતના દર્શન સારી રીતે કરી શકતા નથી તેવા કારણસર પ્રધાન આવતા અગાઉ જયોતની આગળ મૂકવામાં આવેલી માતાની મૂર્તિ મંદિરના અધિકારીઓએ હટાવી લીધી હતી. જો કે,  પ્રધાનને કારણે મૂર્તિ હટાવી લેવામાં આવી છે તેવી શ્રધ્ધાળુઓને ખબર પડતા તેઓ નારાજ થયા હતા જેના કારણે પ્રધાન વિભાવરી દવે દર્શન કરીને નિકળ્યા ગયા બાદ મૂર્તિ પરત તેના સ્થાને મૂકી દેવામાં આવી હતી. જોકે, આ બાબતે મંદિરના વહિવટદાર એસ.જે. ચાવડાએ જણાવ્યું હતું કે ગબ્બર પર મંદિરના ગોખમાં મૂર્તિ નથી પણ બહાર પંડિત મૂર્તિ લઈને બેસતા હોય છે જેના લીધે ગોખમાં જ્યોતના દર્શન બરોબર થઈ શકતા નથી તેથી આ મૂર્તિને હટાવી લેવા તંત્ર દ્વારા વારંવાર નોટિસ પણ આપવામાં આવી હતી પરંતુ આ મૂર્તિ હટાવાઈ નથી. જોકે, લોક લાગણીને ધ્યાનમાં રાખીને મૂર્તિને પાછી મૂકાવી દેવામાં આવી છે.

તા 14મી ઓગષ્ટના રોજ પ્રધાન વિભાવરી દવે દાંતા પહોંચી ગયા હતા. તેમને 15મીના રોજ ધ્વજવંદન કરવાનું હતું પણ તે પહેલાં તેમણે અંબાજી મંદિર અને ગબ્બરના દર્શન કરવાની ઈચ્છા વ્યકત કરતા આ અંગે તરત મંદિરના અધિકારીઓને પ્રધાન દર્શન કરવા આવી રહ્યા છે તેની જાણકારી આપવામાં આવી હતી. ગબ્બરની તળેટીમાં મંદિરની ઓફિસ આવેલી છે જેમાં ફરજ બજાવતા કલાર્ક યોગેશ જોષી તરત ગબ્બર ઉપર ગયા હતા અને તેમણે અખંડ જયોત સામે રહેલી મૂર્તી હટાવી લેવડાવી હતી. વર્ષોથી રહેલી મૂર્તિ હટાવી લેવામાં આવતા ત્યાં દર્શન કરી રહેલા શ્રધ્ધાળુઓને આઘાત લાગ્યો હતો. જો કે, મંદિરના અધિકારીઓ દ્વારા જાણકારી આપી હતી કે મંત્રી વિભાવરી દવે અખંડ જયોતના દર્શન સારી રીતે કરી શકે અને મૂર્તિ તેમને નડતર રૂપ બને નહીં તે માટે મૂર્તિ હટાવવામાં આવી છે.

જો કે, આ મામલે પ્રધાન વિભાવરી દવે જાણે છે અથવા તેમની જાણકારી વગર આ નિર્ણય લેવામાં આવ્યો તેની ખબર નથી પરંતુ આખી ઘટનાને કારણે શ્રધ્ધાળુઓ ખાસ્સા આધાત પામ્યા હતા. મંત્રી આવે તો ભગવાને પણ ખસી જવું પડે તેવું તો આપણા દેશમાં જ થાય.

કોણ શુ કહેવા માગે છે તે જાણવા અમે ફોન કર્યો ત્યારે શુ જવાબ મળ્યો ?

આ મામલે અમે વિભાવરી દવે શું કહે છે તે જાણવા માટે તેમના સરકારી મોબાઈલ ફોન ઉપર પ્રયત્ન કર્યો છતાં તેમનો ફોન નો રીપ્લાય થયો હતો અને ત્યાર બાદ તેમના તરફથી પણ કોઈ વળતો પ્રત્યુતર મળ્યો નહતો. આથી અમે વિભાવરી દવેના અંગત સચિવ નિતેશ પટેલનો સંપર્ક કરી ખરેખર મૂર્તિ કેમ હટાવી લેવામાં આવી તેવો પ્રશ્ન પુછતાં તેમણે આ ઘટના વખતે તેઓ રજા ઉપર હતા તેવું કારણ આપી તેઓ અજાણ હતા તેવો દાવો કર્યો હતો. જયારે અમે ગબ્બરની તળેટીમાં આવેલી ઓફિસના કલાર્ક યોગેશ જોષી જેમણે મૂર્તિ હટાવી હતી તે અંગે પુછતાં તેમણે કબૂલ કર્યુ હતું કે પ્રધાન વિભાવરી દવે આવે તે પહેલાં મૂર્તિ હટાવી હતી. જો કે, તેમણે પ્રધાનના આદેશને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે નહીં તેની જાણકારી નહીં હોવાનું જણાવતા કહ્યું કે અમને મંદિરના સિવિલ એન્જીનિયર મેવાડા તરફથી સુચના મળી હતી કે મૂર્તિની બેઠક ઊંચી હોવાને કારણે જયોતના દર્શન થઈ શકતા નથી. તેથી અમે મૂર્તિ હટાવી લીધી હતી. જો કે, આ મામલે શ્રધ્ધાળુઓ નારાજ થતાં અમે બપોર બાદ ફરી મૂર્તિ તેના સ્થાને ગોઠવી દીધી હતી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે માતાજીની આ મૂર્તિ પૌરાણીક નથી છતાં લોકોની આસ્થાનો પ્રશ્ન હોવાને કારણે મૂર્તિ ફરી ત્યાં મૂકી દેવામાં આવી છે.