ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પરપ્રાંતિયો પરનાં હુમલા બાદ ગુજરાતમાં

ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આવતીકાલે એક દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ દરવર્ષે નવરાત્રી દરમિયાન બીજાં નોરતાંએ પોતાનાં પૈતૃક ગામ માણસામાં સ્થાનિક મંદિરમાં પૂજા અર્ચના કરશે. આ ઉપરાંત તેઓ પ્રદેશ ભાજપનાં પદાધિકારીઓ સાથે બેઠક પણ યોજવાના હોવાનું જાણવા મળ્યું છે. તેઓ તેમનાં એક દિવસનાં ગુજરાત પ્રવાસ દરમિયાન તાજેતરમાં ગુજરાતમાં પરપ્રાંતિયો પર થયેલાં હુમલા અને તેનાં કારણે ઊભી થયેલી સ્થિતિની સમીક્ષા પણ કરશે.
હિંમતનગરનાં ઢૂંઢર ગામે માસૂમ બાળકી સાથે થયેલાં દુષ્કર્મ બાદ જે રીતે રાજ્યનાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત અમદાવાદમાં પરપ્રાંતિયો પર થઈ રહેલાં હુમલાનાં કારણે સમગ્ર દેશમાં ગુજરાત અને સરકારની છબિ ખરડાઈ છે. આટલું ઓછું હોય એમ પરપ્રાંતિયો અને તેમાં પણ ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારનાં લોકો પર થયેલાં હુમલાથી ભયભીત થઈને આ પ્રદેશનાં લોકો ગુજરાતમાંથી હિજરત કરી રહ્યાં છે. તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે નારાજગી વ્યક્ત કરીને રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને સખત શબ્દોમાં ઠપકો પણ આપ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બિહારનાં મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે વાત કરીને આ મામલે યોગ્ય કાર્યવાહી કરીને પરપ્રાંતિયો પર થઈ રહેલાં હુમલાને રોકવાની માંગણી કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
ત્યારે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવી રહેલાં અમિત શાહ આ મામલે પ્રદેશ ભાજપનાં પદાધિકારીઓ તેમ જ રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમ જ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ સાથે અલગથી બેઠક કરીને પરપ્રાંતિયોની હિજરતને રોકવા માટે કોઈ એક્શન પ્લાન તૈયાર કરશે એવું ભાજપનાં ટોચનાં સૂત્રોએ જણાવ્યું હતું.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ભાજપનું હાઈકમાન્ડ ગુજરાતમાં બનેલી ઘટનાઓથી એટલા માટે નારાજ છે કે, નવેમ્બરનાં અંતમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ઉપરાંત લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પણ ચાલી રહી છે ત્યારે ભાજપના મોડલ સ્ટેટમાં વર્ગવિગ્રહ, જાતિવાદની ઘટનાઓ પછી પ્રાંતવાદની ઘટનાથી ભાજપને રાષ્ટ્રીય સ્તરે ભીંસમાં મૂકાવુ પડ્યું છે. આ સંજોગોમાં ડેમેજ કંટ્રોલનાં ભાગરૂપે રાજ્યમાં પરપ્રાંતિયો પર હુમલા અટકાવવા માટે કવાયત હાથ ધરાઈ હોવાનું પણ સૂત્રોએ કહ્યું હતું.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમિત શાહ પોતાની આ મુલાકાત દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પાસેથી સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવી પરિસ્થિતિ પૂર્વવત કરવા તેમજ ગુજરાત છોડી ગયેલા પરપ્રાંતીયોમાં પુન: વિશ્વાસનું વાતાવરણ પેદા થાય તે માટે એક્શન પ્લાન પણ આપી શકે છે.
અમિત શાહની એક દિવસની મુલાકાત દરમિયાન તેઓ આ મામલા ઉપરાંત 2019ની લોકસભાની ચૂંટણી માટેની રણનીતિને પણ આખરી ઓપ આપે એવી શક્યતાઓ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તર ભારતીયો પર હુમલાની ઘટનામાં રાજ્ય સરકારે ગંભીરતા નહિ દાખવી હોવાનો કેન્દ્રીય IBએ રિપોર્ટ કર્યો છે. પોતાનાં અહેવાલમાં IBએ, ઉત્તર ભારતીયો પર પગલાં લેવામાં શરૂઆતમાં પોલીસ નિષ્ક્રિય રહી હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત ભાજપનું પ્રદેશ સંગઠન પણ આ મામલે નિષ્ક્રિય રહ્યું હોવાનું રિપોર્ટમાં કહેવાયું છે.