ભાજપના ઉમેદવારો નક્કી કરવા બેઠક શરૂ, 306ની દાવેદારી, કોણ કપાશે ?

17, 18, અને 19 માર્ચ એમ 3 દિવસ  માટે લોકસભા ચૂંટણી સમિતિ બેઠક શરૂ થઈ છે. જેમાં લોકસભાના નિરીક્ષકો અને જિલ્લા સંકલન સમિતિ સહિત મુખ્ય અગ્રણીઓની હાજરીમાં ઉમેદવાર અંગે ચર્ચા શરૂ થઈ છે. ભાજપના એક નેતાએ જણાવ્યું હતું કે લગભગ 306 જેવા નેતાઓએ લોકસભાની ચૂંટણી લડવા માટે દાવેદારી કરી છે. પણ ટિકિટ નક્કી એવા ઉમેદવારો અંગે હવે જાહેરાત કરાશે.

14,15,16 માર્ચ 2019ના રોજ જે તે લોકસભા બેઠક પર  જઈને ભાજપ પ્રદેશના નિરીક્ષકો દ્વારા 26 લોકસભાના ઉમેદવારો અંગે સૂચનો-અભિપ્રાયોનું કામ પૂર્ણ થયું છે. આજે 17મી માર્ચ 2019માં ગાંધીનગર ખાતે લોકસભા ચૂંટણી સમિતિની બેઠક મળશે.

17 માર્ચ, રવિવારે વડોદરા, ભરૂચ, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, વલસાડ, નવસારી, બારડોલી, સુરત, આણંદ અને ખેડા એમ, કુલ 11 બેઠકોની સમીક્ષા હાથ ધરવામાં આવશે.

18 માર્ચ, સોમવારે મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ એમ, કુલ 11 બેઠકોની સમીક્ષા હાથ ધરવામાં આવશે.

19 માર્ચ, મંગળવારે રાજકોટ, કચ્છ, પોરબંદર અને જુનાગઢ એમ, 4 બેઠકોની સમીક્ષા હાથ ધરવામાં આવશે.

ત્યારબાદ ગુજરાત લોકસભા ચૂંટણી સમિતિ લોકસભા બેઠકદીઠ સંભવિત નામોની યાદી તૈયાર કરી કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ સમક્ષ રજુ કરશે તેમ પ્રવક્તા ભરત પંડ્યાએ અંતમાં જણાવ્યું હતું.

ક્યારે ઉમેદવારો જાહેર થઈ શકે  ?

ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ 2019 છે, તેથી 25મી માર્ચ પછી બેથી ત્રણ તબક્કામાં ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરાશે.

કેટલા કપાશે

26 બેઠકો પર ભાજપે કાર્યકરોને સાંભળ્યા તેમાં હાલના સાંસદો સામે ભારે વિરોધ બહાર આવ્યો છે. વળી એક બાબત એવી પણ બહાર આવી છે કે, 2014માં જે રીતે મોદી લહેર હતી એવી આ વખતે નથી. તેથી ભાજપ કોઈ જોખમ ઊઠાવવા માંગતો નથી. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની નબળી કામગીરીના કારણે રાજ્ય સરકારનો કોઈ સારી અશર પ્રજામાં કે કાર્યકરમાં જોવા મળતી નથી. 2019ની લોકસભા ચૂંટણીની 26 બેઠકો પરથી 50 ટકા બેઠકો પર જોખમ છે. વિધાનસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે 150+ બેઠકો જીતીશું એવું કહ્યું હતું પણ માંડ 99 બેઠકો આવી હતી. તેથી બહુમતી ટકારી રાખવા માટે કોંગ્રેસના 5 ધારાસભ્યોને ભાજપમાં પક્ષપલટા કરાવીને લેવા પડ્યા હતા.

આમ થતાં જ્યાં સત્તા વિરોધી સૂર છે એવી 14થી 16 બેઠકો પરથી ટિકિટ કપાઈ શકે છે. જામનગર સહિત રાજ્યમાં 14 બેઠકો પર ભાજપ ઉમેદવારો બદલે તેવી શક્યતા છે. રાજકોટ, ભાવનગર, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, પોરબંદર, નવસારી, આદિવાસી વિસ્તારની 4 બેઠકો પર ઉમેદવારો બદલાય તેવી શક્યતા ત્રણ દિવસની કવાયત પથી ઊભી થઈ છે.

ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. જેને લઇને કોંગ્રેસ અને ભાજપમાં ઉમેદવારની પસંદગીનો દોર શરૂ થઇ ગયો છે. ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા ગુજરાતની લોકસભાની બેઠકો પરથી ઉમેદવારની પસંદગી માટે કાર્યકર્તાઓના સેન્સ લેવાની કામગીરી શરૂ કરી છે. ગઈકાલે એટલે કે ગુરુવારે ભાજપના નિરીક્ષકો દ્વારા અમદાવાદમાં સેન્સ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેના કારણે હવે પ્રદેશ ભાજપ ત્રણ નામ પર ચર્ચા કરીને ઉમેદવારોની પસંદગી કરશે. ગઈકાલે અમદાવાદની પૂર્વ બેઠક માટે મહેશ કસવાલા, મધુ પટેલ અને જગદીશ પટેલે ટિકિટ માંગી હતી, તો બીજી તરફ ભૂષણ ભટ્ટ, નિર્મલા વાધવાણી, માયા કોડનાની અને ચૈતન્ય શંભુ મહારાજે ટિકિટ માંગી છે. પરંતુ આ એક પણ નામ પર સર્વસંમતિ નથી મળી, ત્યારે હવે પક્ષ દ્વારા આ બેઠક પર સી. કે. પટેલ, મનોજ જોશી અને જગદીશ પંચાલના નામ પર ચર્ચા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, 2014 અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી પરેશ રાવલ ચૂંટણી લડ્યા હતા અને જનતાએ તેમને જંગી મત આપીને વિજયી બનાવ્યા હતા. ત્યારે હવે અમદાવાદના પૂર્વ વિસ્તારના લોકોએ સાંસદ પરેશ રાવલ પર એવા આક્ષેપો કર્યા છે કે, તેઓ ચૂંટણી જીત્યા પછી ક્યારેય પોતાના વિસ્તારના એકપણ નાગરિકની દરકાર લેવા આવ્યા નથી, તેઓ અભિનેતા બનવામાં સફળ રહ્યા પણ જનતાના પ્રતિનિધિ બનવામાં નિષ્ફળ રહ્યા અને સુત્રો પાસેથી એવી માહિતી મળી રહી છે કે, સાંસદ પરેશ રાવલે આ લોકસભાની ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો છે.

અમદાવાદ પૂર્વ વિસ્તારને ભાજપનો ગઢ માનવામાં આવે છે, ત્યારે હવે ભાજપ પણ ઈચ્છું રહ્યું છે કે, તે આ બેઠક પરથી એવા મજબૂત નેતાને ઉતારે કે જેનાથી ભાજપ પોતાનો ગઢ જાળવી શકે.

કોંગ્રેસે પહેલ કરી, 4 ઉમેદવારો જાહેર કર્યા

કોંગ્રેસે 4 ઉમેદવારો જાહેર કરી દેવા છતાં હજુ સુધી ભાજપના કોઈ ઉમેદવારો જાહેર થયા નથી. તેથી ભાજપ ગુજરાતમાં ભારે ફેરબદલ કરે એવી શક્યતા છે. ગુજરાતમાં 60 ટકા યુવા મતદારો હોવાથી ભાજપ યુવા ચહેરાઓ મેદાનમાં ઉતારવા પડશે. કોંગ્રેસના ઉમેદવારો જાહેર થયા પછી ભાજપના ઉમેદવારો જાહેર કરવામાં આવે તેવી શક્યતા વધું છે.

કોંગ્રેસના બે પક્ષપલટુ ધારાસભ્યોને સીધા મંત્રી બનાવાયા પછી ભાજપમાં અસતંષનો ચરૃ ઉકળવા લાગ્યો છે. તેથી ઘણા ફેરફાપો થશે.

સુરતમાં સેન્સ લેવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીને લઇને ભાજપ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, ભાવનાબેન દવે અને ભરત બારોટ સુરતના ભાજપ કાર્યાલય પર હાજર રહ્યા હતા અને ભાજપના કાર્યકર્તાઓ કોને ઉમેદવાર તરીકે પસંદ કરે છે, તે બાબતે કાર્યકર્તાઓ અને નેતાઓના મંતવ્યો લીધા હતા.

ઉલ્લેખનીય છે કે, સુરતની લોસભાની બેઠક પરથી સાંસદ દર્શના જરદોશ સતત બે ટર્મથી સાંસદ તરીકે ચૂંટાતા આવ્યા છે. પરંતુ સાંસદ દર્શના જરદોશનો સુરતના લોકોમાં કોઈ દબદબો નથી અને તેમની લોકપ્રિયતા પણ ઓછી થઈ ગઈ છે. સુરતના કેટલાક લોકોએ સાંસદ દર્શના જરદોશ પર એવા આક્ષેપો કર્યા છે કે, દર્શના જરદોશ પોતાના કાર્યકાળ દરમિયાન પોતાના વિસ્તારમાં ઓછાં અને ભાજપના કાર્યક્રમમાં વધારે જોવા મળ્યા છે. તેમણે પોતાના વિસ્તારમાં થતા ભાજપના કાર્યક્રમમાં જ વધારે ધ્યાન આપ્યું છે અને લોકોમાં તેમણે બહુ ઓછું ધ્યાન આપ્યું છે. આ વાતને લઇને હવે આ લોકસભાની ચૂંટણીમાં દર્શના જરદોશની ટિકિટ કપાઇ શકે તેવી સંભાવનાનો દેખાઈ રહી છે.

સુરતમાં ભાજપની વાત કરવામાં આવે તો સુરતમાં સુરતી અને સૌરાષ્ટ્રિયન નેતાઓની હરીફાઇ ચાલી રહી છે, ત્યારે હવે સુરતી નેતાઓને લોકસભાના ઉમેદવાર બનાવવા કે, સૌરાષ્ટ્રના નેતાઓને ઉમેદવાર બનાવવા એ હવે ભાજપ માટે વિચારણાનો વિષય બની ગયો છે. સુરતમાંથી સૌરાષ્ટ્રિયન નેતાઓની હરીફાઇમાં દર્શિની કોઠીયા અને નાનુ વાનાણીનું નામ ચર્ચાઈ રહ્યું છે, જ્યારે સુરતી નેતાઓમાં નીતિન ભજીયાવાલા, અજય ચોકસી અને પુર્ણેશ મોદીનું નામ આગળ ચાલી રહ્યું છે.