ભાજપના કુંવરજી સફળ કે નિષ્ફળ

કુંવરજી બાવળીયા ભાજપમાં જોડાયા પછી તેઓ ભાજપને ફાયદો કરાવવાના બદલે નુકશાન વધું કર્યું છે. જો કે રાજકોટ જિલ્લા પંચાયતમાં તેમના કોંગ્રેસ વખતના કેટલાંક ટેકેદારોઆ મળીને કોંગ્રેસની લોકપ્રિય જિલ્લા પંચાયત ઉખેડીને ફેંકી દેઈને લોકશાહી વિરુદ્ધ પગલાં ભર્યા છે. પણ તેઓ એક પ્રધાન તરીકે જોઈએ એવો દેખાવ કરી શક્યા નથી. વળી તેમનો ઉપયોગ ભાજપના કોળી નેતાઓ સામે કરવાનો હતો તે થઈ શક્યો નથી. વળી તેઓ ચોમાસામાં પાણી ભરાયા ત્યારે લોકોની વચ્ચે ગયા ત્યારે તેમનો ભારે વિરોધ થયો હતો. આમ ભાજપનું ઓપરેશન કુંવર સફળ થયેલું ઓછું દેખાઈ રહ્યું છે. જોકે કોંગ્રેસના નેતાઓ ખાનગીમાં કહે છે કે, જેમની જીંદગી કોંગ્રેસમાં નિકળી તે કોંગ્રેસના ન થયા તો ભાજપના કઈ રીતે થઈ શકે.

કોંગ્રેસના પીઢ અગ્રણી અને કોળી સમાજના નેતા એવા કુંવરજી બાવળીયાએ પક્ષાંતર કરીને ભાજપમાં જોડાવાનું પસંદ કર્યું છે. દર ચૂંટણી વખતે ભાજપ દ્વારા કોંગ્રેસમાંથી દિગ્ગજ નેતાઓ એક પછી એક પક્ષાંતર કરાવીને લઈ રહ્યાં છે. હજુ થોડા દિવસ પહેલાં જ કુંવરજી બાવળીયાએ જાહેર કર્યું હતું કે હું સંમેલન બોલાવી રહ્યો છું, પણ હું કોંગ્રેસથી નારાજ નથી. તેની વાતને હજુ ત્રણ દિવસ થયા છે અને અચાનક યુટર્ન તેમણે લીધો છે. અને હવે તે કહે છે કે કોંગ્રેસ સાથે તેમને વાંધો હતો. એટલે પ્રથમ તો તેમનું નિવેદન જે છે તે ફેરફાર થયેલું જોવા મળે છે. તેઓ બોલી રહ્યાં છે તે કરી રહ્યાં નથી આવું સ્પષ્ટ થાય છે. સૌરાષ્ટ્ર કોળી સમાજના આગેવાન અને રાજકીય અગ્રણી કુંવરજી બાવળીયા કોંગ્રેસથી નારાજ હોવાની વાતો ઉઠવા પામી હતા. પાર્ટી દ્વારા સતત એમની અવગણના કરાતી હોવાની લઇને તેઓ કોંગ્રેસ છોડી રહ્યા હોવાની અટકળો તેજ બનતાં ગુજરાતનું રાજકારણ ચર્ચાએ ચડ્યું હતું.

પ્રદેશ પ્રમુખ બનવું હતું.

કુવરજી બાવળીયાને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બનવું હતું. તેઓએ રાહુલ ગાંધીને મળીને આ અંગે માંગણી પણ મૂકી હતી. તેમ છતાં તેમની માંગણી સ્વિકારવામાં આવી ન હતી કારણ કે વયોવૃદ્ધ નેતાઓને રાહુલ ગાંધી પ્રદેશ પ્રમુખ બનાવવા માંગતા ન હતા. તેઓ યુવાન પ્રદેશ પ્રમુખ બનાવવા માંગતા હતા. તેથી તેમને પ્રદેશ પ્રમુખ બનાવવાના બદલે 45 વર્ષના યુવાન અમિત ચાવડાને કોંગ્રેસ પ્રમુખ બનાવાયા છે. આમ ત્યારથી તેઓ નારાજ હતા. તેમની એક મહત્વકાંક્ષા હતી કે તે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બને. જો કે, તેઓ અગાઉ બે વખત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ બન્યા હતા. ત્યારે પણ તેઓ કંઈ નવું કરી શક્યા ન હતા. ગુજરાતના લોકોનો તે પોતાની તરફ આકર્ષિત કરી શક્યા ન હતા. તેઓ અગાઉ બે વખત ચૂંટણી પણ હારી ચૂક્યા છે. તેમને સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી આપવામાં આવી હતી જેમાં સારો દેખાવ કરી શક્યા ન હતા.

સંમેલન બોલાવી બળવો

તેમણે પક્ષની વિરૂદ્ધ જઈને સંમેલન બોલાવ્યું હતું તેથી પક્ષ નારાજ હતો. શિસ્ત ભંગ હતો. તેઓ સંમેલન અંગે કહેતાં રહ્યાં હતા કે, સામાજિક સમરસતા સંમેલન બોલાવ્યું છે. જેમાં કોળી સમાજના જ લોકો આવશે, પરંતુ બહારથી કોઇ આવે તો આવી પણ જાય. નજીકના કાર્યકરો કે આગેવાનો આવશે. પરંતુ આ શક્તિ પ્રદર્શન નથી. આ એક સામાજિક સમરસતા સંમેલન છે. હું પક્ષથી નારાજ નથી. ભૂતકાળમાં પણ કાર્ય કર્યું છે અને આજે પણ એ જ નિષ્ઠાથી કાર્ય કરી રહ્યો છું. ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી અને કેટલાક અમારા કોંગ્રેસના લોકો આ વાત ઉછાળી રહ્યા છે. પરંતુ આવી કોઇ વાત નથી. આ વાત કરીને તુરંત તેઓ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. અને સત્તાની તેમણે માંગણી કરતાં તેમને શિક્ષણ પ્રધાન બનાવવામાં આવે એવું શક્ય છે. કોંગ્રેસના પૂર્વ નેતા કુંવરજી બાવળિયા કોંગ્રેસ સામે આકરા મૂડમાં જોવા મળ્યા. હાલ તેઓ કોંગ્રેસ સામે બળવાના મૂડમાં હોય એવું લાગી રહ્યું છે. તો કુંવરજી કોળી સમાજને એકત્ર કરીને કોંગ્રેસ સામે શક્તિ પ્રદર્શન કરશે.

રાજ્યસભામાં જવું હતું

કુંબરજી બાવળીયા મહત્વકાંક્ષી રાજકારણી છે. તેઓ કોંગ્રેસની સરકાર ન બનતા ખુશ ન હતા. તે અગાઉ તેઓ અહેમદ પટેલની સાથે જ રાજ્યસભામાં જવા માંગતા હતા. રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા કેટલીક વ્યૂહરચના બનાવવામાં આવી હતી. જેમાં જો ભરત સોલંકીને રાજ્યસભામાં મોકલવામાં આવે તો તેમના સ્થાને ગુજરાતમાં કુંવરજી બાવળીયાને આપવું એવું અંદરથી નક્કી કરી દેવાયું છે. પરંતુ તેમાં રાજકીય ઉથલ પાથલ થતાં તેઓ રાજ્યસભામાં જઈ શક્યા ન હતા.

વિરોધ પક્ષના નેતા બનવું હતું

કોંગ્રેસ સત્તા પર આવી નહીં એટલે કુંબરજી બાવળીયા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા એટલે કે વિરોધ પક્ષના નેતા બનવા માંગતા હતા. તે માટે તેમણે ભતસિંહ સોલંકી અને રાહુલ ગાંધીને કહ્યું પણ હતું. પણ તેમાં પણ યુવાન નેતાને સ્થાન આપવા માટે રાહુલ ગાંધીએ નક્કી કર્યું હતું. તેથી પરેશ ધાનાણીને વિરોધ પક્ષના નેતા બનાવાયા હતા. જેનાથી કુંવરજી બાવળીયા સખત નારાજ થયા હતા. પક્ષની નીતિની સામે તેઓ લડી લેવા માટે તૈયાર થયા હતા. અને થોડા મહિના પછી તેમણે સંમેલન બોલાવવાની જાહેરાત કરીને કોંગ્રેસ સામે બગાવતનું રણશિંગુ ફૂંક્યું હતું. વિધાનસભા પણ વિરોધ પક્ષના નેતા પદ માટે તેમનો દાવો હતો, તે ન બનાવાયા બાદ તેમને એક એવી આશા ઊભી થઈ હતી કે કોંગ્રેસ પક્ષના દંડક બનાવાશે. એવું તેઓ એવું માનવા લાગ્યા હતા. તે પણ બન્યું નહીં. કોંગ્રેસ સામે બીજો પડકાર એ ઊભો થયો છે કે. 2019ની લોકસભાની 50 ટકા સુધીની બેઠકો જીતવા માટે કુંવરજી બાવળીયા સફળ થઈ શકે તેમ નથી. તેની સામે બીજી બાજુ પક્ષ પર એવું દબાણ વધી રહ્યું હતું કે, ભાજપને લોકસભામાં ઓછી બેઠકો આપવી હોય તો પાટીદાર મત કોંગ્રેસ તરફ ખેંચાય તેવી વ્યૂહરચના કરવી પડે તેમ છે. કુંવરજી બાવળિયાએ પોતાનો દાવો જાહેરમાં રજુ કર્યો હતો. બાવળીયાનો દાવો હતો કે, કોંગ્રેસમાં સિનિયર ધારાસભ્ય તરીકે કાર્યરત છું અને ચાર વખત વિધાનસભા અને એક વખત સંસદની ચૂંટણી લડી ચૂક્યો છું તેવા સમયે કોંગ્રેસમાં વિપક્ષી નેતાપદ માટે દાવો કર્યો છે. કુંવરજી બાવળીયા ઉપરાંત સૌરાષ્ટ્રમાંથી જ વિક્રમ માડમે પણ વિપક્ષી નેતા બનવા માટેનો પોતાનો દાવો રજુ કર્યો છે.

રાહુલને મળ્યા

કુવરજી બાવળીયા પદ અને સત્તા મેળવવા માટે રઘવાયા થયા હતા. પોતાનો અસંતોષ દૂર કરવા માટે કુંવરજી બાવળીયાએ દિલ્હી જઈ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. મહત્વનું છે અત્યાર સુધી કુંવરજી બાવળીયા પોતાની નારાજગી વિશે કશું ખુલીને કહેતા નહોતા પરંતુ હવે જ્યારે કુંવરજી બાવળીયાએ પોતાના અસંતોષ અંગે જાહેરાત કરી ત્યારે પાર્ટીમાં પણ ખળભળાટ મચી ગયો હતો. ત્યારે હવે એ વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે કુંવરજી બાવળીયા પાર્ટીમાં થઈ રહેલી પોતાની અવગણનાથી ચોક્કસ નારાજ છે. મહત્વનું છે કે જસદણ કોંગ્રેસનો ગઢ ગણવામા આવે છે. મોદી લહેર હોવા છતા અહીં કોળી નેતા કુંવરજીભાઇ બાવળિયાનો પહેલાથી જ દબદબો રહ્યો છે. તો સાથે જ કુંવરજી બાવળીયા વરિષ્ઠ નેતાઓ પૈકી એક નેતા પણ છે. ત્યારે આમ છતા પણ કુંવરજી બાવળીયાની અવગણના કોંગ્રેસ પાર્ટીમાં થઈ રહી હતી એવું તેઓ દૃઢ પણે માનવા લાગ્યા હતા.

ભાજપે ઓફર આપી

જૂલાઈ મહિનાની શરૂઆતમાં કોળી સમાજને એકત્ર કરવા માટે ચક્રો પણ ગતિમાન કરી દેવામાં આવ્યા છે. જેના પગલે અખિલ ભારતીય કોળી સમાજ સંમેલન માટે સક્રિય થયું છે. એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસને દબાવવા માટે કુંવરજી ખેલ ખેલી રહ્યાં છે. કારણકે કોંગ્રેસમાં કુંવરજીને યોગ્ય સ્થાન મળ્યું નથી. તેમના જૂનિયરને વિરોધ પક્ષ અને પ્રદેશ પ્રમુખનું પદ આપી દેતા કુંવરજી બાવળીયા નારાજ છે. અગાઉ અમિત ચાવડા અને પરેશ ધાનાણીની નિયુક્તિમાં પણ તેમનો વિરોધ સામે આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે જીવાભાઈ પટેલના રાજીનામા બાદ કોંગ્રેસના બીજા સિનિયર નેતા કુંવરજી નારાજ થયા છે. ભાજપે તેમને ઓફર આપી હતી. તેઓ ગાંધાનગરમાં સોમવારે સારી એવી ચર્ચા કરી હતી અને ભાજપમાં જોડા માટે બાર્ગેનીંગ શરૂ કર્યું હતું. આખરે તેમની માંગણી ભાજપે સ્વિકારવી પડી હતી અને તેમને ધારાસભ્યના પદ વગર પ્રધાન બનાવવામાં આવ્યા છે. તેમણે અમિત શાહ સાથે ગુપ્ત બેઠક કર્યાની ચર્ચા હાલ ચાલી રહી છે.

લોક સેવા કે સત્તાનું રાજકારણ

કોળી આગેવાનો

કુંવરજી બાવળીયા જાહેરમાં સતત કહે છે કે મારી પાસે લોક સેવાનું ભાથું છે અને એટલે હું મેદાને જંગ જીતવા આવ્યો છું. લોકો માટે પીવાના પાણીના પ્રશ્નો, ઓવર બ્રિજ, ડ્રેનેજ, રોજગારી સહિતના મુદ્દા લઇને લોકોની સામે આવ્યો છું. મને ખાતરી છે કે અહીંના લોકો પારખું છે અને એટલે જ આ વખતે કોંગ્રેસની સાથે રહેશે. લોકોના પ્રશ્ન માટે આવ્યો છું. જો ખરેખર તેઓ લોકો માટે લડતાં હોય તો તેમનો મત વિસ્તાર જસદણ કેમ આજે પછાત છે. તે આગળ હોવો જોઈતો હતો. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી અને ત્યાંથી સારું એવું ફંડ તેઓ લાવી શક્યા હોત. ખરેખર તો તેઓ સત્તાના લાલચું રહ્યાં છે. ભાજપે સત્તા બતાવી એટલે તેઓ ભાજપમાં જતાં. 30 વર્ષ સુધી કોંગ્રેસ પક્ષમાં રહ્યાં તેને વફાદાર રહેવાના બદલે પક્ષાંતર કરીને ભાજપમાં જોડાઈ ગયા છે.

કોળી વાદના પ્રણેતા

8 નવેમ્બર 2017ના રોજ કુંવરજી બાવળીયાએ જ્ઞાતિ વાદી વાત કરી હતી તેમાં ચૂંટણીમાં ન્યાય માટે હવે કોળી સમાજ પણ બહાર આવ્યો છે. કોળી સમાજ ત્રીજા નંબરનો સૌથી વધારે મતદારો ધરાવતો સમાજ છે. અગાઉ પાટીદાર, ઠાકોર, રાજપુત સમાજે પણ જાહેરમાં આંદોલન કર્યા છે. હવે સમાજના ન્યાય માટે કોળી સમજ બહાર આવ્યો છે. અમદાવાદના બાવળા ખાતે એ સ્નેહ મિલન સંમેલન ગઈ રાતે યોજાયું હતું. જેમાં સાંસદ રાજેશ ચુડાસમા (ભાજપ), અખિલ ભારત કોળી પટેલ સમાજના પ્રમુખ કુંવરજી બાવળીયા (કોંગ્રેસ), ગુજરાત કોળી પટેલ સમાજના પ્રમુખ કાળુભાઈ ડાભી, માજી ધારાસભ્ય અને પૂર્વ પ્રધાન કરશનભાઈ પટેલ, બાવળા એપીએમસી ચેરમેન હરીભાઈ ડાભી, વાઈસ ચેરમેન રમેશ મકવાણા, ધંધુકાના ધારાસભ્ય લાલજી મેર, ભાજપ પ્રમુખ રમેશ મેર વગેરે હાજર રહીને એકતા બતાવી હતી. વિધાનસભામાં ટિકિટ ફાળવણીમાં કોઈ પક્ષ અન્યાય કરી નહીં શકે એવી એકતા બતાવી છે એવા પ્રવચનો થયા હતા. એવી ચીમકી આપી હતી કે, ટિકિટ ફાળવણીમાં કોઈ પક્ષ અન્યાય કરશે તો તે પક્ષ સામે લડી લેવાશે. જે પક્ષ કોળી ઉમેદવારને ટિકિટ નહીં આપે તો તે પક્ષ સામે બગાવત કરાશે.

પરસોત્તમ સોલંકી અને બાવળીયા સામ સામે આવશે

ભાજપ પાસે છેલ્લાં 22 વર્ષથી પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકી જેવા કોળી નેતાઓ છે. આ નેતાઓ ભાજપની નેતાગીરીને ખૂંચે છે. કારણ કે તે ભાજપના નેતાઓને ગાંઠતા નથી. પોતે જે ઈચ્છે તે કરવા માટે ગમે તે હદ સુધી જઈ શકે છે. બીજી તરફ, ભાજપ લોકસભા 2019ની ચૂંટણી પહેલા કોળી સમાજના માસ લીડરની શોધમાં છે. ત્યારે આગળ શું રાજકીય દાવપેચ ખેલાય છે તે આવનારો સમય બતાવશે. પણ એક વાત નક્કી છે કે, સોલંકી બંધુ કુવરજી બાવળીયાને કોઈ રીતે ચલાવી નહીં લે. તેમને પછાડવા માટે ગમે તે કરી શકે તેમ છે. કોળી સામાજના નેતા ઊભા કરવા માટે ભાજપે તનતોડ મહેનત કરી છે. કારણ કે ભાજપના તમામ નેતાઓ પરસોત્તમ સોલંકીનો વિકલ્પ શોધી રહ્યાં હતા. તે માટે અનેક કોળી નેતાઓ પ્રમોટ કર્યા પણ તેઓ ક્યારેય કોળી સમાજમાં સ્થાન મેળવી શક્યા ન હતા. તેથી હવે પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકીનો વિકલ્પ ભાજપને મળી ગયો છે અને તેનો પૂરો ઊપયોગ કરશે. સોલંકી બંધનું રાજકારણ હવે ખતમ કરી દેવા એક કોળી નેતા ભાજપમાં આવી ગયા છે. તેથી પરસોત્તમ સોલંકી અને કુવરજી બાવળીયા સામ સમે આવીને ઊભા છે.

ભાજપ લોકસભા જીતે તેમ હોય તો પક્ષાંતર શા માટે

ભારતીય જનતા પક્ષ લોકસભાની તમામ બેઠકો જીતે તેમ હોય તો તેઓ શા માટે કોંગ્રેસમાંથી આયાતી નેતાઓ લાવીને પક્ષાંતર કરાવી રહ્યો છે. જો જીત પાકી હોય તો આ રીતે કોંગ્રેસના નેતાઓને ઉછીના લેવાની કોઈ જરૂર પડે તેમ નથી. તેનો સીધો મતલબ એ થયો તે ભાજપ લોકસભાની ચૂંટણીમાં 26માંથી તમામ બેઠકો જીતી રહ્યો ન હોવાથી જીત માટે કોળી મત જરૂરી છે. તેથી તેઓએ કુવંરજી બાવળીયાને પોતાના પક્ષમાં પક્ષાંતર કરાવ્યું છે. જે રીતે પાટીદાર નેતા વિઠ્ઠલ રાદડીયા અને નરહરી અમીનને ભાજપમાં લાવીને ભાજપની સરકાર બનાવવાનો માર્ગ મોકળો કર્યો હતો. તેવું કોળી મતદારો માટે ભાજપે જ્ઞાતિવાદનું અને પક્ષાંતરનું રાજકારણ ખેલ્યું છે.