ભાજપના નામે કોંગ્રેસને બ્લેકમેઈલ કરી પત્નીને લોકસભાની ટિકિટ અપાવવા તૈયારી

અલ્પેશ ઠાકોર લાંબા સમયથી પોતાના માટે લોકસભાની ટિકિટ માગી રહ્યો છે. જો ટિકિટ ન આપે તો કોંગ્રેસ છોડી પક્ષાંતર કરીને BJPમાં જોડાઈ જવાનું પક્ષ પર દબાણ કરીને બ્લેકમેઈલ કરી રહ્યો છે. કોંગ્રેસ હાઇ કમાન્ડે અલ્પેશ ઠાકોરને સમજાવી લેવા માટે ઠાકોરની પત્નીને લોકસભા ટિકિટ આપવા તૈયાર છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે રાજ્યસભા સાંસદ અહેમદ પટેલે એવો નિર્ણય કર્યો છે કે અલ્પેશ ઠાકોરની પત્નીને લોકસભાની ટિકિટ આપીને હાલના તબક્કે અલ્પેશ ઠાકોરની નારાજગી દૂર કરવામાં આવે. જો તેમ નહીં થાય તો બીજા ચાર ધારાસભ્યો સાથે જોડાઇ જશે. રાહુલ ગાંધી હવે નક્કી કરશે. ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોરને કોંગ્રેસ હાઇ કમાન્ડનું તેડું આવ્યું છે. રાહુલ ગાંધી સાથેની મુલાકાત સમયે જ અલ્પેશ ઠાકોરની પત્નીને લોકસભા ચૂંટણી માટે ટિકિટ આપવી કે નહીં તે બાબતે અંતિમ નિર્ણય લેવાઇ તેવી શક્યતા છે.

અલ્પેશ ઠાકોરને ભાજપ લેવા તૈયાર નથી

ભાજપ અને કોંગ્રેસના હાલમાં જે સિનિયર નેતાઓ છે તેઓ હાલમાં જ્યાં છે ત્યાં પહોંચવા માટે તેમણે જિંદગીનો મોટો હિસ્સે ખર્ચી નાખ્યો હતો, પણ હાલમાં ભાજપ અને કોંગ્રેસની નવી નેતાગીરી આવી છે. તેમને તત્કાલ બધુ જ જોઈએ છે, જેમાં કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ઉત્તમ ઉદાહરણ છે. રાજકારણમાં આવીને ભાજપ અને કોંગ્રેસ બંને સાથે જુદી જુદી રમત રમી ટૂંકો ફાયદો શોધી રહ્યા છે. હજી 2017ની ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોરે ઠાકોર સમાજના ઉત્થાનના નામે સામાજિક આંદોલનની શરૂઆત કરી અને ઠાકોરની ભીડ ભેગી કરી. જે જોઈતુ હતું તે મેળવી લીધુ છતા હજી અલ્પેશ માની રહ્યા છે તેમને તેમની લાયકાત અને તાકાત કરતા ઓછુ મળ્યું છે.

વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત એક અગ્રણીય બિલ્ડર અને IPS અધિકારી જે અમીત શાહની ખૂબ નજીકના છે તેમના સંપર્કમાં રહી ટિકિટની માગણી સહિત વિવિધ માગણી મૂકી ભાજપમાં આવવાની તૈયારીઓ કરી હતી. અમીત શાહે તેમને ભાજપમાં લેવાનો ઈન્કાર કર્યો હતો. તેથી અલ્પેશને કોગ્રેસમાં જવું પડ્યું હતું.

ધારાસભ્ય થયા પછી અલ્પેશને અફસોસ થયો કારણ કોંગ્રેસ સત્તા સુધી પહોચી શક્યું નહીં, તેના કારણે ફરી અલ્પેશ ભાજપ સાથે ખાનગીમાં ચર્ચાઓ શરૂ કરી અને અમીત શાહનો સંપર્ક કર્યો, પણ અમીત શાહ પણ કાચા ખેલાડી નથી, તેમણે અલ્પેશને માપી લીધો હતો. અલ્પેશે શંકરસિંહ બાપુની સ્ટાઈલમાં કોંગ્રેસમાં અન્યાય થાય છે અને પ્રદેશના નેતાઓ સાંભળતા નથી તેવી ફરિયાદો કરી વારંવાર તેઓ ભાજપમાં જઈ રહ્યા છે તેવી હવા તેમણે જ પોતાના મળતીયા દ્વારા ઉભી કરી હતી. અલ્પેશ ત્રાગાઓને કારણે પ્રદેશના નેતાઓ થાકી ગયા છે.

લોકસભાની ચૂંટણી પહેલા અલ્પેશ ફરી પોતાના સાથીઓ સાથે તેઓ ભાજપમાં જઈ રહ્યા છે, તેવી વાતો ચોક્કસ માધ્યમો મારફતે વહેતી કરી હતી. જાહેરમાં તો તેઓ ભાજપમાં જવાના નથી તેવું જ કહ્યા છે. બે દિવસમાં થઈ રહેલી અટકળને કારણે કોગ્રેસ હાઈકમાન્ડે અલ્પેશને દિલ્હીને બોલાવ્યો હતો. અલ્પેશે ફરી રાહુલ ગાંધી સામે પોતાને થઈ રહેલા અન્યાયની યાદી રજૂ કરી હતી. દિલ્હી ગયેલા અલ્પેશ અને રાહુલ વચ્ચે બેઠક પણ થઈ છે અને રાહુલે પાસે પોતાની કેટલીક માગણીઓ પણ માનવામાં આવશે તેવું આશ્વાસન લઈ લીધું છે.

અલ્પેશને ભાજપ લેવા તૈયાર નથી, પણ તે ભાજપમાં જતા રહેશે તેવો ડર બતાડી કોગ્રેસની માયકાંગલી નેતાગીરીને તેઓ બ્લેક મેઈલ કરી રહ્યા છે. કોંગ્રેસે તેમને બધું આપ્યું છે. ઉત્તર ગુજરાતમાં અલ્પેશનો પ્રભાવ માનવામાં આવે છે પણ ત્યાં સૌરાષ્ટ્ર કરતાં ઓછા ધારાસભ્યો કોંગ્રેસના છે.

ઠાકોર સેનાના હોદ્દેદારોને અલ્પેશ ઠાકોર વન-ટુ-વન મળી રહ્યા છે અને બંધ બારણે તેમના અભિપ્રાય લઇ રહ્યા છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસનું હાઈકમાન્ડ પણ અલ્પેશ ઠાકોરને મનાવવા માટે એક્શનમાં આવ્યું છે. જેના કારણે અલ્પેશ ઠાકોરને દિલ્હીનું તેડું આવ્યું છે. ઠાકોર સેનાના હોદ્દેદારોના અભિપ્રાય લીધા બાદ અલ્પેશ ઠાકોરે 8 માર્ચના રોજ બપોરે બે વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરવાની જાહેરાત કરી હતી. અને આ પ્રેસ કોન્ફરન્સમાં તમામ પ્રશ્નો અને અટકળોના વિગતવાર જવાબ આપવાની વાત કહી હતી. પરંતુ, અલ્પેશ ઠાકોરને તાત્કાલિક ધોરણે દિલ્હી બોલાવવામાં આવ્યા છે, ત્યારે આ ચર્ચા શું રંગ લાવે છે એ તો કાલે જ ખબર પડશે.

ભાજપમાં જોડાય તો ઠાકોર સેનાના હોદ્દેદારો પણ તેમને સહકાર આપવા તૈયાર છે. ઠાકોરે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ જે કંઈ માહોલ ચાલે છે તેનાથી હું બિલકુલ અજાણ છું. મારી ઈમેજને, મને અને મારા લોકોને હાનિ પહોંચાડવા માટે આ કરવામાં આવી રહ્યું છે.