ઊંઝામાં ભાજપના નેતા નારાયણ પટેલ ભાજપ છોડશે ?
ઊંઝા APMCની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે આ ચૂંટણીને કારણે ઊંઝાનું રાજકારણ ગરમાઈ ગયું છે. ઊંઝા APMCમાં હાલ પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલના પુત્ર ગૌરાંગ પટેલ ચેરમેન પદે છે. અત્યારે ચૂંટણીની જે મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે, તેમાં નારાયણ પટેલની 10 જેટલી મંડળીને રદ્દ કરવામાં આવી છે. આ સાથે સહકારી મંડળીના વિભાગમાંથી ૩ મંડળીઓને રદ્દ કરવામાં આવી છે. મતદાર યાદીને લઇએ વિવાદ એટલા માટે સર્જાયો છે કારણ કે, જે વિભાગમાંથી ગૌરાંગ પટેલ ચૂંટણી જીતીને નિયામક મંડળના પ્રમુખ બન્યા હતા, તે તમામ મંડળીઓ મતદાર યાદીમાંથી રદ્દ કરવામાં આવી છે.
આ વાતને લઇને ઊંઝાના ભાજપના નેતા નારાયણ પટેલ કોંગ્રેસમાં જોડાઈ શકે તેવી શક્યતાઓ રાજકીય લોબીમાં સેવાઈ રહી છે ત્યારે નારાયણ પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મેં ઘણી વાર કહ્યું છે કે, હું કોઈ પણ સંજોગોમાં પક્ષ પલટો કરવાનો નથી. મને ગમે તેટલું મન દુઃખ હોય, પણ આ 82 વર્ષની ઉમરે મારું શરીર અભડાવવાનો નથી. શંકરસિંહ વાઘેલા સાથે મારે 50 વર્ષ જુનો સંબધ છે એટલે તેઓ મારા ઘરે વર્ષમાં 4 વખત આવે છે અને અમે સાથે જમીએ છીએ. એમનો દીકરો વર્ષમાં 25 વખત મારા ઘરે જમવા માટે આવે છે.
ભાજપ સાથે નારાજ હોવાની વાત પર તેમને જણાવ્યું હતું કે, ભાજપથી નારાજ હોવાની વાત પર હું બેઠક કરીને ખુલાસો કરવા તૈયાર છું અને મને બેઠક કરવા બોલાવશે તો હું બેઠકમાં ખુલાસો કરીશ. પરંતુ હું ક્યારેય કોંગ્રેસમાં જોડાઇશ નહીં. ઊંઝાની પેટા ચૂંટણીમાં ડૉક્ટર આશા પટેલે ભાજપના સંભવિત ઉમેદવાર હશે.
કોંગ્રેસ
લોકસભાની ચૂંટણીને લઇને પ્રદેશ કોંગ્રેસ દ્વારા ડેમેજ કંટ્રોલ કરીને કોંગ્રેસને મજબૂત બનવાના પ્રયાસ કરી રહી છે ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ. ચીમન પટેલના પુત્ર ઊંઝા વિધાનસભાની બેઠક પરથી કોંગ્રેસની દાવેદારી નોંધાવી શકે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. ઊંઝાની બેઠક સ્વ. ચીમન પટેલની પરંપરાગત બેઠક રહી હતી અને તેઓ આ બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી જીતીને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.રીપોર્ટ અનુસાર સિદ્ધાર્થ પટેલ ઊંઝાના કોંગ્રેસી આગેવાની મૂલાકાત કરી રહ્યા છે. સિદ્ધાર્થ પટેલે ઊંઝામાં ઉમિયા માતાના દર્શન કર્યા પછી, તે ઊંઝાના પાટીદાર અગેવાનોને મળી રહ્યા છે અને બેઠકો કરી રહ્યા છે. સિદ્ધાર્થ પટેલ દ્વારા ઊંઝામાં પાટીદાર આગેવાનોની સાથે અને કોંગ્રેસના નેતાની સાથે મૂલાકાતની દોર વધતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.