ગુજરાત જમીન વિકાસ નિગમ (જીએલડીસી)માં જળસંચયના લાખો કામોમાં કરોડોના કૌભાંડોનો રેલો ભાજપના નેતાઓ, પૂર્વ મંત્રીઓ સુધી પહોંચે તે પહેલા સરકારે તેને કાયમી ધોરણે બંધ કરવાનો નિર્ણય લઈ લીધો છે. મુખ્યમંત્રી સ્તરેથી આ દિશામાં કાર્યવાહી શરૂ કરી નિગમની કામગીરી કૃષિ, ગ્રામ વિકાસ અને સિંચાઈ વિભાગને વિભાજીત કરવા પણ કહી દેવાયુ છે. ચાલુ વર્ષે એપ્રિલમાં જીએલડીસીમાં એસીબીએ કરેલા સર્ચ ઓપરેશનમાં કરોડો રૂપિયાની રોકડ રકમ મેળવી હતી. પછીના ઘટનાક્રમમાં તો એમડી, ડે.ડિરેક્ટરથી લઈને કંપની સેક્રેટરીઓ સહિત અનેક ઓફિસરોની ધરપકડ કરાઈ હતી. જીએલડીસી દ્વારા ૨૦૦૭થી કરોડોના કૌભાંડોની ફરીયાદો મે-જૂન દરમિયાન રાજ્યભરમાંથી એસીબીને મળી હતી. એસીબીએ કરેલી તપાસમાં ૧૦ વર્ષમાં કાગળ ઉપર જ તળાવો ઉંડા કરવા, ચેકડેમ બાંધવા, તલાવડીઓ જેવા કામો દર્શાવીને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ચાંઉ કર્યાનો કાચોચિઠ્ઠો ખોલ્યો છે. જેમાં કૌભાંડી અધિકારીઓ સાથે સંબંધ ધરાવતા ભાજપના અનેક નેતાઓની સંડોવણી સામે પણ અંગુલીનિર્દેશ થયાનું કહેતા સુત્રોએ દાવો કર્યો કે, આ કેસમાં સીબીઆઈ તપાસ થાય તો આખી ભાજપ સરકાર સાણસામાં મુકાય તેવી સ્થિતિ છે. આથી, સરકારે આ નિગમને બંધ કરવાની તૈયારી શરૂ કરી છે.
૩.૭૬ લાખ તલાવડી, ચેકડેમોના કામોમાં કૌભાંડ
ખેડૂતોના નામે ગુજરાત સરકારે જીએલડીસીને વર્ષે રૂ.૨૦૦ કરોડના કામો સોંપ્યા છે. સરકારના રિપોર્ટ મુજબ જમીન સંરક્ષણ માટે સૌરાષ્ટ્રમાં જ ૧,૧૦,૦૦૦ અને દ. ગુજરાતમાં બે લાખથી વધુ કામો થયા છે. ૨,૬૧,૯૮૮ ખેત તલાવડીઓ અને ૧,૨૫,૫૪૧ બોરીબંધો બંધાયા છે. અનેક કામોમાં કૌભાંડો થયા છે. જીએલડીસીની ગેરરીતિઓ સંદર્ભે કેગના ઓડિટરોએ અનેક વખત સરકારની ઝાટકણી કાઢી છે.