ભાજપના નેતાની રાંચીમાં હત્યા કરવાનું કાવતરું નિષ્ફળ બન્યું

અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના પૂર્વ ઉપપ્રમુખ જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે કરી દીધા બાદ તેની ધરપકડ થઈ તેમાં તેમણે કેટલાંક રાજકીય રહસ્યો ખૂલ્લા કર્યા છે.  છબીલે પોલીસને કહ્યું હતું કે, કચ્છમાં જયંતી ભાનુશાળી નડતો હોવાથી તેનો કાંટો કાઢવા માટે મનીષા ગોસ્વામીએ તેને કહ્યું હતું. વોન્ટેડ મનીષા ગોસ્વામી, સુરજીત પરદેશી ઉર્ફે ભાઉ સહિત ત્રણ જણાનો એસઆઈટીને હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી.

શશીકાંત કાંબલે, અનવર શેખ અને વિશાલે લખનૌઉથી રૃ.1.30 લાખમાં ત્રણ પિસ્તોલ અને 15 કારતૂસો ખરીદ્યા હતા. જયંતી ભાનુશાળીને રાંચી કે જમશેદપુરની એક મહિલાના સંપર્ક દ્વારા હનીટ્રેપ રચીને રાંચી બોલાવી ત્યાં હત્યા કરવાનું આયોજન હતું. તેથી 11થી 15 ડિસેમ્બરમાં શશીકાંત, અનવર અને રાજુ કાતર નામનો અન્ય એક શખ્સ રાંચી રેલ્વે સ્ટેશનની નજીક આવેલી હોટેલ પેરેડાઇઝમાં રોકાયા હતા. જયંતી ભાનુશાળી દિલ્હીથી રાંચી જવાના બદલે અમદાવાદ ચાલ્યા જતાં કાવતરું નિષ્ફળ ગયું હતું.

છબીલ પટેલના મોબાઈલ નંબરના આધારે તેમના વોટ્સઅપ મેસેજની માહિતી મંગાવવામાં આવી છે. જેના આધારે અન્યની સંડોવણી બહાર આવી શકશે. બીજી તરફ આરોપી છબીલ પટેલ સાથે કચ્છમાં એલસીબીના પોલીસ કોન્સ્ટેબલ જયંતી મહેશ્વરી મદદ કરતો હોવાનું ખુલ્યું હતું. જેના આધારે કચ્છ એસપીએ તપાસ ડીવાયએસપીને સોંપી છે. જે આગામી દિવસોમાં તપાસ કરીને રિપોર્ટ આપશે.