રેશ્મા પટેલને હાર્દિક પટેલ પાસેથી ખૂંટલી લઈને ભાજપમાં લાવવામાં આવ્યા બાદ હવે રેશ્મા પટેલનો ભાજપ સામે બળવો કર્યો છે. પક્ષની વિરુદ્ધમાં લોકસભામાં પ્રચાર કરશે. તેમને ભાજપમાં લાવનારાઓ હવે પસ્તાઈ રહ્યાં છે. તેમ છતાં તેમને ભાજપમાંથી હાંકી કાઢવામાં નેતાઓ ડર અનુભવી રહ્યા છે.
પાટીદાર અનામત આંદોલનમાંથી ભાજપમાં જોડાયેલા રેશ્મા પટેલે ભાજપ સામે ખુલ્લમ ખુલ્લા બળવો કરી દીધો છે, તેમને અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ અને સીએમ વિજય રૂપાણી સામે પ્રહાર કર્યા હતા, કહ્યું કે ભાજપ વિકાસવાદ અને રાષ્ટ્રવાદની વાત કરી રહી છે એવા જ કામથી પ્રેરાઈને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો, વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને જીતાડવામાં તમામ પ્રયાસો કર્યા, લોકોના પડતર પ્રશ્નોનું સમાધાન થશે, પરંતુ એવું કઇ જ થયું નહી, સરકાર સમક્ષ અનેક રજૂઆતો કરી તેમ છંતા જનતાના પ્રશ્નોનો કોઇ જ ઉકેલ આવતો નથી, મહિલાઓ, ખેડૂતો, વિદ્યાર્થીઓના નામે ભાજપ માત્ર વોટબેંકની રાજનીતિ કરી રહ્યું છે.
રેશ્મા પટેલે કહ્યું કે, હું ઘણી માંગણીઓને લઈને ભાજપ સરકારને પત્રથી અને મૌખિક રજૂઆત કરી રહી છું, પણ તેમાં લાંબા સમયથી કોઈ સકારાત્મક પરિણામ નથી, મેં મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે કે પાટીદાર અનામત આંદોલનમાં શહીદ થયેલા પરિવારોને સરકારી નોકરી મળે પણ તેમાં સરકાર તરફથી કોઈ જવાબ મળ્યો નથી, સ્પર્ધાત્મક પરીક્ષા માટેની વયમર્યાદા 35થી વધારીને 40 વર્ષ કરવામાં આવે અને સ્પર્ધાત્મક પરીક્ષા આપી રહેલા બિન અનામત વર્ગના ઉમેદવારોની ફિ માફ કરવામાં આવે તેમ છંતા સરકારે અત્યાર સુધી કોઇ જવાબ આપ્યો નથી, બિન અનામત આયોગ અને નિગમની રચના થઈ ગઈ છે પરંતુ તેમાં રહેલી ખામીઓ દૂર કરવા પણ તેમને રજૂઆત કરી છે.
જો કે હજુ સુધી ભાજપે આ મામલે કોઇ ટિપ્પણી કરી નથી, અગાઉ પણ રેશ્મા પટેલ આડકતરી રીતે ભાજપ પર પ્રહાર કરી ચૂક્યા છે, પરંતુ હવે ભાજપ વિરુદ્ધ ચૂંટણી પ્રચાર કરવાની વાતથી પાર્ટી કદાચ તેમની સામે કોઇ પગલા લઇ શકે છે.