સાબરકાંઠામાં ભાજપના અગ્રણી સી. સી. શેઠના પુત્રની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. સી. સી. શેઠના પુત્રએ પટ્રોલ પંપ બંધ કરવા મુદ્દે પોલીસ સાથે બોલાચાલી કરી હતી અને મામલો બીચકતા પોલીસ દ્વારા સી. સી. શેઠના પુત્રની અટકાયત કરી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, સાબરકાંઠામાં આજે ભાજપ દ્વારા વિજય સંકલ્પ સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના દિગ્ગજ નેતાઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી, ત્યારે કાર્યક્રમની શરૂઆત પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીના આગમનને પગલે પોલીસ દ્વારા સાબરકાંઠામાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. બંદોબસ્તને લઇને પોલીસે કાર્યક્રમ સ્થળ નજીકના વિસ્તારમાં સુરક્ષાના ભાગરૂપે ચેકિંગ હાથ ધરી દુકાનો બંધ કરાવવાની કામગીરી કરી રહી હતી.
આ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, સભા સ્થળથી થોડા જ અંતરે આવલો એક પેટ્રોલ પંપ ખુલ્લો છે, ત્યારે પોલીસ પેટ્રોલ પંપને બંધ કરાવવા માટે પહોંચી હતી અને પોલીસે સી. સી. સેઠના પુત્ર ચિરાગને પેટ્રોલ પંપ બંધ કરવા જણાવ્યું, ત્યારે ચિરાગે પોલીસ સાથે બોલાચાલી કરી હતી. બોલાચાલી ઉગ્ર બનતા ઘર્ષણ પણ થયું હતુ, જેના કારણે મામલો થાળે પાડવા માટે પોલીસે સી. સી. શેઠના પુત્ર ચિરાગની અટકાયત કરી છે. ઉલ્લખનીય છે કે, સી. સી. શેઠને સાબરકાંઠા ભાજપના દિગ્ગજ નેતાઓમાંથી એક માનવામાં આવે છે અને જે પેટ્રોલ પંપ પોલીસ દ્વારા બંધ કરાવવામાં આવતો હતો, તે પેટ્રોલપંપના સંચાલક સી. સી. શેઠ પોતે છે.