ભાજપના પ્રધાન પરબત પટેલ ઊંધા માથે પટકાયા

2019ની લોકસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ સરકારી ઉદઘાટનો અને યોજનાઓનાં લોકાર્પણનાં કાર્યક્રમો દિવસે દિવસે વધી રહ્યાં છે. આજે બનાસકાંઠા જિલ્લાનાં દિયોદરનાં રૈયા ગામે આવાં જ એક ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને રાજ્ય મંત્રી પરબત પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. જોકે, આ ભૂમિપૂજનનો કાર્યક્રમ શરૂ થાય એ પહેલાં રાજ્ય મંત્રી પરબત પટેલ મંચ પર એકદમ જ પટકાયા હતાં. જેનાં કારણે થોડી અફરાતફરી મચી ગઈ હતી. જોકે, મંચ પર ઉપસ્થિત અન્ય આગેવાનો અને સિક્યોરિટી કર્મચારીઓએ પરબત પટેલને ઊભા કર્યાં હતાં. આ ઘટના બની ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ મંચ પર ઉપસ્થિત હતાં અને તેઓ પણ થોડાં હતપ્રભ બની ગયાં હતાં.
આ અંગે મળતી વિગતો અનુસાર દિયોદરનાં રૈયા ગામે કન્યા કેળવણી શાળાનું ભૂમિ પૂજન યોજાયું હતું. આ કાર્યક્રમમાં ભૂમિપૂજન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનાં હસ્તે રાજ્ય મંત્રી પરબત પટેલની ઉપસ્થિતિમાં કરવાનાં હતાં ત્યારે મંચ પર તેઓ પહોંચ્યાં હતાં. મંચ પર પરબત પટેલ પોતાની બેઠક પર જઈ રહ્યાં હતાં ત્યાં અચાનક જ તેઓ મંચ પર ઊંધા માથે પટકાયા હતાં. આ સમયે મંચ પર ઉપસ્થિત આગેવાનો અને પોલીસ કર્મચારીઓ હતપ્રભ બની ગયાં હતાં અને પરબત પટેલને મદદ કરીને તેમને ઊભાં કર્યાં હતાં. ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ રાજ્યમંત્રી પરબત પટેલને વાગ્યું નથી ને એવી પૃચ્છા કરી હતી. અને પછી કાર્યક્રમની શરૂઆત થઈ હતી.
આ ભૂમિપૂજનમાં ખાસ વાત એ હતી કે, શાળાનાં ભૂમિપૂજનનાં નામે યોજાયેલો આ કાર્યક્રમ શક્તિ પ્રદર્શનનો કાર્યક્રમ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કેમ કે વર્તમાન સાંસદ હરિભાઈ ચૌધરી આ કાર્યક્રમમાં હાજર નહોતાં અને એની પાછળ સૂત્રોએ એવું જણાવ્યું હતું કે, 2019ની લોકસભાની ચૂંટણીમાં હરિભાઈ ચૌધરીનાં સ્થાને બનાસકાંઠા જિલ્લાનાં સહકારી ક્ષેત્રનાં વરિષ્ઠ આગેવાન અણદાભાઈ પટેલનાં નામ અંગે વિચારણા ચાલી રહી છે અને તેનાં ભાગરૂપે આજે યોજાયેલો ભૂમિપૂજનનો કાર્યક્રમ તેમની શક્તિ પ્રદર્શનનો એક ભાગ હતો. આ કાર્યક્રમમાં 15 હજાર કરતાં વધુ જનમેદની ઉપસ્થિત રહી હોવાનું પણ સૂત્રોએ ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપમાં લોકસભાનાં ઉમેદવાર માટે અત્યારથી જ લોબિંગ શરૂ થઈ ગયું છે અને વર્તમાન સાંસદ વિરૂદ્ધ જે રીતે વિરોધનો વંટોળ શરૂ થયો છે તેનાં કારણે આગામી દિવસોમાં ભાજપમાં અને બનાસકાંઠા જિલ્લા ભાજપમાં આ પ્રકારનાં શક્તિ પ્રદર્શનો યોજાશે અને તેનાં કારણે નવાં સમીકરણો પણ રચાય એવી શક્યતાઓ નકારી શકાય નહિ.