સુરેન્દ્રનગરને કાળો ડાઘ
દિલીપ પટેલ
સુરેન્દ્રનગર પાલિકાની આવક રૂ.7 કરોડ છે અને રૂ.9 કરોડના કામોને સામાન્ય સભામાં મંજૂરી આપવાના વિવાદાસ્પદ કામનો ભારે વિરોધ થતાં અને રોડના કામમાં 40 ટકાનો ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ મૂકવામાં આવતાં ભાજપના પ્રમુખ પ્રમુખ વિપીન ટોળીયા ચાલુ બેઠકે ઊભા થઈને બેઠકનો બહિષ્કાર કરીને બહાર જતાં રહ્યાં હતા પણ ઉપ-પ્રમુખ જીજ્ઞા પંડયા બેસી રહ્યાં હતા. શોક બકોર વચ્ચે કોંગ્રેસ પક્ષના એક સભ્યએ એવો આરોપ મુક્યો હતો તો મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અહીં આવે અને તેની પાછળ રૂ.70 લાખનો ખર્ચ કરવામાં આવે છે. જે નાણાં અમારા શહેરના છે, તે પ્રજા માટે જ વાપરવા જોઈએ. નાણાંનો વ્યય ન થવો જોઈએ.
કોંગ્રેસના ચમનલાલ અને પ્રવિણભાઈએ ભાજપ દ્વારા મોટા ભાગના કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ મૂક્યો હતો. 40 ટકા કટકી થઈ રહી હોવાથી તે બંધ કરીને પ્રજાના કામો ગુણવત્તા યુક્ત કરવા માટે માંગણી કરી હતી.
ભાજપના જ સભ્યોએ ભ્રષ્ટાચારના આરોપ મુક્યા
વળી ખુદ ભાજપના જ સભ્યોએ સંડાસના કામોમાં ઉગ્ર રજૂઆત કરીને ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ પણ મૂક્યો હતો. ભાજપના ભાસ્કર દવેએ પોતાના પ્રમુખ વિપીન ટોળીયા, ઉપ-પ્રમુખ જીજ્ઞા પંડયાની હાજરીમાં ગંભીર આરોપ મૂક્યો હતો કે, શૌચાલયની કામગીરીમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આ સંભળીને પ્રમુખ પ્રમુખ વિપીન ટોળીયા, ઉપ-પ્રમુખ જીજ્ઞા પંડયા અવાચક બની ગયા હતા. પ્રમુખથી આ બાબત સહન ન થતાં કે પોતાના સભ્યોનો વિરોધ કરવા માટે પ્રમુખ પોતે સભાનો બહિષ્કાર – બોયકોટ કર્યો હતો.
મુખ્ય પ્રધાન પાછળ રૂ.70 લાખનો ખર્ચ
24 ઓક્ટોબર 2018માં સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાનું જનરલ બોર્ડમાં મુખ્યમંત્રી વિજય રૃપાણીના રાજ્યકક્ષાના સ્વતંત્રપર્વની ઉજવણીમાં રૂ.70 લાખના ખર્ચનો વિરોધ કરવામાં આવ્યો હતો. ભાજપના સદસ્ય ભાસ્કરભાઈ દવે દ્વારા પણ શૌચાલય તેમજ રોડ, રસ્તાના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો હતો. ભ્રષ્ટાચાર મુદ્દે વિરોધ થતાં ચીફ ઓફીસર અમીત પંડયા, પાલિકા પ્રમુખ વિપીન ટોલીયા અને કારોબારી સમિતિના ચેરમેન બકાલાલ પરમાર સહિતનાઓ ચાલુ બોર્ડને સદસ્યોની રજુઆતો સાંભળ્યા વગર ગણતરીની મીનીટોમાં બોર્ડ પૂર્ણ કરેલું જાહેર કરી સભાખંડમાંથી વોકઆઉટ કર્યું હતું.
વેરાની આંક કરતાં ખર્ચ વધું
સુરેન્દ્રનગરનગરપાલિકાને વિવિધ વેરા સબબ વર્ષે 7 કરોડ રૂપીયાની આવક મળે છે. તેમ છતાં પાલિકા દ્વારા લોકોને રોડ-રસ્તા, પાણી, ગટર જેવી પાયાગત સુવિધાઓ મળતા ભાજપના શાસકો સત્તા ભોગવી સુવિધા આપવામાં નિષ્ફળ ગયા હોવાની કોંગ્રેસે રજૂઆત કરી હતી. પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા દ્વારા અગાઉ વીજીલન્સ તપાસની માંગણી કરાઇ છે. સુરેન્દ્રનગર નગરપાલિકામાં 42 સુધરાઇ સભ્યોમાં ભાજપની બહુમતી છે. ભાજપ શાસિત નગરપાલિકાની ભ્રષ્ટ નીતી સામે વીજીલન્સ તપાસની માંગણી કરાઇ હી. પણ હજુ સુધી વિજય રૂપાણીએ તપાસ સોંપી ન હોવાથી હવે ભાજપમાં ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળી રહ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા મનીશ દોષીના જણાવાયા મુજબ માતબર રકમ વસૂલ કરાઇ છે. તેમ છતાં શહેરના નાગરીકોને પાયાની સુવિધા જેવી કે, શુધ્ધ પીવાનું પાણી, રોડ-રસ્તા, ગટર વ્યવસ્થા મુદ્દે સત્તાધીશો નિષ્ફળ રહ્યા છે. નગરપાલિકાના શાસકો દ્વારા તમામ કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે.
ભ્રષ્ટાચારની ગાંધીનગરમાં ફરિયાદ
સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા વિવિધ વિકાસના કામો અને સ્વચ્છતા અભિયાનના કામોમાં નિયમોને નેવે મૂકી મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની રાવ ઉઠી છે. ત્યારે નગરપાલિકાના પૂર્વ ચેરમેને નિયમો નેવે મૂકી થતાં કામની તપાસ માટે નગરપાલિકા નિયામકની કચેરી, ગાંધીનગર ખાતે લેખિત રજૂઆત કરી હતી. તેમાં પણ આજ સુધી કોઈ પગલાં લેવાયા નથી.
20 ટકાથી વધી 40 ટકા કટકી
સુરેન્દ્રનગર નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર અને પીવાના પાણીની લાઇન, સ્વચ્છતા અભિયાનમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની લેખિત રજૂઆત પાલિકાના પૂર્વ ચેરમેન જયેશ ચૌહાણે નગરપાલિકા નિયામકની કચેરી, ગાંધીનગરમાં કરી હતી. ગટર માટે આડેધડ ખોદકામ કરી રસ્તા યોગ્ય કરાયા નથી. ઉપરાંત પીવાના પાણીની લાઇન અઢી ફૂટના બદલે એક ફૂટ જ અંદર નાંખવામાં આવી છે. જેમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે. તેમ છતાં તે અંગે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોઈ જ પગલાં ન ભરવામાં આવતાં હવે ભ્રષ્ટાચાર 20 ટકાની કટકીથી વધીને 40 ટકાની કટકી સુધી પહોંચી ગયો છે.
સ્મશાનમાં પણ ભ્રષ્ટાચાર
સુરેન્દ્રનગર અને વઢવાણ નગરપાલિકા સમે ભ્રષ્ટાચાર અને અણઆવડતની આંગળી ચિંધાઈ રહી છે. સુરેન્દ્રનગર નગરપાલિકા વિસ્તારના મોક્ષધામમાં ઘણાં સમયથી ભઠ્ઠો બંધ રહેતી હતી. સળંગ સાત દિવસથી ઈલેક્ટ્રીક ભઠ્ઠી બંધ રહેતી હતી તેથી મૃતદેહનો અંગ્નિ સંસ્કાર થઈ શકતો નથી. અગ્નિસંસ્કાર માટે રઝળપાટનો ઘાટ સર્જાતો હતો. જેમાં પણ ભ્રષ્ટાચારની ફરિયાદો ઊઠી હતી.
સુરેન્દ્રનગર ભાજપમાં મોટું ભંગાણ
31 ઓક્ટોબર 2015માં કાયમી કોંગ્રેસને મજબૂત બનાવવા માટેનું કામ કરનાર મોહનલાલ પટેલ નારાજ થઈ ભાજપમાં લાવવા ભાજપ જીલ્લા પ્રમુખ સફળ તો થયા પણ મોહનલાલને જાળવી શકયા જ નહીં. અંતે મોહનલાલે પાટીદાર માટે ભાજપ સાથે ન બનતાં ભાજપને મોટો ફટકો પડ્યો હતો. ત્યાર બાદ ભાજપને જિલ્લામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. જેમાં હવે ભ્રષ્ટાચારના આરોપો પણ કરવામાં આવી રહ્યાં છે.
3 મહિનામાં જ રોડ તૂટી ગયો
જાન્યુઆરી 2018માં કલેકટર પાસે નગરમા બનાવવામા આવેલા ખરાબ રોડ અને જે રોડ બનાવવામાં આવ્યા તે માત્ર ત્રણ માસમાં તૂટી ગયા હોઈ આચરવામા આવેલા વ્યાપક ભ્રષ્ટાચાર મામલે પણ ઉગ્ર રજૂઆત કરવામા આવી હતી. ઉપરાંત પીવાના પાણી અને ગંદકી મામલેના પ્રશ્નોનુ નિરાકરણ લાવવા પણ માંગણી કરવામાં આવી હતી. જે અંગે કલેક્ટર કે. રાજેશ અથવા નિવાસી અધિક કલેક્ટર એન ડી ઝાલા દ્વારા કોઈ પગલાં આજ સુધી લેવાયા નથી. મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ પણ તેમને કંઈ કહી શકતાં નથી. સુરેન્દ્રનગર જીલ્લાનાં વઢવાણ તાલુકાનાં ભદ્રેશી ગામે સરકારની વિવિધ યોજનાઓ હેઠળ થયેલ શૌચાલય તેમજ ખાળકુવાનાં કામ માં વ્યાપક પ્રમાણે ભ્રષ્ટાચાર આચરી ગેરરીતિ આચરવામાં આવી હતી. તપાસ હાથ ધરવા જીલ્લા વિકાસ અધિકારી ને લેખિતમાં રજુઆત કરાયેલી હતી, જેમાં પણ પગલાં ભરાયા નથી.
રિવરફ્રંટમાં ભ્રષ્ટાચાર
12 જુલાઈ 2017માં સુરેન્દ્રનગરપાલિકા દ્વારા ભોગાવા નદી પર રીવાઇન્ડીંગ વોલ અને રોડની કામગીરીમાં ટેન્ડરની શરતોનો ભંગ કરીને ભ્રષ્ટાચાર અચરાયો હોવાની લેખિત રજૂઆત કોંગી કાર્યકરોએ કલેકટરને કરી હતી. તેમાં પણ 25 ઓક્ટોબર 2018 સુધી કોઈ પગલાં લેવાયા નથી. સુરેન્દ્રનગર ભોગાવા નદી પર રીવર ફ્રન્ટ બનાવવામાં ટેન્ડરની શરતોને અવગણીને કામગીરી હાથ ધરી ભ્રષ્ટાચાર આચરાયો હોવાની લેખિત રજૂઆત કોંગી કાર્યકરો દ્વારા અધિક કલેકટર ચંદ્રકાંત પંડ્યાને કરાઇ હતી. ટેન્ડરની શરતો મુજબ કોન્ટ્રાકટરની માલીકીનો 20 કી.મી.ના એરીયામાં એસફાલ્ટ ડોટ મીકસ પ્લાન્ટ હોવો જરૂરી છે. રજૂઆતમાં કમલેશ કોટેચા, રોહીત પટેલ, ભવાની ડોડીયા, સતીષ ગમારા, નરેન્દ્ર મુંજપરા, કનેશ સોલંકી હતા.
પ્રજા વિરોધી વેરાના નામે ત્રાસવાદ
સુરેન્દ્રનગર પાલિકા દ્વારા 2 દિવસમાં વેરો ભરવાની તાકીદ કરવામાં આવી હતી, વેરો નહીં ભરનાર વેપારીઓની દુકાન પર ઢોલ વગાડી મિલકત જપ્તી સહિતની કાર્યવાહીની ચીમકી આપવામાં આવી હતી. ચીફ ઓફિસર અમીત પંડયા, વ્યવસાય વેરા અધિકારી છત્રપાલ ઝાલા અને પદુભાઈ પરમાર દુકાને દુકાને ફર્યા હતા. બે દિવસમાં નહીં આવો તો જપ્તી અને સ્થળ ઉપર આવીને ઢોલ વગાડવામાં આવશે. વ્યવસાય વેરો ન ભરતી 35 ખાનગી શાળાઓ સામે પોલીસ કેસ કરવા પાલિકા દ્વારા ચીમકી પણ આપી છે. જે એક પ્રકારનો વેરા ત્રાસવાદ છે. કેન્દ્ર સરકારે એક જ વેરો રાખેલો છે તો પછી વ્યવસાય વેરો શા માટે એવો પ્રશ્ન પણ પ્રજા પૂછે છે.
વકીલો પર વેરા વસૂલી
સુરેન્દ્રનગર નગરપાલિકા ચીફ ઓફિસર અમીત ભાઇ પંડ્યા દ્વારા સુરેન્દ્રનગર બાર એસોસીએશનના પ્રમુખ ને 300 વકીલો વ્યવસાય વેરો ભરી જાય તે માટે જાણ કરી હતી. એમાં બે દીવસ પેલા સુરેન્દ્રનગર નગરપાલિકાના વ્યવસાય વેરા અધિકારી છત્રપાલ ઝાલાએ વકીલો સામે આ બાબતે આકરા પગલાં ભરવા માટે ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. શું વેરો ન ભરે તો તેમની ઓફિસો સીલ કરશે ? મોટા ભાગના વકીલો માને છે કે વ્યવસાય વેરો એ અન્યાય છે. GST એકજ વેરો હોવો જોઈએ.
બોર્ડમાં તે આરોપ થયા તે આ કામ
વોર્ડ નં.11માં આવેલા શ્યામલ કુંજ સોસાયટી તેમજ આર્યશ્રી સોસાયટીમાં રૂ.73 લાખના ખર્ચે મેટલીંગ કામનું ખાતમુહુર્ત કરાયું હતું. સરકારના નિયમ મુજબ અહીં કામની રકમ, કોન્ટ્રાક્ટર, કામ પૂરું કરવાની તારીખ, ટેન્ડરની શરતો, ગુણવત્તા વગેરે બાબતો અંગે જાહેરમાં વિગતો મૂકવી ફરજિયાત છે. તેમ છતાં તે મૂકવામાં આવી ન હતી. ધારાસભ્ય લાખા સાગઠીયા, પૂર્વ કોર્પોરેટર રાજુ બોરીચા, પ્રવિણ પાઘડાર, મહામંત્રી સંજય દવે, આ વિસ્તરના ભાજપ અગ્રણી મયુરી ભાલારા, વિક્રમ વિઠ્ઠલાણી, કાના રાતડીયા, અરઝન આહીર, વિશ્વ મલી વિગેરે લોકો હતા. પણ અહીં કામની જાહેર વિગતો મૂકવામાં આવી ન હતી. તેથી ભ્રષ્ટાચારના આરોપો આજે લોકો પણ લગાવી રહ્યાં છે. આવું જ વોર્ડ નં.૫માં આડો પેડક રોડ જાહેર માર્ગ પર ફુટપાથ અને ડામરપટ્ટી વચ્ચેના પડખામાં પેવીંગ બ્લોક નાખવાના કામ અંગે હજું.
કોંગ્રેસ ભાજપ ભ્રષ્ટાચારમાં ભાઈ-ભાઈ
25 સપ્ટેમ્બર 2016માં સુરેન્દ્રનગરદૂધરેજ નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસે એક પાટલીએ બેસીને વિવિધ યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાની રાવ સાથે પાલિકાના પૂર્વ ચેરમેને હાઇકોર્ટના દ્વાર ખટખટાવતા ચકચાર ફેલાઇ છે. ભાજપની સ્પષ્ટ બહુમતી આવ્યા બાદ કોંગ્રેસના 14 જેટલા સભ્યો ભાજપમાં ભળી ગયા હતા. ભાજપ અને કોંગ્રેસના સભ્યોની મીલીભગતથી કરોડોનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યાની રાવ સાથે સુરેન્દ્રનગર પાલિકાના પૂર્વ ચેરમેન જયેશભાઇ લાલજીભાઇ ચૌહાણે હાઇકોર્ટમાં ફરિયાદ કરી હતી. શહેરમાં ગરીબોને રહેવા માટે આવાસ, રસ્તાની કામગીરી, ભોગાવોની કામગીરી, મજૂર સપ્લાય, ગટરો સહિતના કામોમાં કોન્ટ્રાકટરો, પ્રમુખ, પાલિકાના ચીફ ઓફિસર, ઇજનેર સહિતનાઓએ મીલી ભગત કરી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપ અને કોંગ્રેસના તમામ સભ્યો સામે ભ્રષ્ટાચાર ધારા હેઠળ કેસ દાખલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી હતી. આજ મુદ્દો કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ઉઠાવ્યો હતો, તેમણે ભ્રષ્ટાચારના આરોપો બાદ ભેદી મૌન ધારણ કરી લીધું હતું. તેથી લોકો તેમના તરફ પણ આંગળી ચીંધી રહ્યાં છે. અહીંના ભાજપના વગદાર નેતા આઈ.કે.જાડેજા પોતાના પક્ષના આ નેતાઓને અંકૂશમાં રાખવાના બદલે તેમને પ્રોત્સાહન આપતાં હોય તેમ તેઓ મૌન બેસી રહે છે. તેથી ભાજપને પારાવાર નુકસાન થઈ રહ્યું છે. આ માટે મુખ્ય અધિકારી દર્શનસિંહ કે. ચાવડા પણ જવાબદાર છે.
ચૂંટાયેલી પાંખ પણ જવબદાર
પ્રમુખ વિપીન ટોળીયા, ઉપ-પ્રમુખ જીજ્ઞા પંડયા, સભ્યોમાં – અનીતા સોલંકી, શોભના ગોવીંદીયા, મલા ગરીયા, મહેબુબ મલેક, પુર્વી પરમાર, જશુ ધોપાળ, જામા ગરીયા, પ્રવિણ ચૌહાણ, રંજન નંદાસીયા, ડો. સિધ્ધેશ વોરા, લાલા મોરી, ચંદ્રીકા સાવડીયા, હંસા નંદીયાણીયા, ધર્મેન્દ્ર દોશી, પ્રિયંકા પટેલ, રમીલા કાલીયા, અશોક પરમાર, બીપીન ખાંભલા, શાંતુ પરમાર, મરીયમ મમાણી, ગૌતમ પરમાર, હાસમ જામ, શીવાની ઝાલા, જશુ સોરીયા, કમલેશ દોશી, ભાસ્કર દવે, કૈલાશ ડાબેચા, રંજન રોજાસરા, જસુભાઈ ઝાલા, શંકર સીંધવ, લક્ષ્મી ભડાણીયા, વસંત વેગડ, ચમન ચાવડા, ભાવેશ પ્રજાપતી, દક્ષા પરમાર, લીલા પાટડીયા, ઇશ્વર વેગડ, બચુ વેગડ, ગીતા મકવાણા, ઉર્મી ત્રીવેદી, પ્રેમજી ટુંડીયા તથા છેલા મકવાણાનો સમાવેશ થાય છે.
સૌથી મોટા કૌભાંડો અત્યારે
સુરેન્દ્રનગર નગરપાલિકા 15 સપ્ટેમ્બર 1949થી અસ્તિત્વમાં આવી હતી. 17 નવેમ્બર 1994માં દૂધરેજ ગામ નગરપાલિકામાં ભળતા સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકા કે જે સુરેન્દ્રનગર, જોરાવરનગર,રતનપર અને દૂધરેજ વિસ્તારનો વિસ્તાર સમાવિષ્ટ થઇ કુલ 36.87 ચો.મી.નો વિસ્તાર છે. જ્યા આજ સુધી ન થયા હોય એવા ભ્રષ્ટાચાર થઈ રહ્યાં છે. છતાં પ્રમુખ, મુખ્ય અધિકારી, કલેક્ટર, મહેસૂલ અને શહેરી વિકાસ પ્રધાન તથા મુખ્ય પ્રધાન આંખઆડા કાન કરી રહ્યાં છે. તે તમામની સંયૂક્ત જવાબદારી છે તેઓ સાથે પગલાં ભરે.