ભાજપના સાંસદ પ્રભાતસિંહે પોતાના પૂત્રને બૂટલેગર જાહેર કર્યો પણ સરકારે કોઈ પગલાં લીધા નહીં

26 નવેમેબર 2017માં ભાજપના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે વિધાનસભાની ચૂંટણીમાં જાહેર કર્યું હતું કે તેમનો પુત્ર દારુનો ધંધો કરે છે. તેને એક વર્ષ થવા આવ્યું પણ સરકારે હજું સુધી કોઈ પગલાં લીધા નથી.

પંચમહાલ જિલ્લાના કાલોલ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની કરેલી જાહેરાત પહેલા ઊભા થયેલા વિવાદનો મધપૂડો ઉમેદવારની જાહેરાત કર્યા પછી પણ સતત છંછેડાયો છે. પૂત્રવધુના નામની જાહેરાત થતાં અકળાયેલા સાસુએ સાંસદ પતિને સોશિયલ મીડિયા પર ગઇકાલે આપેલી ધમકી બાદ ભડકી ઉઠેલા સંસદસભ્યએ ભાજપાના રાષ્ટ્રિય પ્રમુખ અમિત શાહને સ્ફોટક પત્ર લખ્યો છે. જેમાં તેમણે કાલોલની ટિકિટ બુટલેગરની પત્નીને આપી હોવાથી પાર્ટીને ભયાનક નુકસાન થશે તેવી દહેશત વ્યક્ત કરી છે. અલબત્ત, તાજેતરમાં કોંગ્રેસ છોડીને ભાજપામાં જાડાયેલો આ બુટલેગર પ્રવિણસિંહ ચૌહાણ પણ તેમનો દીકરો જ હોવાથી પંચમહાલ પંથકમાં પુન: ભડકો થયો છે.

પંચમહાલ જિલ્લાના સંસદ સભ્ય પ્રભાતસિંહ ચૌહાણે ભાજપાના પ્રદેશ હેડક્વાર્ટર કમલમ્ ખાતે જઇને અમિત શાહને લખેલા એક પત્રમાં કાલોલ બેઠક પર ફેર વિચારણા કરવા માટે માંગણી કરી હતી. આ બેઠક પર તેમના પૂત્ર પ્રવિણસિંહ ચૌહાણની પત્ની સુમનબેનને ફાળવવાનો ભાજપા તરફથી નિર્ણય લેવાયો હતો. આ અગાઉ આ બેઠક પ્રભાતસિંહ ઘોઘંબા તાલુકા પંચાયતના પ્રમુખ તથા તેમના

પત્ની રંગેશ્વરી ચૌહાણ (રાઠવા)ની દાવેદારી કરાવી હતી. તેમને ટિકિટ નહીં આપે તો અપક્ષ ઉમેદવારી કરવાની પક્ષને ધમકી આપી હતી. પરંતુ પ્રદેશના નેતાઓ દ્વારા પ્રભાતસિંહની સાથે બેઠક કરીને આખી વાતને દબાવી દીધી હતી. ત્યાર પછી તેમના પત્નીના બદલે દીકરાની પત્નીના નામની જાહેરાત થતાં સાંસદ પત્ની રંગેશ્વરીબેન છંછેડાયા હતા. એટલે સુધી કે તેમણે તેમના ફેસબુક પેજ પર પ્રભાતસિંહ ચૌહાણને ખુલ્લો પડકાર ફેંક્યો હતો.

આ ઘટના બાદ ગઇકાલે બપોર પછી એંકાતમાં જતા રહેલા સાંસદ પ્રભાતસિંહે ગાંધીનગર પહોંચીને પત્ર આપ્યો હતો. જેમાં તેમણે દીકરા પ્રવિણની સામે ભયાનક આક્ષેપ કર્યા હતા. તેમણે પ્રવિણને બૂટલેગર ગણાવીને જણાવ્યું હતું કે, ૨૦૦૭માં તે કાલોલ બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે પણ ઊભો રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જો કે, તેમાં ભાજપાનો ઉમેદવારી જીત્યો હતો, ત્યાર પછી ૨૦૧૨માં ભાજપામાં તેને પ્રવેશ આપવામાં આવ્યો ત્યારે તેને ગોધરા બેઠક ફાળવવામાં આવી હતી, જેમાં તે કોંગ્રેસના ઉમેદવાર સી. કે. રાઉલજીની સામે હારી ગયો હતો. ત્યાર પછી તે કોંગ્રેસમાં ગયો હતો, પરંતુ તાજેતરમાં તે સી. કે. રાઉલજીની સાથે જ કોંગ્રેસમાંથી ભાજપામાં આવ્યો હતો. તે વખતે તેને ટિકિટ આપવામાં વચન અપાયું હતું.

મારી રાજકીય કારકિર્દી ખતમ કરવાની સી.કે. રાઉલજીની ચાલ

શંકરસિંહ વાઘેલાના નિકટના મનાતા ગોધરાના ધારાસભ્ય સી. કે. રાઉલજીની મારી રાજકીય કારકિર્દી ખતમ કરવાની ચાલ હોવાનો પ્રભાતસિંહ ચૌહાણે સીધો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, રાજ્યસભાની ચૂંટણી આવતાં જ રાઉલજી કોંગ્રેસમાંથી કૂદીને ભાજપામાં આવ્યા હતા. પ્રવિણને ભાજપાની કાલોલ ટિકિટ આપવાની બારોબાર ખાતરી આપીને પ્રવિણને ભાજપામાં પુન: પ્રવેશ કરાવીને એક કાંકરે બે શિકાર કર્યા છે.