ભાજપના MP કાછડીના પુત્રએ મારી નાખવા સોપારી આપી

ભાજપનાં નેતાઓ કે તેમનાં સંબંધીઓ કોઈકને કોઈક કારણસર હંમેશા સમાચારમાં ચમકતાં રહે છે. પણ છેલ્લાં કેટલાંક સમયથી ભાજપનાં નેતાઓ બેફામ થઈને જે રીતે નિવેદનો કરી રહ્યાં છે તેનાં કારણે હંમેશા ચર્ચામાં આવ્યાં છે. હજુ થોડાં સમય પહેલાં ભાજપનાં સાબરકાંઠાનાં એક ધારાસભ્યનાં પરપ્રાંતિયો મામલેનાં નિવેદનનાં પડઘાં શાંત થયાં નથી ત્યાં ફરી એક નેતાનાં પુત્રનું કારસ્તાન બહાર આવ્યું છે.
અત્યંત આધારભૂત સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલી જિલ્લાનાં પીપાવાવ નજીક ચારેક મહિના પહેલાં નેશનલ હાઈ વેના કામનાં એક કોન્ટ્રાકટરને ત્યાં ત્રણ શખ્સોએ હુમલો કરી તોડફોડ કર્યાના કેસમા પોલીસે મુખ્ય સુત્રધારને પકડી લીધો હતો. અને તેની પાસેથી ઓડિયો ક્લિપ કબ્જે કરી હતી. જેમાં કથિત રીતે અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયાના પુત્ર પિયુષ સાથેની વાતચીત હોવાનું કહેવાય છે. જો કે પોલીસે હજુ સુધી રેકર્ડ પર કયાંય સાંસદના પુત્રનું નામ લીધું નથી. પરંતુ જો ઓડિયો ક્લિપને સાચી માનવામા આવે તો સાંસદના પુત્ર પિયુષે કમલેશ નામના કોન્ટ્રાકટરના ટાંટીયા ભાંગી નાંખવા અને તોડફોડ કરવા કામ આપ્યાનું સ્પષ્ટ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપનાં યુવા મોરચાનાં કેટલાંક નેતાઓ સોશિયલ મીડિયામાં બેફામ પોસ્ટ કરવા માટે પ્રખ્યાત થયાં છે અને હજુ સુધી પક્ષનાં પ્રદેશ નેતાઓ દ્વારા આ મામલે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી ત્યાં ભાજપનાં સાંસદનાં પુત્રનાં આ કારસ્તાનને કારણે ભાજપનાં નેતાઓમાં આ ઓડિયો ક્લિપ ચર્ચાનો વિષય બની ગઈ છે. અને સાથે સાથે અંદરોઅંદર એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, સાંસદનો પુત્ર હોવાનાં કારણે કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરાશે નહિ ઉલ્ટાનું આ કેસ રફેદફે કરી દેવામાં આવે એવી શક્યતાઓ ચોક્કસ રહેલી છે.
જે કોન્ટ્રાક્ટર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તેમનાં પરિવારજનોનો આક્ષેપ છે કે, રાજ્યમાં ભાજપનું શાસન છે ત્યારે સુશાસનની વાત કરતી સરકારમાં જ કુશાસન ફેલાયું છે અને તેમનાં જ પક્ષનાં નેતાનાં પુત્ર ખૂલ્લેઆમ લોકોને ધમકી આપીને હુમલા કરાવે છે. તેઓએ માંગણી કરી હતી કે, આ મામલામાં અમરેલીનાં સાંસદ નારણ કાછડિયાનાં પુત્ર પિયુષ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
આટઆટલો વિરોધ થઈ રહ્યો હોવા છતાં પ્રદેશ ભાજપની નેતાગીરી દ્વારા આ મામલે મગનું નામ મરી પાડવામાં આવ્યું નથી ત્યારે હવે જોવું એ રહ્યું કે, ભૂતકાળનાં કિસ્સાઓની માફક આ કેસ પણ રફેદફે કરવામાં આવે છે કે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાનાં આદેશ કરવામાં આવે છે.