લોકસભાની ચૂંટણી જીતવા માટે ભારતીય જનતા પાર્ટીએ રાજ્યભરમાં ખાટલા પરિષદ શરૂ કરવાનું નક્કી કર્યું છે. ગુજરાતમાં નવા પ્રભારી તરીકે ઓમ માથુરની નિયુક્તિ કરવામાં આવી છે, ત્યારથી અનુમાન હતું કે ખાટલા પરિષદ શરૂ થશે. એ પ્રમાણે જ થયું છે. ગામડાઓમાં જઇને ભાજપના કાર્યકરો ખાટલાઓ પાથરે છે અને સ્થાનિક લોકો સાથે વાતચીત કરે છે. તેમના સૂચનો સાંભળે છે. પરંતુ અગાઉ જે રીતે ખાટલા પરિષદને આવકાર મળતો હતો તે અત્યારે જોવા મળતો નથી. ભાજપના કાર્યકરો મુંઝવણમાં છે કે પ્રજા ખરેખર શું વિચારી રહી છે. જોકે પ્રજાએ તો સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે ખાટલા પરિષદ નહીં પણ સારા કામ જોઈએ છે. પાંચ રાજ્યોમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીને લપડાક પડી છે. તેની સીધી અસર પણ ઉત્તર ગુજરાતના ગામડાઓમાં જોવા મળી રહી છે, કારણ કે ઉત્તર ગુજરાત રાજસ્થાનની નજીક આવેલો છે અને ત્યાં પણ રાજસ્થાન અસર જોવા મળી રહી છે. તેથી કેવા મુદ્દાઓ રજૂ કરવા તે અંગે કાર્યકરો પાર્ટીના નેતાઓનું માર્ગદર્શન માંગી રહ્યા છે. મહેસાણા જિલ્લામાં લોકોની સાથે ખાટલા પરિષદ દ્વારા સંવાદ થાય છે તેમાં પ્રજાની અપેક્ષાઓ હતી તે પરિપૂર્ણ થઇ નથી એવું સ્પષ્ટ પણે એમની વાતો પરથી જણાઈ આવે છે. તેથી હવે આ બધા ફિડબેક ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓ સમક્ષ જવાના છે. જેમાં કેટલાક નિર્ણયો લેવા પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. પ્રજામાં ભાજપને આવકાર મળતો નથી. મહેસાણા જિલ્લામાં ત્રણ હજાર જેટલીી ખાટલાા પરિષદ કરવામાં આવશે. ભાજપના નેતાઓ હવે દરેક જિલ્લામાં આ પ્રમાણે ખાટલા પરિષદ કરશે તેવું જણાય છે.
વર્ષ 2007, 2012, 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવાની જવાબદારી ઓમ માથુરને સોંપવામાં આવી હતી. ત્યારે પણ તેમણે સમગ્ર ગુજરાતમાં ખાટલા પરિષદ કરી હતી. જોકે ખાટલા પરિષદ યોવાનો મુખ્ય વિચાર તો પૂર્વ પ્રમુખ પ્રધાન માધવસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલાનો છે. એ બન્ને નેતાઓ તેમા સફળ રહ્યા હતા. હવે ફરીથી ગુજરાત ભાજપ ખાટલા પરિષદ તરફ આગળ વધી રહ્યો છે.
2014માં લોસભાની જીત બાદ ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકે ઓમ માથુરને બનાવાયા હતા. યોગી સાથે બનતું ન હતું પણ ગુજરાતમાં તેમની સામે કોઈ અવાજ પણ કરી શકતું નથી. તેથી હવે ફરીથી 2019ની લોકસભાની ચૂંટણીમાં તેમને ઉત્તર પ્રદેશ નહીં પણ ગુજરાતના પ્રભારી બનાવાયા તે ઘણું સૂચક માનવામાં આવે છે. ખાટલા પરિષદ તેમનો મહત્તમ ઉપયોગ કરે છે.
ગુજરાતની 26માંથી 50 ટકા બેઠકો ગુમાવવી પડે એવો અહેવાલ કેન્દ્રીય ભાજપ પાસે છે. તેથી ગુજરાતમાં વધુ બેઠક મળે તો જ કેન્દ્રમાં ભાજપની સરકાર બની શકે તેમ છે. આ કામ બીજા કોઈ કેન્દ્રીય નેતાઓ કરી શકે તેમ નથી. તેથી ઓમ માથુરને જવાબદારી આપવામાં આવી છે. હવે ખાટલા પરિષદ દ્વારા લોકો વચ્ચે જવાનો નિર્ણય કર્યો છે.