સુરત મહાનગર પાલિકાની ભાજપની કોર્પોરેટર નેન્સી સુમરાની લાંચ કેસમાં એસીબીએ 7 સપ્ટેમ્બર 2018ના રોજ ધરપકડ કરી હતી. આ અગાઉ નેન્સીના ભાઇ અને પિતાની ધરપકડ થઇ ચુકી છે.લાંચ કેસની એક ઇન્ટરેસ્ટીંગ વાત એ જાણવા મળી છે કે પાલિકામાં અત્યાર સુધીમાં 3 કોર્પોરેટર લાંચ કેસમાં પકડાયા છે અને આ ત્રણેય મહિલા કોર્પોરેટર જ હતી.
સુરત મહાનગર પાલિકાના વોર્ડ ન.11ની કોર્પોરેટર નેન્સી સુમરાના ભાઇ પ્રિન્સ સુમરા અને તેના પિતા મોહન સુમરાએ એક બાંધકામ માટે હેરાનગતિ નહીં કરવા રૂપિયા 75,000ની લાંચ માંગી હતી. જે પૈકી રૂપિયા 20000 તેમણે અગાઉ લઇ લીધા હતા અને બાકીના 55000 રૂપિયા લેવા ગયેલા પ્રિન્સ સુમરાની એસીબીની ટીમે સૈયદપર વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. તે પછી બે- ત્રણ દિવસ બાદ પિતા મોહન સુમરાની ધરપકડ કરવામાં આવી હતી.
એસીબીના અધિકારી એન.પી. ગોહીલે કહ્યું હતુ કે નેન્સી સુમરા શુક્રવારે જાતે સ્ટેટમેન્ટ લખાવવા આવ્યા હતા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી છે.