ગુજરાતમાં ગરીબોને મળતા કેરોસીનના કાળાબજારનો બે વર્ષમાં 17584 દરોડા પાડીને કેરોસીનનો મોટો જથ્થો પકડ્યો છે જે ખુલ્લા કાળા બજારમાં વેચાતો હતો.
પુરવઠા વિભાગે પાડેલા દરોડામાં 45.68 લાખ લીટર કેરોસીન પકડ્યું છે જે ખુલ્લા બજારમાં વેચવા માટે લઇ જવામાં આવ્યું હતું. વિભાગે કસૂરવારોને 2.31 કરોડ રૂપિયાનો દંડ પણ કર્યો છે. નવાઇની વાત એવી છે કે રેશનિંગનું કેરોસીન અલગ કલરમાં સસ્તુ આપવામાં આવે છે છતાં આ સસ્તુ કેરોસીન રેશનકાર્ડની દુકાનો ધરાવતા સંચાલકો ખુલ્લા બજારમાં વેચી નાંખી તગડો નફો કમાઇ રહ્યાં છે.
સૌથી વધું ખેડામાં 1253, બનાસકાંઠામાં 1970, ભરૂચમાં 1009 અને સુરેન્દ્રનગરમાં 1704 દરોડા પાડવામાં આવ્યા ચે. રાજ્યના કુલ 33 જિલ્લાઓમાં કેરોસીનના કાળાબજાર થાય છે. રાજ્યભરમાં કુલ 17584 જેટલા દરોડા પાડવામાં આવ્યા હતા.
આ તમામ કેસોમાં 5701 લોકો સામે પગલાં લેવામાં આવ્યા છે. પુરવઠા વિભાગે દરોડા દરમ્યાન 4568578 રૂપિયાની કિંમતનો જથ્થો રાજ્યસાત કર્યો છે. એ ઉપરાંત 23117043 રૂપિયાનો દંડ 5701 લોકો ઉપર ફટકારવામાં આવ્યો છે. આ સસ્તુ કેરોસીન બીજું કોઇ નહીં સસ્તા અનાજની દુકાનો ધરાવતા સંચાલકો બજારમાં વેચી મારી તગડો નફો કમાઇ રહ્યાં છે. 79 પરવાના પણ રદ કરી દીધા છે, એટલે કે આટલી દુકાનોના સંચાલકોના લાયસન્સ જપ્ત કરી લેવામાં આવ્યા છે. એ સાથે 264 દુકાનદારોના લાયસન્સ મોકુફ રાખવામાં આવ્યા છે. વિભાગે પીબીએમમાં કુલ 7 કેસ કર્યા છે.