ભાજપનું જ્ઞાતિનું રાજકારણ – કોળી લાવો કમળ બચાવો

લોકસભાની ચૂંટણી જીતવા માટે ભાજપે જ્ઞાતિવાદનો આશ્રય લઈને કોળી નેતા કુંવરજી બાવળીયાને પોતાની સોડમાં લીધા છે. ગુજરાતમાં લોકસભા બેઠક પર કોળી મતદારો ક્યાં કેટલી અસર કરી શકે છે તે પણ ગણિત મંડાઈ રહ્યાં છે. કોંગ્રેસે ગઈ લોકસભાની ચૂંટણીમાં 0 બેઠક જીતીને અને ભાજપે તમામ 26 બેઠકો જીતીને બન્ને પક્ષોએ વિક્રમ પ્રસ્થાપિત કર્યો હતો. જેમાં આરોપ એવો છે કે, ભાજપના ત્રીજા નેતા તરીકે EVMએ કામ કર્યું હતું. ભાજપે કોળી રાષ્ટ્રપતિ બનાવ્યા બાદ હવે ગુજરાતમાં કોંગ્રેસના કોળી નેતા કુંવરજી બાવળીયાને કમળ સાથે સ્થાન આપ્યું છે. ગઈકાલે કોંગ્રેસના કોળી ધારાસભ્યોએ ગાંધનગરમાં બેઠક કરી હતી. આમ હવે કોળી મતદાનું રાજકારણ ગુજરાતમાં શરૂ થયું છે. ભાજપે એટલા માટે આવું કરવું પડી રહ્યું છે કારણ કે ગુજરાતમાં આ વખતે અડધી બેઠક હારી જવાય તેમ છે. શહેરી પ્રભુત્વ ધરાવતી બેઠક જ જીતી શકાય તેમ છે. ખેડૂતો નારાજ છે. તેથી ટેકાના ભાવ ભાજપ સરકારે વધાર્યા છે. તેનાથી ખેડૂતો રાજી નથી. તેઓ ભાજપની બન્ને સરાકરોનો કડવો અનુભવ ધરાવે છે. તેથી ગુજરાતમાં ભાજપ ઈતિહાસનું પુનરાવર્તન કરી શકે તેમ નથી.
કોળી મતદારો ક્યાં કેટલાં પ્રભાવી
સમગ્ર ગુજરાતમાં કોળી મતદારો પ્રભાવ ધરાવે છે. તેથી ભાજપના અમિત શાહ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાવળીયાને પક્ષમાં લીધા અને પ્રધાન પણ બનાવી દીધા છે. કોળી મતદારોનો સૌથી વધું પ્રભાવ સુરેન્દ્રનગરમાં અને વલસાડમાં જોવા મળે છે. જ્યાં અગાઉ કોળી સાંસદો ચૂંટાયા છે. જૂનાગઢ જિલ્લો પણ કોળી જ્ઞાતિના ઉમેદવાર માટે સૌથી વધારે અનુકૂળ છે. તેથી કુંવરજી બાવળીયાને રાજકોટના બદલે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડાવવી જોઈએ એવું ભાજપના સ્થાનિક નેતાઓ માની રહ્યાં છે.
કોળી મતદારો
લોકસભા ટકા
ભાવનગર 18
સુરેન્દ્રનગર 15
જૂનાગઢ 11
અમરેલી 12
પોરબંદર 11
નવસારી 10
વલસાડ 08
ભરૂચ 07
કોળી અને પટેલ એક કરવા પ્રયાસ
કોળીના પાંચ ચોકા છે જેમાં કોળી પટેલ, તળપદા કોળી, ચુંવાળીયા કોળી, ઘેડિયા કોળી અને દક્ષિણ ગુજરાતના કોળી સમાજનો સમાવેશ થાય છે. આવું જ પાટીદારોનું છે. અમીન, કડલા, લેઉવા, ચૌધરી પાટીદારો મુખ્ય છે. જો આ બન્ને સમાજ એક થઈ જાય તો ગુજરાતની લોકસભાની તમામ બેઠકનો હારજીતનો ફેંસલો અને ઉમેદવાર પસંદગીનો તેઓ આધાર બની જાય તેમ છે. દરેક રાજકીય પક્ષ કોળી અને પાટીદાર સમાજ પાસે ઘુંટણીએ પડી શકે તેમ છે. ભાજપ સમજે છે કે જો આ બન્ને સમાજ એક થશે તો તેમને મુશ્કેલી ઊભી થઈ શકે તેમ છે. તેથી પાટીદારોની નારાજગીનો ફાયદો ભાજપ કોળી જ્ઞાતિ દ્વારા લેવા માટે સોગઠાં ગોઠવી રહ્યો છે. જેમાં કોંગ્રેસ તો ક્યાંય દેખાતી જ નથી. ભાજપ જ્ઞાતિનું કાર્ડ ખેલવામાં આ વખતે આગળ નિકળી ગયો છે. કોંગ્રેસના ધારાસભ્યો ગાંધીનગરમાં એકઠા કરાયા પણ તેઓ પોતાના જિલ્લા પુરતાં અસર કરે તેમ છે.
કોળી કોંગ્રેસ કે ભાજપ સાથે રહેશે
કોંગ્રેસના પક્ષ પ્રમુખ સી ડી પટેલ હતા ત્યારે મોટા પ્રમાણમાં તેઓએ કોળી મતદારોનું સમર્થન મેળવી લીધું હતું. માધવસિંહ સોલંકીની ખામ થિયરીમાં જે રીતે કોંગ્રેસ તૂટી હતી તેમાં કોળી મતદારોએ તેમને ઘણે સ્થળે બચાવવામાં મદદ કરી હતી. આમ પહેલેથી જ કોળી સમાજ કોંગ્રેસ સાથે છે તે અમિત શાહ અને નરેન્દ્ર મોદી સારી રીતે જાણે છે. તેથી તેઓએ કોળી જ્ઞાતિને ભાજપ સાથે ખેંચવા માટે નખશિખ કોંગ્રેસી એવા કુંવરજી બાવળીયાને ભાજપના કમળ સાથે સ્થાન આપ્યું છે. આમ ભાજપે જે જ્ઞાતિ કાર્ડ ખેલ્યું છે તે કોંગ્રેસને ભારે પડી શકે છે. જોકે કોળી મતદારો પહેલેથી જ કોંગ્રેસ સાથે રહ્યો છે. આ વખતે કોની તરફે જશે તે અત્યારે કહેવું મુશ્કેલ છે. પણ એ વાત નક્કી છે કે, કુંવરજી બાવળીયા પોતે બે વખત ચૂંટણી હારી ચૂક્યા છે અને તેમને કુટુંબના ત્રણ સભ્યો પણ હારી ચૂક્યા છે. એટલે એવું કહેવું યોગ્ય તો નથી જ કે તેમની સાથે કોળી સમાજ છે. જે રીતે વિઠ્ઠલ રાદડીયા રાજકોટ જિલ્લામાં લેઉવા પાટીદારોને વર્ષોથી સાચવી રહ્યાં છે તે રીતે કુંવરજી બાવળીયા માટે કહેવું વાજબી નથી.